
‘હમ દિલ દે ચૂકે સનમ’ના સેટ પરના સંસ્મરણો તાજા સલમાનની હરકતથી ભડકી ગયા હતા દિગ્દર્શક સંજય લીલા ભણસાલી શૂટિંગનો નિર્ધારિત સમય સવારે ૭ વાગ્યાનો હોવા છતાં સલમાન અને ઐશ્વર્યા અવારનવાર મોડા આવતા હતા
બોલિવૂડની અત્યંત લોકપ્રિય અને બ્લોકબસ્ટર ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ સાથે જાેડાયેલા રસપ્રદ કિસ્સાઓ સમયાંતરે ચર્ચામાં રહે છે. આ ફિલ્મના માધ્યમથી પ્રથમ વખત સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની જાેડી મોટા પડદા પર સાથે આવી હતી, અને શૂટિંગના એ જ સુંદર સમયગાળા દરમિયાન બંને કલાકારો એકબીજાના પ્રેમમાં પડ્યા હોવાની વાત હવે જગજાહેર છે. તાજેતરમાં આપેલા એક મુલાકાતમાં આ જ ફિલ્મમાં ઐશ્વર્યાની ઓન-સ્ક્રીન માતાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી સ્મિતા જયકરે આ જાેડીના પ્રેમસંબંધ અંગે ખુલ્લેઆમ વાતો કરી છે. સિદ્ધાર્થ કનનને આપેલી ખાસ મુલાકાત દરમિયાન અભિનેત્રી સ્મિતા જયકરે વર્ષ ૧૯૯૯ની આ સુપરહિટ ફિલ્મના શૂટિંગ દિવસોને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તે સમયે સેટ પર હાજર દરેક વ્યક્તિ એ વાતથી સારી રીતે વાકેફ હતી કે સલમાન અને ઐશ્વર્યા એકબીજાના પ્રેમમાં ડૂબેલા છે, કારણ કે તેમની વચ્ચેની ગાઢ આત્મીયતા સેટ પર સ્પષ્ટપણે નજરે પડતી હતી. ફિલ્મમાં બંને વચ્ચેની રોમાન્ટિક કેમેસ્ટ્રી જેટલી બેજાેડ દેખાતી હતી, વાસ્તવિક જીવનમાં પણ તેમનો પ્રેમ એવો જ જીવંત હતો. જાેકે, સ્મિતાએ એમ પણ ઉમેર્યું હતું કે આ પ્રેમ પ્રકરણના કારણે ફિલ્મ યુનિટના અન્ય સભ્યોને ઘણીવાર ભારે હાલાકી ભોગવવી પડતી હતી. શૂટિંગનો નિર્ધારિત સમય સવારે ૭ વાગ્યાનો હોવા છતાં સલમાન અને ઐશ્વર્યા અવારનવાર મોડા (૧૦ થી ૧૧ વાગ્યા સુધીમાં) આવતા, જેના લીધે તમામ સહ-કલાકારો અને ક્રૂ મેમ્બરોએ તેમની લાંબી પ્રતીક્ષા કરવી પડતી હતી. આ વાતચીત દરમિયાન સ્મિતા જયકરે એક અત્યંત રોચક કિસ્સો પણ શ્રોતાઓ સાથે વહેંચ્યો હતો. તેમણે ખુલાસો કર્યો કે લોકપ્રિય ગીત ‘આંખો કી ગુસ્તાખિયાં’ના શૂટિંગ વખતે દિગ્દર્શક સંજય લીલા ભણસાલી સલમાન ખાન પર અચાનક ભારે ગુસ્સે ભરાયા હતા. ગીતના એક દ્રશ્યમાં ઐશ્વર્યા અને સલમાને માત્ર એકબીજાની સામે શાંતિપૂર્વક ઊભા રહેવાનું હતું અને સલમાને કોઈ વધારાની પ્રક્રિયા કરવાની નહોતી. પરંતુ, કેમેરા સામે ઐશ્વર્યાને જાેઈને સલમાન એટલા બધા ભાવવિભોર થઈ ગયા કે તેમણે શૂટિંગ ચાલુ હોવા છતાં ઐશ્વર્યાને સ્પર્શ કરી લીધો હતો. આ અનિચ્છનીય હરકત જાેઈને ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી પોતાનો આપાત ખોઈ બેઠા હતા અને તુરંત સલમાનને આડેહાથ લઈને ખખડાવી નાખ્યા હતા. જ્યારે ભણસાલીએ સલમાનને પ્રશ્ન કર્યો કે તેમણે શૂટિંગ દરમિયાન શા માટે આવું કૃત્ય કર્યું, ત્યારે સલમાને અત્યંત નિખાલસતા અને બિંદાસ્તપણે જવાબ આપ્યો હતો કે, “બસ, મારું મન થયું એટલે મેં એને અડક્યો…” અભિનેતાનો આ બેધડક જવાબ સાંભળીને ઐશ્વર્યા ક્ષણભર માટે શરમાઈ ગઈ હતી, જ્યારે સેટ પર ઉપસ્થિત તમામ લોકો સમજી ગયા હતા કે સલમાન ખાન ઐશ્વર્યા પ્રત્યે કેટલી ગાઢ લાગણીઓ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે આ જ ફિલ્મનાં શૂટિંગ દરમિયાન શરૂ થયેલી આ લવ સ્ટોરી લાંબો સમય ટકી શકી નહોતી અને ટૂંક સમયમાં જ તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું.




