
અમિતાભ બચ્ચન અને દિલજીત દોસાંજને ધમકી મુંબઈના મેયરને મળેલા ઈમેઈલથી ભારે ખળભળાટ મુંબઈના મેયર રીતુ તાવડેને મળેલા ઈમેઈલમાં આ બંને દિગ્ગજ કલાકારોને નિશાન બનાવવાની વાત સામે આવી મુંબઈમાં બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને જાણીતા પંજાબી ગાયક-અભિનેતા દિલજીત દોસાંજને જીવથી મારી નાખવાની ધમકી મળતા સિનેમા જગતમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. મુંબઈના મેયર રીતુ તાવડેને મળેલા એક અત્યંત સંવેદનશીલ ધમકીભર્યા ઈમેઈલમાં આ બંને દિગ્ગજ કલાકારોને નિશાન બનાવવાની વાત સામે આવી છે. આ ઈમેઈલ પ્રાપ્ત થતાની સાથે જ પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે અને સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
મેયરને મોકલવામાં આવેલા આ પ્રકરણ મુજબ, અમિતાભ બચ્ચનના નિવાસસ્થાન ‘જલસા’ બંગલાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઉચ્ચારવામાં આવી છે. ઈમેઈલ મોકલનારે દાવો કર્યો છે કે આ હુમલો વર્ષ ૧૯૮૪ના ‘ઓપરેશન બ્લૂ સ્ટાર’નો બદલો લેવા માટે કરવામાં આવશે. ધમકીમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયો છે કે આગામી ૩૧ ઑક્ટોબરથી ૨૭ નવેમ્બર વચ્ચેના સમયગાળા દરમિયાન ગમે ત્યારે આ બંગલાને ટાર્ગેટ બનાવી શકાય છે. આ જ ઈમેઈલની અંદર પંજાબી કલાકાર દિલજીત દોસાંજને પણ ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપવામાં આવી છે.
ઈમેઈલ મોકલનાર શખ્સે ખાલિસ્તાન-સમર્થક નારાઓનો પ્રયોગ કર્યો છે તેમજ ૧૯૮૪ના શીખ-વિરોધી રમખાણોનો સંદર્ભ ટાંકીને જણાવ્યું છે કે આ હુમલા તે તમામ લોકો સામે બદલો લેવાના ભાગરૂપે છે, જેમના પર શીખ સમુદાયને કષ્ટ પહોંચાડવાનો આરોપ રહ્યો છે. જાેકે, આ ઈમેઈલ કરનારની અસલી ઓળખ અંગે હજુ સુધી કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી, અને હાલ આ તમામ ધમકીઓ માત્ર ઈમેઈલમાં કરવામાં આવેલા દાવાઓ પૂરતી જ સીમિત છે.
બીજી બાજુ, ધમકીભર્યા સંદેશમાં દિલજીત દોસાંજને નિશાન બનાવવા પાછળનું મુખ્ય કારણ તેમના દ્વારા અમિતાભ બચ્ચનના ચરણ સ્પર્શ કરવાની ઘટનાને દર્શાવવામાં આવી છે. ઈમેઈલમાં લખવામાં આવ્યું છે કે આગામી ૨૭ નવેમ્બરે દિલજીતને મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે બોમ્બ વિસ્ફોટ કે આત્મઘાતી હુમલા દ્વારા મોતના ઘાટ ઉતારવામાં આવશે, કારણ કે તેમણે શીખોના નરસંહાર માટે જવાબદાર ગણાતા બચ્ચનના પગ સ્પર્શ કર્યા હતા.
આ ગંભીર ધમકીના પગલે બીએમસી (BMC) કાર્યાલય અને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે નિર્ધારિત સ્થળોની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધીની તલાશી દરમિયાન કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. તેમ છતાં, સુરક્ષાની દૃષ્ટિએ આગળની તપાસ અત્યંત ચોકસાઈથી ચાલુ છે.




