
શાર્દુલ ઠાકુરના ઘરમાં ખુશીનો માહોલ.શાર્દુલ પિતા બન્યો : પત્ની મિતાલી પારુલકરે પુત્રને જન્મ આપ્યો.શાર્દુલે ઇન્સ્ટાગ્રામ દ્વારા ચાહકો સાથે ખુશખબર શેર કરી.ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરના ઘરમાં ખુશીનો માહોલ છે. શાર્દુલ પહેલીવાર પિતા બન્યો છે. તેની પત્ની મિતાલી પારુલકરે પુત્રને જન્મ આપ્યો છે. શાર્દુલએ ઇન્સ્ટાગ્રામ દ્વારા તેના ચાહકો સાથે આ ખુશખબર શેર કરી. શાર્દુલ કે તેની પત્નીએ ગર્ભાવસ્થા વિશે કોઈ જાહેર પોસ્ટ કરી નહોતી, તેથી આ સમાચાર તેના ચાહકો માટે આશ્ચર્યજનક હતા. પોતાના પુત્રના જન્મ વિશે એક ખાસ પોસ્ટ શેર કરતા શાર્દુલે લખ્યું, “મૌન, વિશ્વાસ અને અપાર પ્રેમમાં છુપાયેલું અમારું નાનું રહસ્ય આખરે ખુલી ગયું છે. સ્વાગત છે, અમારા પ્રિય પુત્ર. એ સપનું જે ૯ મહિનાઓથી અમારા દિલમાં હતું.” શાર્દુલની પોસ્ટ ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી છે અને તેને ક્રિકેટ જગત તરફથી અભિનંદન મળી રહ્યા છે. શાર્દુલ ઠાકુર છેલ્લા પાંચ મહિનાથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તેણે છેલ્લે જુલાઈ ૨૦૨૫માં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટેસ્ટ મેચ રમી હતી. ત્યારથી તેને કોઈપણ ફોર્મેટમાં સામેલ કરવામાં આવ્યો નથી. ટીમ ઈન્ડિયામાંથી ગેરહાજરી પછી શાર્દુલ રણજી ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈ માટે સ્થાનિક ક્રિકેટમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. તે હવે વિજય હજારે ટ્રોફી ૨૦૨૫-૨૬માં મુંબઈ ટીમનું નેતૃત્વ કરશે. તેને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. રોહિત શર્મા પણ તેની કેપ્ટનશીપ હેઠળ રમતો જાેવા મળશે. IPL ૨૦૨૬ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા શાર્દુલ ઠાકુરને સાઇન કરવામાં આવ્યો હતો. તેને લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી ટ્રેડ કરવામાં આવ્યો છે. આ પહેલીવાર હશે જ્યારે શાર્દુલ ઠાકુર મુંબઈ ઈન્ડિયન્સ જર્સીમાં IPL રમતો જાેવા મળશે. શાર્દુલ બેટ અને બોલ બંનેથી પોતાની પ્રતિભા માટે જાણીતો છે. IPL ૨૦૨૬ તેની કારકિર્દીમાં એક વળાંક સાબિત થઈ શકે છે. ૧૯મી સીઝનમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં વાપસી કરવાની તેની પાસે એક સારી તક હશે.
આ ઓલરાઉન્ડરની કારકિર્દી પર નજર કરીએ તો, શાર્દુલે ૨૦૧૭માં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે ૧૩ ટેસ્ટ, ૪૭ ODI અને ૨૫ T20I રમી છે. ત્રણેય ફોર્મેટમાં તેણે ૭૭૫ રન બનાવ્યા છે અને ૧૩૧ વિકેટ લીધી છે.




