
આમ આદમી પાર્ટી પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા અને સુરત મનપા પૂર્વ વિરોધ પક્ષ નેતા પાયલ સાકરીયા અને પ્રદેશ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ તથા વર્તમાન કોર્પોરેટર રચના હીરપરાએ કામરેજ તાલુકાના દિગસ ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પાયલ સાકરીયાએ શાળાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે કામરેજ વિધાનસભા વિસ્તારમાં આવેલી આ સરકારી શાળામાં ધોરણ 1થી 5 સુધીના બાળકો માટે માત્ર બે ઓરડાઓ છે. શાળાની આસપાસ ગંદકી, પીવાના પાણીની ટાંકીની ખરાબ સ્થિતિ તેમજ શૌચાલય અને બાથરૂમની અસ્વચ્છતા જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે. બાળકોને અભ્યાસ માટે જરૂરી પાયાની સુવિધાઓનો પણ અભાવ હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે એક તરફ સરકાર સમગ્ર શિક્ષા ગુજરાત, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને બાળકોને વિશ્વસ્તરની સુવિધા આપવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાઓમાં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળે છે.
’આપ’ નેતા પાયલ સાકરીયાએ વધુમાં જણાવ્યું હતું કે આ મુદ્દો કોઈ રાજકીય હેતુથી ઉઠાવવામાં આવ્યો નથી, પરંતુ દરેક બાળકને સારામાં સારી શિક્ષણ વ્યવસ્થા મળે તે સરકારની જવાબદારી છે. કામરેજ વિધાનસભા વિસ્તારમાં આવી સ્થિતિની શાળા હોવી ગંભીર બાબત છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે સરકાર વિશ્વસ્તરની શિક્ષણ સુવિધાઓ અને વિશ્વગુરુ બનવાની વાત કરે છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારના બાળકોને પાયાની સુવિધાઓથી પણ વંચિત કેમ રાખવામાં આવે છે? તેમણે સરકાર અને સ્થાનિક સત્તાધીશોને દિગસ ગામની શાળાની સ્થિતિ સુધારી બાળકોને સ્વચ્છ, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી.




