
એ માત્ર નકલ નથી કરતો પણ તમે કઈ રીતે વિચારો છો એ સમજે છે આમિર ખાને સુનિલ ગ્રોવરની મિમિક્રી સ્કીલના વખાણ કર્યા સુનિલ ગ્રોવરે છેલ્લા કેટલાંક વર્ષમાં બોલિવૂડના અનેક જાણીતા કલાકારોની આબેહુબ મિમિક્રી કરીને લોકોને ભરપુર મનોરંજન પૂરું પાડ્યું
કોમેડિયન સુનિલ ગ્રોવરે છેલ્લા કેટલાંક વર્ષમાં બોલિવૂડના અનેક જાણીતા કલાકારોની આબેહુબ મિમિક્રી કરીને લોકોને ભરપુર મનોરંજન પૂરું પાડ્યું છે. સલમાન ખાન, અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, અજય દેવગન, ગુલઝાર હોય કે પછી આમિર ખાન, તે દરેક કલાકારને આબેહુબ આત્મસાત કરી લે છે. તાજેતરમાં સુનિલે જ્યારે આમિરની નકલ કરી તો તેનાથી આમિર ખાન સહિત બધાં જ ખુબ પ્રભાવિત થયા હતા. તેના આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા હતા. પછી તો આમિરે તેની ફિલ્મ હેપ્પી પટેલના પ્રમોશનલ વીડિયોમાં પણ સુનિલ ગ્રોવરને સામેલ કર્યાે હતો. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં આમિરે સુનિલના ખુબ વખાણ કર્યા છે. આમિરે સુનિલને ખુબ ટેલેન્ટેડ ગણાવ્યો હતો. આમિરે કહ્યું કે સુનિલ માત્ર મિમિક્રી જ નથી કરતો પરંતુ તે એક અદ્દભુત કલાકાર પણ છે. આમિરે કહ્યું, “તમને ખબર છે, આજકાલ મને આ પ્રશ્ન બહુ જ પૂછાય છે, પરંતુ મારે કહેવું જ પડશે કે સુનિલ ખુબ ટેલેન્ટેડ છે. મને એને જાેવામાં ખુબ મજા આવે છે.
એ માત્ર નકલ નથી કરતો, એ એક બહુ સારો અભિનેતા પણ છે. તે માત્ર તમારા હાવભાવ કે અવાજની નકલ કરીને અટકતો નથી, એ તેનાથી પણ ઘણા ડગલાં આગળ છે.”આમિરે આગળ કહ્યું, “એ સમજે છે કે તમે કઈ રીતે વિચારો છો અને કોઈ શબ્દો કે પરિસ્થિતિમાં તમે કેવો પ્રતિસાદ આપશો. તે એમાં ઘણો ઉંડો ઉતરે છે. મેં એને મને ભજવતો જાેયો છો, એ સલમાન પણ ઘણો સારો ઠભજવે છે. તે ઘણા કલાકારોની મિમિક્રી ઘણી સારી રીતે કરી જાણ છે. એ ખુબ ટેલેન્ટેડ છે. એમાં પણ કપિલનો છેલ્લો શો, હું હસીને ગોટા વળી ગયેલો. એ ખરેખર અદ્દભુત કલાકાર છે.”તાજેતરમાં ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં કાર્તિક આર્યન અને અનન્યા પાંડે મહેમાન હતાં. ત્યારે એ એપિસોડમાં સુનિલ ગ્રોવર આમિર ખાન બનીને આવ્યો હતો અને આમિર પાપરાઝી સાથે કઈ રીતે વાતચીત કરે છે, તેની મિમિક્રી કરી હતી. તેણે આમિરની બોલવાની રીત, કપડાં અને ચાલવાની રીત સહિત બધું જ આબેહુબ કર્યું હતું. તેણે કાર્તિક સાથે લગ્ન બાબતે મજાક પણ કરી હતી.




