
(નીડર, નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
આપણા દેશમાં હવે ન્યાયતંત્ર પ્રત્યે લોકોનો વિશ્વાસ એટલા માટે ડગમગી ગયો છે કે કેટલાંક ચૂકાદાઓએ સમાજને દિગ્મૂઢ કરી નાખ્યા છે. જ્યાં લોકોને ડરાઈને કોઈ પ્રકારે ન્યાયતંત્ર પર પરોક્ષ રીતે અથવા દબાણનો સામનો કરી ને પણ લડત ચાલુ રાખવી પડે છે. પછી એ દબાણો કોઈ રાજકારણીના હોય, કોઈ ધર્મના નામે આડંબર કરી નેતાઓને આંજી નાખી આશ્રમો ઉભા કરનારા બાપાઓ, બાપુઓના કેમ ન હોય?
તાજેતરનો દાખલો જોઈએ જ્યાં જંતરમંતર પર થયેલા આંદોલનમાં પોલીસ દ્વારા ચલાવાયેલી પેલેટગન થી ઈજા પામેલી વ્યક્તિની FIR નોંધાવવા લોકસભાના વિરોધ પક્ષના નેતાને જો સાત-સાત કલાક બેસવું પડતું હોય ત્યારે FIR નોંધાતી હોય ત્યારે તપાસ એ ઉભો થાય છે કે પોલીસ તંત્ર પર કોનું દબાણ છે? કે જે ઘાયલ વ્યક્તિને થયેલી ઈજા અંગેની FIR નોંધવાની પણ ના પાડી ને પછી સાત કલાકે FIR નોંધે છે અને એ પણ લોકસભાના વિરોધ પક્ષના નેતા ને કારણે નોંધે છે. ત્યારે સામાન્ય માનવીનું કોણ ?
આ સવાલ એટલા માટે ઉભો થાય છે કે ભારે પહોંચ ધરાવતા રામ રહીમનો મામલો એટલા માટે પણ સંવેદનશીલ છે કે તેની સજા સામાન્ય ગુનાની નથી. બે સાધ્વીઓ પર બળાત્કારના કેસમાં તેને દોષિત ઠેરવીને લાંબી કેદની સજા આપવામાં આવી છે. આવા કિસ્સામાં પીડિતોના ન્યાય, તેમની માનસિક સ્થિતિ અને સમાજમાં કાયદા પ્રત્યેના વિશ્વાસને વિશેષ મહત્વ મળવું જોઈએ. આરોપી કે દોષિતને કાયદાકીય અધિકારો મળવા જોઈએ, પરંતુ પીડિતોના અધિકારો અને સમાજના વિશ્વાસને પણ એટલું જ મહત્વ આપવું જરૂરી છે.
અહીં બીજો એક મહત્વનો મુદ્દો છે પેરોલ અને ફરલો વચ્ચેનો તફાવત. બંનેને સામાન્ય ભાષામાં “જેલમાંથી બહાર આવવું” કહેવામાં આવે છે. પરંતુ કાયદાકીય રીતે બંને અલગ વ્યવસ્થાઓ છે. ફરલો સામાન્ય રીતે કેદની સજા દરમિયાન ચોક્કસ શરતો હેઠળ આપવામાં આવતી અસ્થાયી મુક્તિ છે. તેથી માત્ર “વારંવાર બહાર આવવું” જોઈને કાયદાનો ભંગ થયો છે એવું કહી શકાય નહીં. પરંતુ વારંવાર મુક્તિ આપવામાં આવે ત્યારે તેના કારણો, માપદંડો અને નિર્ણય પ્રક્રિયા જાહેર અને પારદર્શક હોવી જોઈએ. આમ એક ને ગોળ અને એક ને ખોળ જેવી નીતિથી આ બંધારણિય સિદ્ધાંત પર લોકોનો વિશ્વાસ નબળો પડી શકે છે.




