
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ગણેશોત્સવ એટલે શ્રધ્ધા અને ભક્તિનો સમન્વય. આ ભક્તિભાવ ભર્યો ગણેશોત્સવ વર્ષો વર્ષથી ઉજવાતો આવ્યો છે. એવો આ ગણેશોત્સવ હવે જાણે કે દેખાદેખી અને સ્પર્ધાનો ઉત્સવ બની ગયો હોય એમ હવે સુરતના વિવિધ વિસ્તારોમાં ઉભા કરાયેલા ગણેશ મંડપો જોઈ ને લાગી રહ્યુ છે.
ગણેશોત્સવ એ ધાર્મિક લાગણી સાથે જોડાયેલી ગણેશજી પ્રત્યેની અસિમ શ્રધ્ધા છે. અને આ શ્રધ્ધા દરેક બાળકોથી લઇ ને યુવાનો અને વડિલ ભાઈ બહેનો માં હોય છે. જેનો સ્વીકાર કરવો જ રહ્યો. પરંતુ કોઇ પણ ચીજ માં જ્યારે અતિરેક થતો હોય ત્યારે એ શ્રધ્ધા ની જગ્યાએ દેખાદેખીનો તહેવાર બની જાય છે. આ એટલા માટે લખવું પડે છે કે ગણેશજી નો મંડપ નાનો હોય કે મોટો , મૂર્તિ મોટી હોય કે નાની ગણેશજી પ્રત્યેની શ્રધ્ધા તો અસીમ જ રહેવાની છે. ત્યારે એમાં હુંસાતૂસી કે દેખાદેખી ને કોઇ સ્થાન હોવું જોઇએ નહીં.
પરંતુ આજની ભક્તિ અતિરેક થી ભરપૂર છે. કારણ કે જો તમે શહેરના પૂતળી વિસ્તાર સગરામપુરા જુઓ, કોટસફીલ રોડ જુઓ, ઇન્દરપુરા ખત્રીવાડ જુઓ કે મોરા ભાગળ, ભાગળ, ચોક, થી લઇને વરાછા, કતારગામ,ઉધના,ડિંડોલી,અડાજણ,પાલ સહિત આખા શહેર ના વિસ્તારોમાં એક જ મહોલ્લાઓ માં ઊંચી-ઊંચી મૂર્તિ સાથે ના ઊંચા ઊંચા ત્રણ કે ચારથી વધુ મંડપો જોવા મળશે. આ શું બતાવે છે?
એકતો જાહેર અવર જવરનો રસ્તો જે ટ્રાફીકથી ધમધમતો હોય અને એમાં એવા મહોલ્લાઓમાં આ પરિસ્થિતિ નું નિર્માણ થતાં સાંજના છેડે ટ્રાફિક જામ થઈ જાય છે. વાહન ચાલકોને મોટો ચક્રાવો લઇ ને પેટ્રોલ નો ધુમાડો કરી પોતાના સ્થાને પહોંચવા પરસેવો પડી રહ્યો છે. ત્યારે છેલ્લે એટલું જ કે ધર્મના નામે ભૂલેચૂકે આપણે જનતાને હેરાન પરેશાન કરવા અધર્મનું આચરણ તો નથી કરી રહ્યા ને? એનું આત્મમંથન કરવું જરૂરી નથી લાગતું? ગણેશજી માફ કરશો.




