
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આવતીકાલ તા. ૩૧ જુલાઈ અને ૧ ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદની અગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આ પ્રકારની તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે એમ અમદાવાદ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું હતું.
આ સંદર્ભે જિલ્લા કલેક્ટરે તમામ સંબંધિત વિભાગો અને સ્ટેક હોલ્ડર્સ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી હતી. જેમાં જિલ્લા પોલીસ, પ્રાંત અધિકારીઓ, ટીડીઓ, મામલતદાર, ચીફ ઓફિસર, આરોગ્ય ટીમ તેમજ માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ અને પંચાયત) સહિતના તમામ વિભાગોને એલર્ટ મોડ પર રહેવા સૂચના આપવામાં આવી છે.
આ અંગેની વિગતો આપતાં જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે જિલ્લાના તમામ તાલુકાઓમાં વહીવટી તંત્ર તરફથી એક-એક સિનિયર અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. આ તમામ અધિકારીઓ સંબંધિત તાલુકામાં પહોંચીને સ્થાનિક સ્તરે તમામ તૈયારીઓનો પ્રત્યક્ષ રિવ્યૂ લેશે અને જરૂરિયાત મુજબ યોગ્ય કાર્યવાહી કરશે.
બીજી તરફ, જિલ્લામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપતાં આવતીકાલ તા. ૩૧ જુલાઈના રોજ અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક રજા જાહેર કરવામાં આવી છે એમ તેમણે ઉમેર્યું હતું.
કલેક્ટરશ્રીએ જણાવ્યું કે જિલ્લામાં આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે NDRFની એક ટીમ અને SDRFની બે ટીમ ઉપલબ્ધ છે. જેમને ધોળકા, બાવળા અને સાણંદ ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જરૂરિયાત મુજબ આ ટીમોને અન્ય વિસ્તારોમાં મોકલવામાં આવશે.
આગામી બે દિવસ દરમિયાન અત્યંત જરૂરી કામ સિવાય નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા જિલ્લા કલેક્ટરે અપીલ કરી છે.




