
૧૦૦૦થી વધુની અટકાયત ફ્રાન્સ ફરી ભડકે બળ્યું, ૪ લાખ દેખાવકારો રસ્તા પર ઊતર્યા ૭૦ હજારથી વધુ સુરક્ષા જવાનો તહેનાત કરાયા, છતાં લિયોન, રેન્સ અને માર્સે જેવા શહેરોમાં પણ ભારે હોબાળો ફ્રાન્સમાં વધતી જતી મોંઘવારી, શિક્ષણ બજેટમાં કાપ અને સરકારી નીતિઓ સામે લોકોનો રોષ હવે બેકાબૂ બની રહ્યો છે. દેશભરમાં ફાટી નીકળેલા હિંસક દેખાવા દરમિયાન પોલીસ અને દેખાવકારો વચ્ચે થયેલી ઝપાઝપી બાદ સુરક્ષા દળોએ દેશભરમાંથી આશરે ૧૦૦૦ જેટલા લોકોની અટકાય કરી છે. ફ્રાન્સના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરેલા આંકડાઓ અનુસાર, રાજધાની પેરીસ સહિત દેશના વિવિધ મુખ્ય શહેરોમાં ૪ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા હતા. જાે કે, મજૂર યુનિયનોનો દાવો છે કે સરકારના આ આંકડા કરતા દેખાવકારોની વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હતી.
સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષા અને સરકારી ઇમારતોને ભીડથી બચાવવા માટે ફ્રાન્સના ગૃહ મંત્રાલય દ્વારા ૭૦ હજારથી વધુ પોલીસકર્મીઓ અને સુરક્ષા જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. પેરીસના પોર્ટ દે વિંસેન વિસ્તારમાં હજારોની મેદની ભેગી થઈ હતી. આ દરમિયાન કેટલાક નકાબપોશ દેખાવકારોએ પોલીસ પર ફટાકડા, કાચની બોટલો અને પથ્થરમારો કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે વોટર કેનન, સ્ટન ગ્રેનેડ અને આસું ગેસના ગોળા છોડવાની ફરજ પડી હતી. પેરીસ ઉપરાંત લિયોન, રેન્સ અને માર્સે જેવા મોટા શહેરોમાં પણ ભારે હોબાળો મચ્યો હતો. દેખાવકારોએ રસ્તાઓ પર ટાયરો સળગાવીને આગજની કરી હતી અને દુકાનોમાં તોડફોડ કરી હતી.
આ વિશાળ દેખાવો દેશના મજૂર યુનિયનો, છાત્ર સંગઠનો અને વામપંથી રાજકીય પક્ષોના સંયુક્ત મોંચાના આહ્વાન પર યોજવામાં આવ્યા હતા. દેખાવકારોઓની મુખ્ય માંગણીઓમાં નીચેના મુદ્દાઓ સામેલ છે:
•મોંઘવારી ભથ્થું: વધતી મોંઘવારી સામે પહોંચી વળવા માટે નાગરિકોને દર મહિને કોસ્ટ-ઓફ-લિવિંગ ભથ્થું આપવામાં આવે.
•મુખ્ય સવલતો: સરકારી ઘરોના ભાડામાં વધારો ન કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે સાર્વજનિક શિક્ષણ બજેટમાં વધારો કરવામાં આવે.
•આર્થિક તંગી અને મોંઘવારીથી ત્રસ્ત જનતાનો ગુસ્સો સીધો પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનની સરકાર સામે ફૂટી નીકળ્યો છે.
મોટા પાયે થયેલી આ અટકાયતો બાદ સ્થાનિક તપાસ એજન્સીઓ અને પોલીસ દ્વારા ગેરકાયદે હથિયારો રાખવા, સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવા અને ગેરકાયદે ભીડ એકત્ર કરવાના ગુના હેઠળ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, આંદોલનનું નેતૃત્વ કરી રહેલા આયોજકોએ પીછેહટ કરવાનો સાફ ઇનકાર કરી દીધો છે. તેણે આગામી દિવસોમાં દેશવ્યાપી હડતાલને વધુ તેજ કરવાની ચેતવણી આપી છે, જેના કારણે રાષ્ટ્રપતિ મેક્રોં સરકાર સામે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની ગંભીર આહ્વાન ઊભી થઈ છે.




