
આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પત્રકાર પરિષદને સંબોધિત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે, જેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. છેલ્લા પાંચ વર્ષથી આ સંસ્થાઓમાં ભાજપનું શાસન રહ્યું છે, પરંતુ તેઓ નિષ્ફળ ગયા છે, ભારે ભ્રષ્ટાચાર કર્યો છે અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહ્યા છે. જેના કારણે હવે જનતા ભાજપને નકારી કાઢવા તૈયાર છે. આમ આદમી પાર્ટીને વધતું સમર્થન અને લોકોનું જોડાણ ભાજપ માટે ચિંતાનો વિષય બન્યું છે, અને આથી ગભરાઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઈશારે ગુજરાતની પોલીસ સક્રિય બની ગઈ છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે માત્ર માર્ચ મહિનામાં જ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પર આશરે 34 જેટલી એફઆઈઆર નોંધાઈ છે અને તેમાં અનેક લોકોની કોઈ ગુના વગર અટકાયત કરવામાં આવી છે. તેમને પોલીસ સ્ટેશનોમાં લઈ જઈને ડરાવવામાં અને ધમકાવવામાં આવ્યા છે કે તેઓ આમ આદમી પાર્ટી છોડે. કાર્યકરોના મોબાઈલ અને લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે, તેમના પરિવારજનોને પણ પરેશાન કરવામાં આવ્યા છે. સાબરકાંઠા, જુનાગઢ, જામનગર, ભાવનગર અને કચ્છ સહિતના જિલ્લાઓમાં એસપી સ્તરે આવી કાર્યવાહી થઈ રહી છે. નર્મદા જિલ્લામાં પણ પોલીસે કાર્યકરોને બોલાવીને અને ઘરે જઈને માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે લોકશાહીમાં દરેક પક્ષને ચૂંટણી લડવાનો અધિકાર છે, તો પછી આ પ્રકારનું દબાણ શા માટે?
ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું કે આમ આદમી પાર્ટી આંદોલનમાંથી ઉભી થયેલી પાર્ટી છે અને અમે અન્યાય સામે લડવા માટે પ્રતિબદ્ધ છીએ. ખોટી એફઆઈઆર, ખોટા કેસો કે જેલોથી અમે ડરવાના નથી અને વધુ શક્તિથી જનતા માટે લડતા રહીશું. તેમણે પોલીસ તંત્રને પણ સંદેશ આપ્યો કે તેઓ સંવિધાનના શપથ લીધેલા અધિકારીઓ છે અને જનતાની સુરક્ષા જ તેમનું કર્તવ્ય છે. બધા અધિકારીઓ પર આક્ષેપ નથી, પરંતુ જે અધિકારીઓ રાજકીય દબાણમાં કામ કરે છે તેમને ચેતવણી આપી કે જરૂર પડે તો અમે જેલ ભરો આંદોલન માટે પણ તૈયાર છીએ. ગુજરાતમાં જ્યાં પણ અન્યાય થશે ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ લડશે અને ડરશે નહીં. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી લગભગ ૧૨,૦૦૦ ઉમેદવારો ઊભા કરશે અને મજબૂતીથી ચૂંટણી લડશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતની જનતા તેમના પક્ષને સમર્થન આપશે અને આવનારા સમયમાં આમ આદમી પાર્ટી તાલુકા પંચાયતોમાં બહુમતી મેળવી પોતાના પ્રમુખો બેસાડશે. ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે વિવિધ જિલ્લાઓમાં અમારા કાર્યકરો અને ઉમેદવારી નોંધાવનારાઓ પર મોટા પ્રમાણમાં એફઆઈઆરો નોંધવામાં આવી રહી છે. દાહોદ, વડોદરા, કચ્છ અને છોટા ઉદેપુર સહિતના જિલ્લાઓમાં સંબંધિત એસપી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. અમે દરેક કેસનો અભ્યાસ કર્યો છે અને સંબંધિત એફઆઈઆરની નકલો મેળવી છે. અભ્યાસ દરમિયાન એવું જણાયું છે કે આ કેસોમાં કોઈ મજબૂત આધાર દેખાતો નથી. અમારા કાર્યકરોને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે છે, તેમજ કેટલીક જગ્યાએ તેઓને મુસાફરી દરમિયાન અટકાવવામાં આવે છે અને તેમના પર દબાણ કરવામાં આવે છે. બીજી તરફ, જ્યારે અમારા લોકો ફરિયાદ નોંધાવવા જાય છે, ત્યારે ઉલટું તેમના જ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવે છે. આખા ગુજરાતમાં એકસરખા પેટર્નથી આ એફઆઈઆરો નોંધાઈ રહી છે. તમામ કેસોમાં એક જ પ્રકારની કાર્યવાહી અને સમાન આરોપો નોંધવામાં આવ્યા છે. આથી એવું લાગે છે કે ઉચ્ચ સ્તરે બેઠક યોજાઈ હશે અને તેમાંથી પોલીસ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હશે. અમે નોંધ્યું છે કે તમામ 34 એફઆઈઆરોમાં એકસરખું માળખું અને આરોપોની રીત અપનાવવામાં આવી છે. મોટાભાગના કેસોમાં સામાન્ય પ્રકારના આરોપો જ લગાવવામાં આવ્યા છે.




