
રોમેન્ટિક ફિલ્મની સિક્વલનું ટ્રેલર લોંચ થયું કોકટેલ ૨માં શાહિદ કપૂર રશ્મિકા અને ક્રિતિમાંથી એકને પસંદ કરવામાં ફસાશે હોમી અડજાણીયાએ ડિરેક્ટ કરેલી આ રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં શાહિદ કપૂર, ક્રિતિ સેનન અને રશ્મિકા મંદાના લીડ રોલમાં છે બોલિવૂડની સૌથી લોકપ્રિય રોમેન્ટિક ડ્રામા ફિલ્મોમાંની એક કોકટેલને રિલીઝ થયાને એક દાયકાથી વધુ સમય વીતી ગયો છે. હવે ફિલ્મમેકર હોમી અડજાણીયા કોકટેલ ૨ સાથે પરત ફર્યા છે. ફિલ્મનું ટ્રેલર લોંચ કરવામાં આવ્યું છે, જેમાં શાહિદ કપૂર, ક્રિતિ સેનન અને રશ્મિકા મંદાના વચ્ચેનાં જટિલ સમીકરણો આધારીત સ્ટોરી જાેવા મળશે.ટ્રેલરની શરૂઆત શાહિદના પાત્રનાં સંબંધો અને પ્રેમ વિશેના વોઇસઓવર સાથે થાય છે. તે હિન્દીમાં કહે છે, “જ્યારે પણ કોઈ સંબંધ નવો હોય છે, ત્યારે તે રોમાંચક લાગે છે કારણ કે તે નવો હોય છે. નવા મિત્રો સાથે મજા આવે છે કારણ કે તેમની વાતોમાં આપણને રસ પડે છે. જૂના મિત્રોની એ જ વાતો સાંભળીને આપણે કંટાળી જઈએ છીએ. પરંતુ પ્રેમ, ફાટેલી ટી-શર્ટ જેવો છે જેમાં બે રાત આરામથી ઊંઘ આવી જાય. પરંતુ જ્યારે પ્રેમ મિત્રતામાં બદલાઈ જાય અને મિત્રતામાં પ્રેમ પ્રવેશી જાય, ત્યારે તેમાંથી બહાર નીકળવાનો માત્ર એક જ રસ્તો હોય છે.” તે સંબંધોના બદલાતા સ્વરૂપ વિશે વાત કરી રહ્યો હોય ત્યારે ક્રિતિનું પાત્ર મજાકમાં પૂછે છે: “જેમ કે થ્રીસમ?”ત્યારબાદ ટ્રેલર ઇટાલીના સુંદર લોકેશન્સ તરફ આગળ વધે છે, જ્યાં ત્રણેય મુખ્ય પાત્રો એકબીજા સાથે સમય પસાર કરતાં જાેવા મળે છે. શાહિદ અને રશ્મિકા વચ્ચે રોમેન્ટિક સંબંધ હોવાનું જણાય છે, જ્યારે ક્રિતિ શાહિદની નજીકની મિત્ર તરીકે દેખાય છે, જે ધીમે ધીમે તેના પ્રેમમાં પડી જાય છે.પહેલી કોકટેલની જેમ જ આ ફિલ્મમાં પણ ક્રિતિ અને રશ્મિકાનાં પાત્રો શાહિદ પ્રત્યે પ્રેમ માટે એકબીજાની હરીફાઈ કરતાં જાેવા મળે છે. બંને ભવિષ્યમાં શાહિદ સાથે જીવન જીવવા માંગતી હોય તેવું લાગે છે.ટ્રેલરનાં અંતે બંને એક્ટ્રેસ આ બાબતે ઝઘડતી જાેવા મળે છે કે આખરે શાહિદની દુલ્હન કોણ બનશે, જેના કારણે શાહિદ માટે મુશ્કેલ પસંદગી ઉભી થાય છે. ટ્રેલરમાં લોકપ્રિય ગીત ‘તુમ હી હો બંધુ’ પણ સાંભળવા મળે છે, જે મૂળ કોકટેલ (૨૦૧૨) ફિલ્મની યાદ અપાવે છે, જેમાં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટી લીડ રોલમાં હતાં. હોમી અડજાણિયા દ્વારા ડિરેક્ટ થયેલી પહેલી ફિલ્મ સફળ રહી હતી. લગભગ ૪૫ કરોડના બજેટ સામે ફિલ્મે વિશ્વભરમાં ૧૨૧ કરોડની કમાણી કરી હતી. ફિલ્મ ૧ જૂને રિલીઝ થવાની છે.



