Foreign Investors :વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) જુલાઈ દરમિયાન ભારતીય ઈક્વિટી એટલે કે સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાનું ચાલુ રાખે છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL)ના ડેટા અનુસાર 19 જુલાઈ સુધી FPIsએ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં રૂ. 30,772 કરોડનું રોકાણ કર્યું છે. આ સાથે કેલેન્ડર વર્ષ 2024માં ચોખ્ખું FPI રોકાણ રૂ. 33,973 કરોડ સુધી પહોંચી ગયું છે.
અગાઉ જૂનમાં પણ FPIએ રૂ. 26,565 કરોડનું રોકાણ કર્યું હતું. ગયા અઠવાડિયે, FPIs એ ઇક્વિટી માર્કેટમાં રૂ. 15,420 કરોડનું રોકાણ કર્યું હતું. આ સાથે 2024માં ભારતમાં FPIનું કુલ રોકાણ 1,30,138 કરોડ રૂપિયા થઈ ગયું છે. કોટક સિક્યોરિટીઝના ઇક્વિટી રિસર્ચ હેડ શ્રીકાંત ચૌહાણ કહે છે કે સારા ત્રિમાસિક પરિણામો અને મોટી કંપનીઓના શેરમાં ખરીદીને કારણે છેલ્લા સપ્તાહમાં બજાર મજબૂત રહ્યું છે. FPI રોકાણ આગામી સપ્તાહમાં અસ્થિર રહી શકે છે.
ગયા અઠવાડિયે, FPIs એ ભારતની સાથે બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ અને દક્ષિણ કોરિયાના બજારોમાં રોકાણ કર્યું હતું. બીજી તરફ તાઈવાન, થાઈલેન્ડ અને વિયેતનામના બજારોમાંથી ઉપાડ જોવા મળ્યો હતો. સ્થાનિક બોન્ડ અથવા ડેટ માર્કેટ વિશે વાત કરીએ તો, FPIs એ 19 જુલાઈ સુધી રૂ. 13,573 કરોડનું રોકાણ કર્યું છે. અગાઉ જૂનમાં બોન્ડ માર્કેટમાં રૂ. 14,955 કરોડનું ચોખ્ખું રોકાણ કરવામાં આવ્યું હતું. 2024માં અત્યાર સુધીમાં ડેટ માર્કેટમાં FPIsનું કુલ રોકાણ રૂ. 82,198 કરોડ સુધી પહોંચી ગયું છે.