
શિવલિંગ પર બિલિપત્ર અને ભસ્મ ચઢાવવાનું પૌરાણિક,વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહાત્મ્ય સનાતન ધર્મમાં ભગવાન શિવની પૂજા-અર્ચનાનું વિશિષ્ટ સ્થાન છે.ભોળાનાથના શિવલિંગ ઉપર જળ,દૂધ,ચંદન વગેરે સાથે સૌથી અગત્યની વસ્તુઓ તરીકે બિલિપત્ર અને ભસ્મ ચઢાવવામાં આવે છે. શિવપુરાણ અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં શિવલિંગ પર આ બે દિવ્ય વસ્તુઓ અર્પણ કરવાના ગૂઢ પૌરાણિક,
વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રહસ્યો દર્શાવવામાં આવ્યા છે.
માતા પાર્વતીના પરસેવામાંથી બિલિ વૃક્ષની ઉત્પત્તિ..
બિલિ વૃક્ષની ઉત્પત્તિ પાછળ એક અત્યંત રસપ્રદ પૌરાણિક કથા જોડાયેલી છે.એક સમયની વાત છે જ્યારે માતા પાર્વતીજી મંદરાચલ પર્વત પર તપસ્યા કરી રહ્યા હતા.અત્યંત શ્રમ અને તપને કારણે તેમના કપાળ પરથી પરસેવાના કેટલાક બૂંદ મંદરાચલ પર્વતની ભૂમિ પર પડે છે. આ પવિત્ર પરસેવાના બૂંદોમાંથી એક દિવ્ય અને ઔષધીય વૃક્ષનો ઉદ્ભવ થયો, જે બિલિ અથવા બિલ્વ વૃક્ષ તરીકે ઓળખાયું. માતા પાર્વતીના દિવ્ય અંશમાંથી ઉત્પન્ન થયેલું હોવાને કારણે બિલિના આખા વૃક્ષમાં જ જગદંબાના તમામ સ્વરૂપોનો અદભુત વાસ માનવામાં આવે છે.
શિવપુરાણ અનુસાર બિલિના મૂળમાં માતા ગિરિજાના સ્વરૂપનો, થડમાં માહેશ્વરી સ્વરૂપ બિરાજમાન છે, શાખાઓમાં દક્ષિણાયની સ્વરૂપે સૃષ્ટિની શક્તિઓ રહે છે, પાંદડાઓમાં સ્વયં માતા પાર્વતીજીનું પ્રત્યક્ષ પ્રતિબિંબ છે, ફળોમાં કાત્યાયની દેવીનો નિવાસ માનવામાં આવે છે, પુષ્પોમાં માતા ગૌરીનો સાક્ષાત્ વાસ રહેલો છે, સમગ્ર વૃક્ષમાં મહાલક્ષ્મીજીનું સ્થાયી સ્વરૂપ વ્યાપ્ત રહે છે. આમ બિલિપત્રમાં માતા પાર્વતી અને સમગ્ર માતૃશક્તિનું પ્રતિબિંબ હોવાને કારણે જ જ્યારે કોઈ ભક્ત શિવલિંગ પર બિલિપત્ર ચઢાવે છે ત્યારે ભગવાન શિવ અને શક્તિ બંને એકસાથે પ્રસન્ન થાય છે.શિવજી પોતાના પ્રિય પાર્વતીજીના સ્વરૂપ એવા બિલિપત્રને મસ્તક પર ધારણ કરીને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.
બિલિપત્રની બનાવટ અને ત્રિદેવનો સંગમ..
શાસ્ત્રોમાં બિલિપત્ર વિશે ગવાયું છે કે ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિયાયુધમ્,ત્રિજન્મ પાપ સંહારમ્ એકબિલવં શિવાર્પણમ્.. બિલિપત્રનું એક સિંગલ પાંદડું સામાન્ય રીતે ત્રણ પાંદડાઓનો સમૂહ હોય છે. આ ત્રણ પાંદડાઓ માત્ર વનસ્પતિનો ભાગ નથી પરંતુ તે ગૂઢ આધ્યાત્મિક સંકેત આપે છે. તે સૃષ્ટિના સર્જક, પાલક અને સંહારક એવા ત્રિદેવ બ્રહ્મા-વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે, તે પ્રકૃતિના ત્રણ ગુણો-સત્વ,રજસ અને તમસનું પ્રતિનિધિત્વ કરે છે, તે ભગવાન શિવના ત્રિનેત્ર (ત્રણ આંખો) અને તેમના શસ્ત્ર ત્રિશૂળના ત્રણ ભાલા દર્શાવે છે, તે ત્રણ કાળ-ભૂત,વર્તમાન અને ભવિષ્યનું સૂચન કરે છે,તેથી એક બિલિપત્ર શિવજીને ભાવપૂર્વક અર્પણ કરવાથી મનુષ્યના ત્રણ જન્મના પાપોનો નાશ થાય છે.
બિલિપત્ર અર્પણ કરવાના શાસ્ત્રોક્ત નિયમો..શિવલિંગ પર બિલિપત્ર અર્પણ કરતી વખતે કેટલાક પવિત્ર નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. બિલિપત્ર ક્યારેય ખંડિત તૂટેલું,કાણાવાળું કે ફાટેલું ન હોવું જોઈએ, પાંદડા પર ચંદનથી ઓમ કે રામ લખીને અર્પણ કરવાથી કોટીગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. બિલિપત્રની સુવાળી કે ચિકણી સપાટી શિવલિંગ પર નીચેની તરફ રહે તે રીતે ઊંધું ચઢાવવું જોઈએ. બિલિપત્ર અર્પણ કરતી વખતે અનામિકા-ટચલી આંગળીની બાજુની આંગળી,મધ્યમા અને અંગૂઠાનો ઉપયોગ કરવો જોઈએ.શાસ્ત્રો અનુસાર જો તાજું બિલિપત્ર ન મળે તો શિવલિંગ પર અગાઉ ચઢાવેલું બિલિપત્ર ધોઈને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે કારણ કે બિલિપત્ર ક્યારેય વાસી થતું નથી. બિલિ વૃક્ષની પૂજા અને પર્યાવરણીય મહાત્મ્ય..જે વ્યક્તિ કોઈપણ કારણસર તીર્થયાત્રા પર જઈ શકતી નથી તે જો શ્રાવણ માસ દરમિયાન રોજ સવારે બિલિના વૃક્ષના મૂળમાં જળ અર્પણ કરી પૂજા કરે તો તેને પૃથ્વી પરના તમામ ધામો અને તીર્થસ્થળોના દર્શનનું અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે.
બિલિના વૃક્ષનું પર્યાવરણીય અને આધ્યાત્મિક મહત્વ જોઇએ..
નકારાત્મકતાનો નાશ: બિલિના વૃક્ષની આસપાસના વાતાવરણમાં સકારાત્મક ઊર્જાનો અદભુત પ્રવાહ હોય છે જેના કારણે વૃક્ષની આસપાસ ઝેરી સાપ કે હિંસક જીવો ભટકતા નથી. મોક્ષની પ્રાપ્તિ: જો કોઈ વ્યક્તિની સ્મશાનયાત્રા બિલિના વૃક્ષની છાયા નીચેથી પસાર થાય તો તે મૃત આત્માને પરમગતિ અને મોક્ષ પ્રાપ્ત થાય છે.
વાયુ શુદ્ધિકરણ: વાતાવરણમાં રહેલા ઝેરી વાયુઓ,ધૂળ અને અશુદ્ધિઓને શોષવાની સૌથી વધુ ક્ષમતા બિલિના વૃક્ષમાં હોય છે,તે પર્યાવરણ માટે એક શક્તિશાળી નેચરલ એર-પ્યુરિફાયર છે. વંશ વૃદ્ધિ: બિલિના વૃક્ષને કાપવું એ મહાપાપ માનવામાં આવે છે જેનાથી વંશનો ક્ષય થાય છે, જ્યારે બિલિનું નવું વૃક્ષ રોપવાથી અને તેનું જતન કરવાથી વંશની વૃદ્ધિ થાય છે.સવાર-સાંજ તેના દર્શન માત્રથી પાપો શાંત થાય છે.
પિતૃ તર્પણ: બિલિના વૃક્ષને રોજ પાણી સિંચવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. અક્ષય લક્ષ્મી પ્રાપ્તિ: બિલિના વૃક્ષની સાથે સફેદ આંકડાનો છોડ રોપીને બંનેની સાથે પૂજા કરવાથી ઘરમાં ક્યારેય દરિદ્રતા આવતી નથી અને અટૂટ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
શિવલિંગ પર ભસ્મ અર્પણ કરવાનું પૌરાણિક રહસ્ય..
ભગવાન શિવનું નામ,ભસ્મ અને રૂદ્રાક્ષ-આ ત્રણેય વસ્તુઓને સનાતન પરંપરામાં ત્રિવેણી સંગમ સમાન પરમ પવિત્ર ગણવામાં આવી છે.દેવોના દેવ મહાદેવનું રૂપ સૃષ્ટિના તમામ દેવી-દેવતાઓ કરતાં સાવ નિરાળું-અદભુત અને વૈરાગ્યમય છે.જ્યાં અન્ય દેવી-દેવતાઓને સુંદર રેશમી વસ્ત્રો,સોના-ચાંદીના આભૂષણો અને દિવ્ય શૃંગારથી સજાવવામાં આવે છે ત્યાં ભગવાન શિવ હંમેશાં મૃગચર્મ ધારણ કરે છે અને પોતાના સમગ્ર દેહ પર ભસ્મ-રાખનો લેપ કરે છે.શિવજીનું મુખ્ય વસ્ત્ર જ ભસ્મ છે કારણ કે તેમનું સંપૂર્ણ શરીર ભસ્મથી ઢંકાયેલું રહે છે.આ ભસ્મ માત્ર શૃંગાર નથી પણ સૃષ્ટિની એક મહાન સચ્ચાઈનું પ્રતીક છે.
ભસ્મ-સૃષ્ટિનો અંતિમ સાર..
શિવપુરાણ અનુસાર ભસ્મ એ સમગ્ર બ્રહ્માંડનો અંતિમ સાર છે.આ સૃષ્ટિ ચાર યુગોમાંથી પસાર થાય છે-સતયુગ,ત્રેતાયુગ,દ્વાપરયુગ અને કળિયુગ. કળિયુગના અંતે જ્યારે મહાપ્રલય આવે છે ત્યારે આખી સૃષ્ટિ બળીને રાખ-ભસ્મમાં પરિવર્તિત થઈ જાય છે ત્યારબાદ બ્રહ્માજી પુનઃ એ જ રાખમાંથી નવી સૃષ્ટિની રચના કરે છે.સર્જન અને વિનાશનું આ ચક્ર અનંતકાળથી અવિરત ચાલે છે.
ભગવાન શિવ પોતાના શરીર પર ભસ્મ ચોળીને જગતને એ જ સંદેશ આપે છે કે આ સુંદર શરીર, ધન,સંપત્તિ અને ભૌતિક સુખો ક્ષણભંગુર છે,અંતે તો બધું જ રાખમાં ભળી જવાનું છે.આ ચરાચર સૃષ્ટિ એક દિવસ મહાદેવમાં જ વિલીન થઈ જવાની છે.
ભસ્મના પ્રકારો અને તેનું વર્ગીકરણ..
શાસ્ત્રોમાં ભસ્મના મુખ્યત્વે બે પ્રકાર દર્શાવવામાં આવ્યા છે:મહાભસ્મ: જેના ત્રણ પેટા પ્રકાર છેઃ શ્રૌત,સ્માર્ત અને લૌકિક. શ્રૌત અને સ્માર્ત ભસ્મ: વૈદિક યજ્ઞો અને મંત્રોચ્ચાર દ્વારા તૈયાર કરવામાં આવે છે, તેનો ઉપયોગ શાસ્ત્રોક્ત વિધિઓ માટે થાય છે. લૌકિક ભસ્મ: આ ભસ્મ સામાન્ય લોકો પોતાના દૈનિક પૂજન,આચમન અને તિલક માટે વાપરી શકે છે.
સ્વલ્પભસ્મ: સામાન્ય અગ્નિમાંથી કે હોમ-હવન પછી પ્રાપ્ત થતી ભસ્મ. આ ઉપરાંત શુદ્ધ ગાયના છાણને પવિત્ર અગ્નિમાં બાળીને મેળવવામાં આવતી ભસ્મને આગ્નેય ભસ્મ કહે છે,જે પૂજા માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે.
ભસ્મ નિર્માણની પવિત્ર શાસ્ત્રોક્ત વિધિ..
શિવમહાપુરાણમાં ભસ્મ બનાવવાની એક અદભુત પદ્ધતિ દર્શાવી છે.શિવજી માટે ભસ્મ બનાવવા માટે કામધેનુ સમાન પવિત્ર કપિલા ગાયના ગોબરના છાણાં લેવામાં આવે છે, તેની સાથે પવિત્ર સમિધાઓ જેવી કે શમી,પીપળો,પલાશ-ખાખરો,વડ,અમલતાસ-ગરમાળો અને બોરડીના વૃક્ષના લાકડાં ઉમેરવામાં આવે છે.આ બધી સામગ્રીને અગ્નિમાં હોમીને યોગ્ય મંત્રોચ્ચાર સાથે ભસ્મ તૈયાર કરાય છે, ત્યારબાદ આ રાખને સ્વચ્છ કપડાથી ગાળીને એકદમ મુલાયમ અને શુદ્ધ ભસ્મ બનાવવામાં આવે છે,જે શિવજીને અર્પિત કરાય છે.આવી મંત્રોચ્ચારથી શુદ્ધ થયેલી ભસ્મનું તિલક મસ્તક પર કરવાથી મનુષ્યને તમામ સુખ- સુવિધાઓ અને સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થાય છે.અક્ષય પુણ્ય મળે છે,અનેક જન્મોના પાપ નષ્ટ થાય છે અને મન શાંત રહે છે.શારીરિક દ્રષ્ટિએ પણ આ ભસ્મ ચામડીના વિવિધ રોગો માટે અચૂક ઔષધિ તરીકે કામ કરે છે.
મહાકાલેશ્વરની ભસ્મ આરતી અને શિવનું કાપાલી સ્વરૂપ..
બાર જ્યોતિર્લિંગોમાં ઉજ્જૈનમાં આવેલું મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ અદ્વિતીય છે.અહીં દરરોજ સવારે બ્રાહ્મ મુહૂર્તમાં થતી 'ભસ્મ આરતી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.પ્રાચીન કાળથી ચાલી આવતી આ પરંપરામાં તાજી ભસ્મ વડે મહાકાલનો દિવ્ય શૃંગાર કરવામાં આવે છે.શાસ્ત્રોમાં શિવજીનું એક નામ કાપાલી પણ છે. આ પાછળ પણ એક ગૂઢ રહસ્ય છે.મહાદેવ સામાન્ય ભૌતિક ભસ્મ જ નહીં પરંતુ સત્ય,તપ અને પ્રભુભક્તિમાં લીન રહેતા મહાપુરૂષો અને સાધકોના દેહવિલય પછી તેમની ભસ્મને પણ પોતાના શીશ પર ધારણ કરે છે.જે પવિત્ર આત્માઓએ સમગ્ર જીવન જગતના કલ્યાણ અને પરમાત્માના સ્મરણમાં વિતાવ્યું હોય,શિવજી તેમની અસ્થિઓ અને ખોપરીઓની માળા બનાવીને પોતાના ગળામાં ધારણ કરે છે. જ્ઞાની પુરૂષે વિભૂતિને વૈભવ સમજવાની હિંમત રાખવી જોઇએ એ બતાવવા ભગવાન શિવ પોતાના શરીર ઉપર ભસ્મનું લેપન કરે છે અને એ ભસ્મ સામાન્ય મનુષ્યોની નહી પરંતુ એવા મહાપુરૂષોની ભસ્મ પ્રાપ્ત કરવા માટે સ્મશાનમાં વિહાર કરે છે.જે સાધકો અને વીરો સતત સમાજ અને રાષ્ટ્રના હિત માટે ૨૪ કલાક અથાક પરિશ્રમ કરે છે,ભગવાન શિવ તેમની સાથે જીવનભર અદ્રશ્ય રૂપે દોડે છે અને તેમના મૃત્યુ પછી તેમની ભસ્મ માથે ચઢાવીને તેમને અમરત્વ પ્રદાન કરે છે.
મહાદેવનો જીવનસંદેશ: વિષપાનથી અમરત્વ સુધી..શિવલિંગ પર ચઢતી ભસ્મ અને બિલિપત્ર આપણને માનવ જીવન શ્રેષ્ઠ રીતે જીવવાની એક મહાન કળા શીખવે છે.પરિસ્થિતિ અનુરૂપ ઢળવું: ભસ્મ ધારણ કરનાર શિવજી સંદેશ આપે છે કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે-સુખ હોય કે દુઃખ,માન હોય કે અપમાન-પરિસ્થિતિ અનુસાર પોતાને તેને અનુરૂપ બનાવી લેવું જોઈએ.
વિષ પીવાની ક્ષમતા: દેવથી મહાદેવ બનવું સરળ નથી.સમુદ્ર મંથન વખતે જ્યારે ભયાનક ઝેર હલાહલ વિષ નીકળ્યું ત્યારે બધા દેવતાઓ ભયભીત થઈ ભાગવા લાગ્યા પરંતુ ભોળાનાથે સમગ્ર સૃષ્ટિ, રાષ્ટ્ર અને પ્રકૃતિની રક્ષા માટે તે વિષને પ્રેમથી પી લીધું અને તેને પોતાના ગળામાં રોકી રાખ્યું, જેનાથી તેઓ નીલકંઠ કહેવાયા.જે માત્ર અમૃત પીવે છે તે દેવ બને છે પણ જે સમાજ અને પ્રકૃતિના કલ્યાણ માટે વિષમતાના વિષને હસતા મુખે પી જાય છે તે જ મહાદેવ બને છે.
સંઘર્ષ જ શ્રેષ્ઠતાની ચાવી છે: જીવનમાં આવતાં દુઃખ,સંઘર્ષ,પ્રતિકૂળતા અને અભાવ મનુષ્યના વ્યક્તિત્વને ચમકાવે છે.સમસ્યાથી ડરીને ભાગવું એ સમાધાન નથી પરંતુ સમસ્યાનો સાહસપૂર્વક સામનો કરવો એ જ તેનું સાચું નિવારણ છે. માનવીના દ્રઢ સંકલ્પ શક્તિ સામે મોટામાં મોટા પડકારો અને વિઘ્નો પણ નાના થઈ જાય છે.ભોગ-વિલાસ અને વિષય-સુખોમાંથી મુક્ત થઈને, જીવનની વિષમતાઓને
પચાવવાથી જ મનુષ્ય આધ્યાત્મિક મહાનતા પ્રાપ્ત કરી શકે છે.
શિવલિંગ પર બિલિપત્ર અને ભસ્મ ચઢાવવું એ માત્ર એક બાહ્ય પૂજા પદ્ધતિ નથી પરંતુ તે ભક્તિ, વૈરાગ્ય,પર્યાવરણ રક્ષણ,શારીરિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક ચેતનાનો એક સુંદર અને સંપૂર્ણ સમન્વય છે. શિવપૂજા દ્વારા આપણને એ જ પ્રેરણા મળે છે કે ક્ષણભંગુર સંસારમાં રહીને પણ ઈશ્વરીય કાર્યો તરફ સમર્પિત રહેવું અને મનની શાશ્વત શાંતિ પ્રાપ્ત કરવી.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




