
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે ગઈકાલે ઝડપાયેલા ₹22 લાખના દારૂ અને બાકીના મુદ્દામાલ સહિત કુલ ₹32 લાખના મુદ્દામાલના કેસમાં ભાજપ સાથે સંકળાયેલા લોકોના નામ સામે આવ્યા છે. તેમણે કહ્યુ હતુ કે મોસ્ટ વોન્ટેડ બૂટલેગર દિનેશ વસાવા ભારતીય જનતા પાર્ટીનો સક્રિય સભ્ય છે, જ્યારે તેમની પુત્રી રસ્મિતા વસાવા નર્મદા જિલ્લા પંચાયતના વર્તમાન સભ્ય છે અને અગાઉ આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે પણ રહી ચૂક્યા છે. વર્ષ 2016માં પણ દિનેશ વસાવાના ઘરે આમલેથા પોલીસ સ્ટેશનથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે અંદાજે ત્રણ કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો હતો. તેમ છતાં તેમની સામે કડક કાર્યવાહી થવાને બદલે રાજકીય રક્ષણ મળે છે. ભાજપના સ્થાનિકથી લઈને પ્રદેશ સ્તરના નેતાઓ સાથે આવા બૂટલેગરોની સાંઠગાંઠ હોવાના કારણે દારૂ, આંકડા-જુગાર સહિતના ગેરકાયદેસર ધંધાઓને પ્રોત્સાહન મળી રહ્યું છે.
નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ અને ખાસ કરીને ભરુચ પોલીસે કરેલી કાર્યવાહી પ્રશંસનીય છે, પરંતુ નર્મદા જિલ્લામાં પણ મોટા પ્રમાણમાં દારૂ આવતો હોવા છતાં સ્થાનિક સ્તરે આવી કાર્યવાહી કેમ થતી નથી તે ગંભીર પ્રશ્ન છે. રાજકીય દબાણના કારણે સારું કામ કરતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરવામાં આવે છે, જેના કારણે બૂટલેગરો બેફામ બન્યા છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે દારૂ, આંકડા અને જુગાર જેવા ગેરકાયદેસર ધંધાઓમાંથી થતી કમાણી રાજકીય વ્યવસ્થા સુધી પહોંચતી હોવાના કારણે આવા તત્વોને રક્ષણ મળે છે. સામાન્ય વ્યક્તિ સામે દારૂ પીધા બાદ વાહન ચલાવવા જેવા મામલામાં કડક કાર્યવાહી થાય છે, જ્યારે રાજકીય હોદ્દા અને વગ ધરાવતા બૂટલેગરો સામે કાર્યવાહી કરવામાં પોલીસ પર દબાણ હોવાનો તેમણે આક્ષેપ કર્યો. તેમણે ભરુચ પોલીસનો આટલો મોટો જથ્થો ઝડપી પાડવા બદલ આભાર વ્યક્ત કરી અને પોલીસને રાજકીય દબાણથી મુક્ત રીતે કામગીરી કરવાની તક આપવામાં આવે તો ગુજરાત પોલીસ ગેરકાયદેસર દારૂ અને જુગારના ધંધા સામે વધુ અસરકારક કાર્યવાહી કરી શકે તેમ જણાવ્યું હતું.




