
આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની વિશેષ ઉપસ્થિતિમાં સુરતમાં કાર્યકર્તા સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું હતું કે જ્યારથી આમ આદમી પાર્ટીએ સુરતમાં પગ મૂક્યો, ત્યારથી સુરત પર જીતની ડબલ જવાબદારી આવી ગઈ છે. આ આજની વાત નથી. સમગ્ર ગુજરાતમાં પહેલી સભા પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સુરતમાં કરી હતી અને ત્યારથી સુરતના કાર્યકર્તાઓ સતત પોતાના અભિયાનને આગળ વધારતા રહ્યા છે. વિધાનસભા ક્ષેત્રોમાં ચહેરા બદલાયા, ઘણા લોકો સક્રિય બન્યા, કેટલાક નિષ્ક્રિય રહ્યા, છતાં સુરતે પોતાની જવાબદારી ક્યારેય છોડી નથી. તેમણે જણાવ્યું કે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં જીતની ઉજવણી થઈ ત્યારે સુરતે પોતાની જવાબદારી નિભાવી હતી. ભાજપ દ્વારા વિપક્ષના ધારાસભ્યોને તોડવાના પ્રયાસો થયા, કોંગ્રેસના ધારાસભ્યો પણ તૂટ્યા, છતાં ચૂંટણીમાં જનતાએ પોતાનો નિર્ણય આપ્યો. વિસાવદરની ચૂંટણીમાં પણ વિવિધ રાજકીય પરિસ્થિતિઓ વચ્ચે આમ આદમી પાર્ટીએ મજબૂત લડત આપી.
ગોપાલ રાયે સુરતના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને અભિનંદન આપતાં જણાવ્યું કે વિસાવદરની ચૂંટણી દરમિયાન સુરતના કાર્યકર્તાઓએ સક્રિય ભૂમિકા ભજવી અને સંગઠનની તાકાત દર્શાવી. વિરોધીઓના ગઢમાં જઈ લડવાની ક્ષમતા આમ આદમી પાર્ટી પાસે છે. તેમણે જણાવ્યું કે વિધાનસભા ચૂંટણી પછીથી સુરતના કાર્યકર્તાઓ સાથે સતત સંવાદ રહ્યો છે. સુરતના કાર્યકર્તાઓ હંમેશાં આગળ વધીને જવાબદારી નિભાવે છે. સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી વિરોધ પક્ષની ભૂમિકામાં છે, તેથી સંગઠન પ્રત્યે અપેક્ષાઓ વધુ છે. નેતા પ્રતિપક્ષ અને અન્ય કાર્યકર્તાઓ પર સતત દબાણ રહે છે. વોર્ડના પ્રશ્નો, સંગઠનના કાર્યક્રમો, જનતાની માંગણીઓ અને વ્યક્તિગત જવાબદારીઓ, આ બધાની વચ્ચે કાર્યકર્તાઓ નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહ્યા છે.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે અલગ-અલગ ઝોન અને વોર્ડમાં કાર્યકર્તાઓ જે કામ કરે છે તેની સાથે મળીને સમીક્ષા થાય તો એકબીજાના કામમાંથી પ્રેરણા મેળવી વધુ મજબૂત રીતે આગળ વધી શકાય. આ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સત્તામાં બેઠેલા લોકો આમ આદમી પાર્ટીથી ડરે છે. ભાજપ સામે લડતા અનેક કાર્યકર્તાઓ પર કેસો થયા, જેલમાં પણ ગયા, છતાં તેઓ તૂટ્યા નથી. ગુજરાતની જમીન પર એક વૃક્ષ કાપશો તો હજારો ઉગશે, તેવી તાકાત કાર્યકર્તાઓમાં છે. આ પ્લેટફોર્મ પરથી ગુજરાતનું નવું નેતૃત્વ ઉભું થશે. તેમણે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પ્રત્યે ગર્વ વ્યક્ત કરતાં જણાવ્યું કે તેમણે સામાન્ય લોકોને આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. વધુમાં જણાવતા કહ્યું હતું કે આવનારી ચૂંટણી સેમિફાઈનલ સમાન છે અને કાર્યકર્તાઓની મહેનતે જ જીત સુનિશ્ચિત થશે. 2027 સુધી પાર્ટી વધુ મજબૂત બનશે અને સુરતમાં મેયર પદ જીતવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ગુજરાતની જનતા નવા વિકલ્પની શોધમાં છે અને ભાજપના શાસનથી લોકો થાકી ગયા છે. હવે માત્ર અંતિમ વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. તેમણે કાર્યકર્તાઓને અપીલ કરી કે સિસ્ટમેટિક આયોજન અને રણનીતિ સાથે કામ ચાલુ રાખવું. દરેક કાર્યકર્તા પોતાનો વિસ્તાર અને મતની જવાબદારી નિષ્ઠાપૂર્વક સંભાળે તો પાર્ટીને આગળ વધતા કોઈ રોકી શકશે નહીં. શંકા કે સંશય રાખ્યા વિના સૌએ સમય આપવો અને સાથે મળીને લડશો તો આ જહાજ પોતાના લક્ષ્ય સુધી પહોંચશે અને તેમાં બેઠેલા સૌ સફળ થશે.




