
ટ્રક સહિત ૫૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો લાઠીના ચાવંડ પાસે કતલખાને જતા નવ પશુઓને બચાવાયા ચાવંડ ગામ નજીક ગૌરક્ષકો અને પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડી પશુઓની ગેરકાયદે હેરાફેરી અટકાવી અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ ગામ નજીક ગૌરક્ષકો અને પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડી પશુઓની ગેરકાયદે હેરાફેરી અટકાવી છે. કતલખાને લઈ જવાતા પશુઓને બચાવી લેવામાં આવ્યા છે અને આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, લાઠીના ગૌરક્ષકોને બાતમી મળી હતી કે એક ટ્રકમાં પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. આ બાતમીના આધારે ગૌરક્ષકોએ ચાવંડ નજીક વોચ ગોઠવી શંકાસ્પદ ટ્રકને અટકાવ્યો હતો. તપાસ દરમિયાન ટ્રકમાંથી ૮ ભેંસ અને ૧ પાડો મળી કુલ ૯ પશુઓ મળી આવ્યા હતા. ગૌરક્ષકોએ તુરંત જ લાઠી પોલીસને જાણ કરી પશુઓ અને એક શખસને પોલીસને હવાલે કર્યો હતો. લાઠી પોલીસે આ મામલે કડક વલણ અપનાવી પશુઓ અને ટ્રક સહિત કુલ ૫૮ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પશુઓને સુરક્ષિત રીતે ગૌશાળા/પાંજરાપોળ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ઝડપાયેલ આરોપી અકીલ કુરેશી ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છેકે, ગૌવંશને લઇને વિધાનસભા ગૃહમાં વિપક્ષે સરકાર પર તડાપીડ બોલાવી હતી. એવો આક્ષેપ કરાયોકે, રાજ્યમાં ગૌવંશનો કાયદો અમલમાં છે ત્યારે કમળના સ્ટીકર-કેસરી ખેસ પહેરી ગૌવંશની હેરાફેરી થઇ રહી છે. ભાજપના શાસનમાં છેલ્લાં બે વર્ષમાં કુલ મળીને ૫૪ હજાર કિલો ગૌમાંસ પકડાયુ છે. સવાલ એ ઊભો થાય છેકે, જાે આટલી વિશાળ માત્રામાં ગૌમાંસ પકડાયુ હોય તો પાછલા બારણે કેટલું ગૌમાંસની હેરાફેરી થતી હશે. આ પરથી એ વાત પ્રસ્થાપિત થાય છેકે, કસાઇઓ બેખોફ બન્યાં છે.
વિધાનસભામાં ગૌવંશ હત્યાનો મુદ્દે સવાલ પૂછાતાં ખુદ સરકારે એ વાત સ્વિકારી કે, ૨૯ જિલ્લામાંથી ગૌમાંસ અને ગૌવંશ પકડાયુ છે. આ પરથી ગૌવંશ-ગૌમાંસની બેરોકટોક હેરાફેરીનો અંદાજ આવી શકે તેમ છે. દર વર્ષે અંદાજે ૨૦ હજાર કિલો ગૌમાંસ પકડાઇ રહ્યુ છે. સરકારની ઢીલી નીતિને કારણે જ ગુજરાતમાં ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યાં છે. સુરત શહેરમાંથી સૌથી વધુ ગૌમાંસ પકડાયુ છે. બે વર્ષમાં ૩૮૭૬ કિલો ગૌમાંસ સુરત શહેરમાંથી પકડાયુ છે. ગૃહ વિભાગે દાવો કર્યોકે, ગૌવંશ-ગૌમાંસની હેરાફેરી કરતાં ૧૮૧૦ આરોપીઓને પકડી પાડવામાં આવ્યાં છે જે પૈકી ૧૮૪ને પાસા જ્યારે ૫૦ને તડીપાર કરાયાં છે. ૨૧ને જેલની સજા કરાઇ છે. ૧૧ આરોપીને ૧૦ વર્ષ અને ૩ને સાત વર્ષની જેલની સજા કરાઇ છે. ગૌવંશ-ગૌમાંસની હેરાફેરી કરતાં ૩૩૯ વાહનોની હરાજી કરી વેચાણ કરી દેવાયાં છે.




