
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વ્યારા ખાતે ૨૪ દિવસથી ધરણાં પર બેસેલા ખેડૂતોના ધરણાં સ્થળની મુલાકાત લીધી હતી. ધરણાં સ્થળે પહોંચીને ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપ સરકાર જાણે ખેડૂતો માટે કાળ બનીને આવી હોય તેમ અહીંના ખેડૂતો ગત બીજી ઓક્ટોબરથી અંદાજે ૨૪ દિવસથી પોતાની શેરડીના બાકી નીકળતા રૂપિયા ન મળવાને કારણે ધરણા પર બેઠા છે. સુગર ફેક્ટરી બંધ પડી હોવાથી ચાલુ કરાવાયા બાદ આગેવાનો અને નેતાઓની અપીલથી ખેડૂતોએ શેરડી વાવીને ફેક્ટરીને આપી હતી, પરંતુ સુગર ફેક્ટરી અને તેમાં બેઠેલા નેતાઓ શેરડી અને તેના બીજા તથા ત્રીજા હપ્તાના આશરે ૯ થી ૧૦ કરોડ રૂપિયા ખાઈ ગયા છે. સરકાર, ફેક્ટરી સંચાલકો, ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓ મોજ કરી રહ્યા છે જ્યારે કોઈના પેટનું પાણી નથી હલતું. પરિણામે અનાજ-કરિયાણા વાળા તથા ટ્રેક્ટર વાળાના ઉઘરાણાથી ખેડૂતોની જન્માષ્ટમી અને દિવાળી બંને બગડી ગઈ છે, અને સરકાર તથા જવાબદાર અધિકારીઓએ હાથ ઊંચા કરી દીધા છે.
’આપ’ નેતા ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે જો સરકાર કે નેતાઓમાં જવાબદારી હોય તો તેઓ પોતાના પગારમાંથી, એક દિવસ ચાર્ટર પ્લેન કે હેલિકોપ્ટર ઉડાડવાનું બંધ કરીને અથવા સરકારના ફંડમાંથી ખિસ્સામાંથી નહિ પણ નિયમ મુજબ ૧૫% વ્યાજ સાથે ખેડૂતોના નાણાં તુરંત ચૂકવી આપે. તેમણે ઉમેર્યું કે ખેડૂતો ૨૪ દિવસથી બેઠા હોય અને નેતાઓ રૂપિયા ન અપાવી શકતા હોય તો આવા નેતાઓ નમાલા છે અને તેમણે રાજીનામાં આપી દેવા જોઈએ, કારણ કે ટિકિટ જતી રહેવાના ડરે સરકાર સામે ન બોલનારા નેતાઓ કરતા ૨૨-૨૪ દિવસ બેસી શકનાર આ મહેનતુ ખેડૂતોને ધારાસભ્ય કે મંત્રી બનાવવા જોઈએ. ખેડૂતોના રોકાયેલા નાણાં પાછા મેળવવા માટે તેઓ પોતે, તેમની ટીમ અને જરૂર પડ્યે લીગલ ટીમ અભ્યાસ કરીને જવાબદારો સામે કોર્ટમાં છેતરપિંડીની ફરિયાદ કરવા માટે પણ સંપૂર્ણ તૈયાર છે.
સ્થાનિક ખેડૂતના જણાવ્યા અનુસાર ‘ખેડૂત સત્યાગ્રહ આંદોલન’ હેઠળ ગત ૨જી ઓક્ટોબરથી વ્યારા જિલ્લા સેવા સદન ખાતે છેલ્લા ૨૪ દિવસથી ખેડૂતો ધરણા પર બેઠા છે. સુગર ફેક્ટરીમાં પરસેવો રેડીને શેરડી આપવા છતાં ચેરમેન અને એમડી દ્વારા ૧૫ અને ૨૩ તારીખના લેખિત તથા મૌખિક વાયદાઓ આપીને ખેડૂતો સાથે વારંવાર છેતરપિંડી કરવામાં આવી છે. આ ગંભીર સ્થિતિમાં સામી દિવાળીએ ખેડૂતોના ખિસ્સામાં ફૂટી કોડી પણ નથી, બાળકો માટે ખરીદી નથી થઈ શકી અને ઘરમાં પત્નીઓ હકના રૂપિયાને લઈને પતિની રાહ જોઈ રહી છે. આથી સરકારને અપીલ છે કે તાત્કાલિક ધોરણે ખેડૂતોના નાણાં ચૂકવવામાં આવે અને કસ્ટોડિયન કમિટીના તમામ સભ્યોની ધરપકડ કરી તેમની પ્રોપર્ટી જપ્ત કરીને કાનૂની કાર્યવાહી કરવામાં આવે.




