
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ (RBI) તેના સપ્ટેમ્બર બુલેટિનમાં જણાવ્યું છે કે દેશમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)ના વ્યાપક વપરાશને કારણે લોકોને પોતાના હાથમાં રોકડ રાખવાની જરૂરિયાત ઘટી રહી છે. UPI કેશના વિકલ્પ તરીકે ઊભર્યું છે અને પેમેન્ટ સિસ્ટમમાં મોટો ફેરફાર લાવ્યું છે. ૨૦૧૬માં લોન્ચ થયેલું UPI, આજે દેશની પેમેન્ટ ક્રાંતિનું મુખ્ય સાધન બની ગયું છે. ૨૦૧૭માં ફક્ત ૩ કરોડ વપરાશકારો હતાં, જ્યારે ૨૦૨૪ના અંતે આ આંકડો વધીને ૪૨ કરોડ સુધી પહોંચ્યો છે.
હવે દર વર્ષે UPI મારફત ૨૦૦ અબજથી વધુ વ્યવહારો થઈ રહ્યા છે, જે સમગ્ર ડિજિટલ પેમેન્ટ્સના લગભગ ૮૦% જેટલા છે. માત્ર વોલ્યુમ જ નહીં, પરંતુ ટ્રાન્ઝેક્શનની કિંમત પણ પ્રચંડ છે. હાલ UPI મારફત દર મહિને રૂ. ૨૫ ટ્રિલિયન જેટલા વ્યવહારો થઈ રહ્યા છે. RBIના જણાવ્યા મુજબ, નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ના અંતે દેશમાં કરન્સી ઇન સર્ક્યુલેશન (CIC) જીડીપીના ફક્ત ૧૧.૨૦% જેટલી રહી છે, જે રોકડની ઘટતી માગનો સ્પષ્ટ સંકેત આપે છે.
