
રેલવેની કાયાપલટ આધુનિક ફીચર્સ અને વધુ સુરક્ષા સાથે સેમ્પલ કોચ તૈયાર કરાયા ટ્રેનના કોચને આરામદાયક સીટો, આધુનિક લાઈટિંગ અને હાઈટેક શૌચાલયની સુવિધાથી સજ્જ કરાશે ભારતીય રેલવેએ ટ્રેન મુસાફરીને પહેલા કરતા વધુ સુરક્ષિત અને આરામદાયક બનાવવા માટે પોતાની કામગીરી તેજ કરી દીધી છે. રેલ મંત્રાલયે રવિવારે માહિતી આપી હતી કે, રેલવે નવા અને આધુનિક ડિઝાઈનના કોચ તૈયાર કરી રહ્યું છે.
મુસાફરોની સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખીને આ કોચમાં મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે, જેથી મુસાફરીનો અનુભવ શ્રેષ્ઠ બની શકે. આ ઉપરાંત, ટ્રેનોમાં લાગેલા શૌચાલયોને પણ અપગ્રેડ કરવાની યોજના છે, જેથી મુસાફરોને વધુ સ્વચ્છ અને આધુનિક સુવિધાઓ મળી રહે.કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, રેલવેએ હાલના કોચને અપગ્રેડ કરીને એક ‘સેમ્પલ કોચ’ તૈયાર કર્યાે છે. આ કોચમાં નવી ટેકનોલોજી અને ઉન્નત સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી કરનારા મુસાફરોને આ ફેરફારનો સીધો લાભ મળશે. નવા ડિઝાઈનના કોચમાં સીટોને પહેલા કરતા વધુ આરામદાયક બનાવવામાં આવી છે. સાથે જ કોચની અંદર લાઈટિંગ, વેન્ટિલેશન અને સાફ-સફાઈ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.મુસાફરોની સુરક્ષા માટે આધુનિક સેફ્ટી ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે, જેથી કટોકટીની સ્થિતિમાં વધુ સારી રીતે નિપટી શકાય. શૌચાલયમાં પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે; તેને વધુ સ્વચ્છ, ટકાઉ અને ઉપયોગમાં સરળ બનાવવામાં આવ્યા છે. પાણીની બચત અને બહેતર સફાઈ વ્યવસ્થા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સેમ્પલ કોચના સફળ પરીક્ષણ બાદ તબક્કાવાર રીતે અન્ય ટ્રેનોમાં પણ આવા કોચ જાેડવામાં આવશે.રેલવેના જણાવ્યા મુજબ, ‘અમૃત ભારત એક્સપ્રેસ’ના કોચને ખાસ ડિઝાઈન સાથે તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેથી મુસાફરોને પ્રીમિયમ યાત્રાનો અનુભવ મળે. કોચના ઇન્ટિરિયરને સંપૂર્ણ નવો લુક આપવામાં આવ્યો છે. ફ્લોર પર પીવીસી ફ્લોરિંગ અને સીટ-બર્થ પર નવી રેક્સિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ફોલ્ડેબલ સ્નેક ટેબલ, બારીઓના પડદા અને અત્યાધુનિક શૌચાલય જેવી સુવિધાઓ ઉમેરાઈ છે. કોચના અંદરના ભાગને આકર્ષક બનાવવા માટે એકસમાન કલર કોમ્બિનેશન રાખવામાં આવ્યું છે.રેલવેના જણાવ્યા અનુસાર, આ કોચ માત્ર દેખાવમાં આકર્ષક નથી, પરંતુ તેની મજબૂતી અને સુરક્ષા પર પણ ખાસ ભાર મુકાયો છે. કોચમાં વપરાયેલી તમામ સામગ્રી ઉચ્ચ સ્તરના એચએલ-૩ ફાયર સેફ્ટી માપદંડો મુજબની છે. આનાથી આગ લાગવાના જાેખમમાં ઘટાડો થશે અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મદદ મળશે. આ આધુનિકીકરણથી દેશભરમાં રેલ મુસાફરીની ગુણવત્તામાં મોટો સુધારો આવવાની અપેક્ષા છે.




