
અમેરિકાનો ગંભીર આરોપ ચીનને ટેરિફથી બચાવવા ભારત સહિત ૪૦ દેશો મદદ કરી રહ્યાં છે વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નવારકાના રિપોર્ટ મુજબ, ચીન ગુપ્ત માલ વહન નેટવર્ક ચલાવી રહ્યું છે અમેરિકાએ ભારત સહિત દુનિયાના ૪૦થી વધુ દેશો પર એક મોટો આરોપ લગાવ્યો છે. અમેરિકાનું કહેવું છે કે આ દેશો ચીનને તેના પર લાગતા ભારે ટેરિફમાંથી બચાવવામાં મદદ કરી રહ્યા છે. આ માટે ચીન એક ગુપ્ત માલ વહન નેટવર્ક ચલાવી રહ્યું છે, જેમાં ચીનની વસ્તુઓ પહેલા ભારત કે અન્ય દેશોમાં મોકલવામાં આવે છે અને ત્યાંથી આ દેશોના નામે અમેરિકામાં વેચવામાં આવે છે. વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નવારકાએ તેમના રિપોર્ટ ધ ગ્રેટ ટ્રાન્સશિપમેન્ટ સ્કેમમાં આ ખુલાસો કરતા દાવો કર્યો છે કે આ રીતે ચીન અમેરિકાના કડક વેપાર નિયમો અને ટેરિફથી બચી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૧૮માં જ્યારે તત્કાલીન ટ્રમ્પ વહીવટીતંત્રે ચીન પર અન્યાયી વેપાર નીતિઓ બદલ કલમ ૩૦૧ હેઠળ ભારે ટેરિફ લાદ્યા હતા, ત્યારથી ચીને ટેરિફથી બચવા માટે આ ગેરકાયદેસર રસ્તો અપનાવ્યો હતો. પીટર નવારકાએ દાવો કર્યો છે કે આ ગેરકાયદેસર ટ્રાન્સશિપમેન્ટનું વાર્ષિક મૂલ્ય ઇં૪૦ અબજથી ઇં૩૦૩ અબજ (લગભગ રૂ.૩.૩ લાખ કરોડથી રૂ.૨૫ લાખ કરોડ) વચ્ચે હોવાનું અનુમાન છે. આ કૌભાંડ દ્વારા કમ્યુનિસ્ટ ચીન દાયકાઓથી ત્રીજા દેશો મારફતે પોતાની નિકાસને કાયદેસર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
અમેરિકન પ્રમુખના વેપાર અને ઉત્પાદન સલાહકારે સ્પષ્ટ કર્યું કે ચીનના આ શેડો ટ્રાન્સશિપમેન્ટ નેટવર્કમાં ભારત સિવાય અમેરિકાના સૌથી મોટા વેપારી ભાગીદારો જેવા કે મેક્સિકો, કેનેડા, યુરોપિયન યુનિયન, જાપાન અને સાઉથ કોરિયા પણ સામેલ છે. ચીન આ દેશોના ઉદાર ફ્રી ઝોન, નબળા કસ્ટમ્સ ચેકિંગ અને સસ્તા શ્રમનો લાભ ઉઠાવીને અમેરિકન બજાર સુધી સરળતાથી માલ પહોંચાડી રહ્યું છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે ચીન પોતાના સામાનને ભારત જેવા ત્રીજા દેશોમાં મોકલે છે. ત્યાં માત્ર થોડું રિ-પેકેજિંગ, લેબલ બદલવું (Re-labeling), નવું બિલ બનાવવું (Re-invoicing) કે રૂટ બદલવા જેવા નજીવા ફેરફારો કરીને સામાન પરથી મેડ ઇન ચાઇનાનું બ્રાન્ડિંગ હટાવી દેવામાં આવે છે. દાખલા તરીકે, ભારતની પૂણે-ગુજરાત-ચેન્નાઈ પ્રોડક્શન બેલ્ટમાં વપરાતા પંપ અને કમ્પ્રેસર જેવા ચીની સામાનનો ઉપયોગ કરીને તેને આગળ મોકલવામાં આવે છે, જેનાથી અમેરિકાની ટેકનોલોજી સપ્લાય ચેઈન પ્રભાવિત થાય છે.
પીટર નવારકાએ જણાવ્યું છે કે આ પ્રકારની ગેરકાયદેસર અને શંકાસ્પદ ખેપોને ઓળખવા અને તેમની સામે સખત કાર્યવાહી કરવા માટે અમેરિકા હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ કડક પગલાંથી ચીનની સાથે સાથે આ નેટવર્કમાં સામેલ દેશો પર પણ અમેરિકાનો વેપારી દબાણ વધવાની શક્યતા છે.




