Gujarat News: ગાંધીનગરના કલોલમાં કોલેરાનો હાહાકાર મચ્યો છે. કોલેરાના વધુ કેસ નોંધાતા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યો છે. જેના પગલે ગાંધીનગર જિલ્લા કલેકટરે કલોલના વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યો છે. ત્રિકમનગર, મજુર હાઉસિંગ સોસાયટીનાં આજુબાજુના 2 કિ.મીના વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.
ત્રણ મહિના સુધી કોલેરાગ્રસ્ત વિસ્તાર
કલેક્ટરે જાહેરાનામું બહાર પાડી જણાવ્યું છે કે, ધી એપીડેમીક ડીસીઝ એક્ટ-1897ની કલમ-2 અન્વયે કોલેરા રેગ્યુલેશન હેઠળ ત્રિકમનગર, મજુર હાઉસિંગ સોસાયટીનાં આજુબાજુના 2 કિમીના વિસ્તારમાં ત્રણ મહિના સુધી કોલેરાગ્રસ્ત જાહેર કરાય છે.
11 હજારથી વધુ નાગરિકોનો સર્વે કરાયો
કલોલમાં કોલેરાના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા 2485 જેટલા ઘરોમાં 11 હજારથી વધુ નાગરિકોનો સર્વે કરાયો હતો. આરોગ્ય વિભાગની 42 ટીમો કોલેરાના કેસ નોંધાતા એલર્ટ જોવા મળી રહી છે
અગાઉ 30 ડિસેમ્બરે આ વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો હતો
એકાએક કોલેરાનાં કેસ પ્રકાશમાં આવતા ગાંધીનગર કલેક્ટર દ્વારા તાત્કાલિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગરના ઉવારસદ અને કર્ણાવતી યુનિવર્સિટી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયું હતું. તેમજ 2 કિલોમીટરનાં સમગ્ર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો હતો. તેમજ ઈંટોનાં ભઠ્ઠા અને આસપાસનાં વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા લોકોની આરોગ્ય ચકાસણી શરૂ કરી હતી. ત્યારે આ જાહેરનામું તા. 30 મી ડિસેમ્બર 2023 થી આગામી ત્રણ મહિના સુધીનો આદેશ કર્યો હતો