
શ્રીયાએ ગણેશોત્સવ સાથે જાેડાયેલી પરિવારની પરંપરાઓ યાદ કરી ‘ગણેશ ચતુર્થી આશા અને આનંદ લઈને આવે છે’ : શ્રીયા પિલગાંવકર બાપ્પા શુભ શરૂઆતનું પ્રતીક છે. અમારા પરિવારમાં દરરોજ ઘરની બહાર નીકળતી વખતે અમે ‘ગણપતિ બાપ્પા મોરિયા’ કહીએ છીએ મહારાષ્ટ્રીયન પરિવારમાં ઉછરેલી અભિનેત્રી શ્રીયા પિલગાંવકર માટે ગણેશ ચતુર્થી માત્ર ધાર્મિક તહેવાર નથી, પરંતુ પરિવાર, પરંપરા અને સંસ્કૃતિ સાથે જાેડાવાનો અવસર છે. આ વર્ષે ‘મિર્ઝાપુર: ધ મૂવી’ અને ‘હૈવાન’ જેવી બે ફિલ્મોની રિલીઝ બાદ ગણેશોત્સવ શ્રીયા માટે વધુ ખાસ બન્યો છે. ગણેશ ચતુર્થીના અવસરે વાત કરતાં તેણે કહ્યું કે આ તહેવાર મહારાષ્ટ્રની સંસ્કૃતિ, ઇતિહાસ, સમુદાય અને સામૂહિક ભાવનાની ઉજવણી પણ છે.મુંબઈમાં ગણેશોત્સવ દરમિયાન સર્જાતા માહોલ વિશે શ્રીયાએ કહ્યું, “આ એવો સમય હોય છે જ્યારે આખું શહેર એકસાથે આવીને ગણપતિ સાથે જાેડાયેલી દરેક બાબતની ઉજવણી કરે છે. શહેરને જીવંત બનતું જાેવું ખૂબ સુંદર લાગે છે. ગણેશ ચતુર્થી પોતાની સાથે ખૂબ ઊર્જા, આશા, ઉજવણી અને આનંદ લઈને આવે છે.”અભિનેત્રી સચિન પિલગાંવકર અને સુપ્રિયા પિલગાંવકરની પુત્રી શ્રીયાના પરિવારમાં ગણેશ ચતુર્થીની લાંબા સમયથી ચાલી આવતી પરંપરા છે. દિવસની શરૂઆત સિદ્ધિવિનાયક મંદિરમાં આરતીથી થાય છે. ત્યારબાદ પરિવાર સચિનના પક્ષના સંબંધીઓ સાથે દાદરમાં ઉજવણી કરે છે અને પછી સુપ્રિયાના પરિવારને મળે છે.બાળપણની યાદો વાગોળતાં શ્રીયાએ કહ્યું કે ગણેશ ચતુર્થી દરમિયાન આખો પરિવાર એકત્ર થતો, ઘરમાં સ્વાદિષ્ટ ભોજન અને સંગીતનું વાતાવરણ રહેતું અને વડીલો તથા દાદા-દાદી પોતાના બાળપણની વાતો સંભળાવતા. તેમના મતે આ પરંપરાઓ એક પેઢીમાંથી બીજી પેઢી સુધી પહોંચાડવાની સુંદર રીત છે.હવે પરિવારની નવી પેઢી પણ આ જવાબદારી સંભાળી રહી છે. શ્રીયાએ જણાવ્યું કે બધા કઝિન્સ સાથે મળીને ઉકડીચે મોદક બનાવવાની તેનાં પરિવારમાં પરંપરા છે. બાળપણમાં મિત્રો અને કઝિન્સ સાથે પંડાલોમાં ફરવાનું પણ તેને ગમતું હતું અને આજે પણ તે મિત્રો સાથે અલગ-અલગ પંડાલની મુલાકાત લે છે.શ્રીયા માટે ગણેશોત્સવની સૌથી મહત્વની બાબત તેની પાછળનો અર્થ સમજવાનો છે. તેણે કહ્યું, “બાપ્પા શુભ શરૂઆતનું પ્રતીક છે. અમારા પરિવારમાં દરરોજ ઘરની બહાર નીકળતી વખતે અમે ‘ગણપતિ બાપ્પા મોરિયા’ કહીએ છીએ. ફિલ્મના સેટ પર પણ પહેલો શોટ ‘ગણપતિ બાપ્પા મોરિયા’ કહીને લેવામાં આવે છે.”તેના મતે તહેવારો માત્ર પરંપરાઓનું પાલન કરવા પૂરતા નથી. શ્રીયાએ કહ્યું, “વિધિ તો તેની બહારની અભિવ્યક્તિ છે, પરંતુ ખરેખર મહત્વનું એ છે કે તેની પાછળ રહેલા મુલ્યને આપણે સમજીએ અને તેને આપણા રોજિંદા જીવનમાં ઉતારીએ.”




