
ન્યૂયોર્કના મેયર જાેહરાન મામદાનીનો વિરોધ RSS ના શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘ પ્રમુખ મોહન ભાગવત અમેરિકા પહોંચ્યા ૨૯ ઑગસ્ટે ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં તેઓ ૫,૦૦૦ ભારતીય પ્રવાસીઓને યુનિવર્સલ વનનેસ કાર્યક્રમમાં સંબોધિત કરશે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના શતાબ્દી વર્ષ નિમિત્તે યોજાયેલા વૈશ્વિક સંપર્ક કાર્યક્રમ અંતર્ગત સંઘ પ્રમુખ મોહન ભાગવતની અમેરિકા યાત્રા શરૂ થઈ ગઈ છે. તેઓ ૨૯ ઑગસ્ટના રોજ ન્યૂયોર્કના પ્રસિદ્ધ મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં યુનિવર્સલ વનનેસ નામના કાર્યક્રમમાં અંદાજે ૫,૦૦૦ ભારતીય પ્રવાસીઓને સંબોધિત કરવાના છે. જાેકે, આ આયોજનને લઈને અમેરિકાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે વિરોધ જાેવા મળી રહ્યો છે.
ન્યૂયોર્ક સિટીના પ્રથમ ભારતીય-અમેરિકન મેયર જાેહરાન મામદાનીએ આ રેલી સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. એક પત્રકાર પરિષદ દરમિયાન કાર્યક્રમ રદ કરવા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે સ્પષ્ટ કર્યું કે, તેઓ આ પ્રકારની રેલીનું સમર્થન કરતા નથી, પરંતુ કોઈ ખાનગી કાર્યક્રમને રદ કરવાનો અધિકાર સિટી તંત્ર પાસે છે કે કેમ તે અંગે તેઓ સ્પષ્ટ નથી.
મેયર મામદાનીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત એક બહુલવાદી સમાજ અને ધર્મનિરપેક્ષ પ્રજાસત્તાક દેશ છે, જે દરેક નાગરિકની ભાગીદારીમાં વિશ્વાસ રાખે છે. કોઈપણ દેશમાં બહિષ્કાર અને ભેદભાવ પર આધારિત વિચારધારાનો ઉદ્ભભવ ચિંતાજનક છે અને તેઓ એક ભારતીય-અમેરિકન તથા ન્યૂયોર્કના મેયર તરીકે આવી વિચારધારાનો સખત વિરોધ કરે છે. આ કાર્યક્રમનો વિરોધ માત્ર રાજકીય ક્ષેત્ર પૂરતો સીમિત નથી રહ્યો. હિન્દુઝ ફોર હ્યુમન રાઇટ્સ, ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ અને ઇન્ટરફેથ સેન્ટર ઓફ ન્યૂયોર્ક જેવા અગ્રણી સંગઠનોએ ન્યૂયોર્ક સિટી હોલની બહાર વિરોધ પ્રદર્શન કર્યા હતા. આ નાગરિક અધિકાર જૂથોએ મેડિસન સ્ક્વેર ગાર્ડન પ્રશાસન પાસે આ આયોજનને તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે. બીજી તરફ, આ કાર્યક્રમના આયોજક અહેડ ફોરુમ દ્વારા સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરવામાં આવી છે કે યુનિવર્સલ વનનેસ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વને એકતાના સૂત્રમાં બાંધવાનો છે. સંઘ પ્રમુખનો આ પ્રવાસ RSS ના ૧૦૦ વર્ષ પૂરા થવાના આંતરરાષ્ટ્રીય આઉટરીચ પ્રોગ્રામનો ભાગ છે, જે અંતર્ગત તેઓ અમેરિકા બાદ કેનેડા અને યુકેની પણ મુલાકાત લેવાના છે.




