
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ સી.આર.પાટીલને વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે, સી.આર.પાટીલનું કહેવું છે કે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં બનાવી એના કરતાં વધુ સારી શાળાઓ સુરતમાં છે. સી.આર.પાટીલ 20 વર્ષથી સાંસદ છે અને હવે તો મંત્રી પણ છે. તો દેશમાં ક્યાંય ન હોય એવી 50 શાનદાર સુરતની શાળાઓનું લિસ્ટ સી.આર.પાટીલ બહાર પાડે. ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, 30 વર્ષથી કોર્પોરેશનમાં પણ ભાજપ છે અને 20 વર્ષથી સી.આર.પાટીલ પોતે સાંસદ છે તો આખા દેશમાં નંબર 1 ગણી શકાય એવી 50 સરકારી શાળાઓ સુરતમાં ક્યાં આવી છે, એનું લિસ્ટ સી.આર.પાટીલે બહાર પાડવું જોઈએ. અને જો તમે આવું લિસ્ટ બહાર ન પાડી શકો તો ગુજરાતને લૂંટીને જે બંગલો બનાવ્યો છે, એ બંગલામાં હવે શાંતિથી પોતાનું પાછલું જીવન વિતાવો અને કેજરીવાલને કોઈ સલાહ આપવાની જરૂર નથી.
વધુમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, કેજરીવાલજીએ દિલ્હીમાં અને પંજાબમાં શિક્ષણમાં ક્રાંતિ કરી છે, ગરીબમાં ગરીબ વ્યક્તિના બાળકને સારામાં સારું શિક્ષણ મળે એવી વ્યવસ્થા ઊભી કરી છે, જ્યારે ગુજરાતમાં પ્રાઇવેટ શાળા, પ્રાઇવેટ કોલેજ, પ્રાઇવેટ યુનિવર્સિટી અને પ્રાઇવેટ કોચિંગના એટલા રાફડા ફાટ્યા છે કે લોકોએ ભણવા માટે લોનો લેવી પડે છે, લોન એટલે કે ભણવા માટે વ્યાજે પૈસા લેવા પડે છે. તો સી.આર.પાટીલ કયા મોઢે એવી વાતો કરે છે કે સુરતની સરકારી શાળાઓ દેશમાં નંબર વન છે? જો આવી 50 શાળાઓ હોય તો એનું લિસ્ટ ફેસબૂક પર પોસ્ટ કરો, મારે પણ જોવું છે કે આવી સરકારી શાળાઓ ક્યાં આવી? ગુજરાતને ખૂબ લૂંટ્યું છે તો હવે આ લૂંટ બંધ થાય એવું કંઈ કરો તો સારી બાબત છે, બાકી જનતા તો હવે જાગૃત થઈ ચૂકી છે અને 2027માં સાવરણો ફેરવવાની તૈયારી છે.




