
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર આખાના ખેડૂતો માટે ખૂબ જ દુઃખના સમાચાર આવ્યા છે કારણ કે વર્ષોથી સૌની યોજનાના નામે ખેડૂતોના મત પડાવવાનું ષડયંત્ર રચનાર ભાજપ સરકાર દ્વારા જળાશયોમાંથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી નહીં મળે તેવો લેખિત આદેશ બહાર પાડવામાં આવ્યો છે. ગોપાલ ઇટાલિયાએ પત્ર બતાવી જણાવ્યું કે, આમાં સ્પષ્ટ સૂચના અપાઈ છે કે સૌની યોજના હેઠળના કમાન્ડ વિસ્તારની તમામ કાર્યરત સિંચાઈ મંડળીઓ તથા ખેડૂતોને અવગત કરી દેવું કે જળાશયોમાં માત્ર પીવાના પાણીને અગ્રિમતા અપાશે અને સિંચાઈનું પાણી મળશે નહીં. ૩૦ વર્ષથી સરકાર ચલાવતી ભાજપનો ભાંડો એક જ વર્ષ વરસાદ ન આવતા ફૂટી ગયો છે, કારણ કે અત્યાર સુધી ભગવાન સમયસર વરસાદ, પવન, તડકો અને ઠંડી મોકલતા હોવાથી સરકાર ચાલતી હતી, પરંતુ હવે શિયાળામાં જ અમદાવાદ સહિત શહેરોમાં પીવાના પાણીના અને લાઈટના કાપ શરૂ થઈ ગયા છે અને સૌની યોજનાના ભૂંગળા, મશીનો તથા સિમેન્ટના નામે માત્ર કોન્ટ્રાક્ટરો અને ભાજપના નેતાઓ જ અબજો રૂપિયા કમાયા છે જ્યારે ખેડૂતોને આ યોજનાનો કોઈ જ લાભ મળ્યો નથી.
’આપ’ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યુ હતુ કે કેશુભાઈ પટેલના સમયમાં પાયો નંખાયેલી કલ્પસર યોજનાને નરેન્દ્ર મોદી અને અમિત શાહે પસંદ ન હોવાના કારણે આગળ વધવા દીધી નથી, અને ડબલ એન્જિન સરકારની વાત કરનાર ભાજપના પોતાના મંત્રીઓ તથા ધારાસભ્યોના ગામોમાં પણ આજે સૌની યોજનાનું પાણી નહીં મળે તેવો લેખિત હુકમ કરાયો છે. સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાનો કાયમી અને રામબાણ ઈલાજ માત્ર એ જ છે કે દરેક ગામમાં ઓછામાં ઓછા બે તળાવ, દરેક તાલુકામાં ૨૦ ચેકડેમ અને દરેક જિલ્લામાં ૧૦ મોટા ડેમ બને, તથા સરકાર ગામડે ગામડે દર વર્ષે ૧ કરોડ રૂપિયા ફાળવીને સ્થાનિક લોકોને ક્યાં તળાવ બનાવવું તે નક્કી કરવાની છૂટ આપે. ભાજપ સરકાર બધું જ જાણવા છતાં એટલા માટે તળાવ અને ચેકડેમ નથી બનાવતી જેથી કાઠિયાવાડના લોકો તેમના ઓશિયાળા બનીને રહે, અને સૌની યોજનાની હવા નીકળી જતાં સરકારે હાથ ઊંચા કરી લેતા હવે કાઠિયાવાડના ખેડૂતો ભગવાન ભરોસે રહેવા મજબૂર બન્યા છે.




