
રાજુ કરપડાના આક્ષેપો અંગે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે રાજુભાઈ કરપડાએ પાંચ વર્ષ આમ આદમી પાર્ટીમાં કામ કર્યું છે, તેના માટે અમે તેમનો આભાર માનીએ છીએ. આમ આદમી પાર્ટી સંઘર્ષનો માર્ગ અપનાવતી પાર્ટી છે. અમારી સાથે જોડાયેલા મોટાભાગના લોકો સામાન્ય, ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવે છે. અમે કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓને ખુલ્લેઆમ પડકારીએ છીએ, તેથી આમ આદમી પાર્ટીમાં કાર્ય કરવું સરળ નથી. ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે જ્યારે કોઈ નેતા જનહિતના મુદ્દે અવાજ ઉઠાવે છે ત્યારે તેને ડરાવવાની, ખોટા કેસોમાં ફસાવવાની અને જેલમાં મોકલવાની કોશિશ કરવામાં આવે છે. અગાઉ પણ અનેક નેતાઓને જેલમાં નાખવામાં આવ્યા છે અને દબાણ કરવામાં આવ્યું છે. રાજુભાઈ ઉપર પણ વિવિધ કેસો હતા અને ભાજપ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોય તેવી શંકા નકારી શકાય નહીં.AAP નેતા ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે હડદડ અને કડદા કાંડ પછી રાજ્યમાં ભારે જનમાહોલ ઊભો થયો હતો. ખેડૂતો અને નાગરિકો પર થયેલા અત્યાચારને કારણે સરકાર સામે અસંતોષ વધ્યો હતો. આવા સમયે આંદોલનને નબળું પાડવા માટે નેતાઓને તોડવાની કોશિશ થવી સ્વાભાવિક છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ હીરો બની ગયા, પરંતુ ભાજપમાં લઈને ભાજપે હાર્દિક પટેલનું કરિયર ખતમ કરી નાખ્યું.રાજુભાઈ સારા અને હિંમતવાન વ્યક્તિ છે, પરંતુ કદાચ કોઈ મજબૂરીને કારણે તેમણે પાર્ટી છોડી હોય.
ખેડૂતોને સંદેશ આપતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે તેમની લડાઈ અટકવાની નથી. કોઈ પણ પ્રકારની ભયભાવનામાં આવવાની જરૂર નથી. “ટાઈગર હજી જિંદા છે.” એક નેતા દૂર જાય તો પણ આંદોલન નબળું નહીં પડે. આગામી સમયમાં નવા નેતાઓ ઉભા કરવામાં આવશે અને ભાજપ સામે મજબૂત લડત ચાલુ રહેશે. આંદોલન તોડવું અને નેતાઓને પોતાના પક્ષમાં લઈ જઈ નબળા પાડવું ભાજપની જૂની રીત રહી છે. આમ આદમી પાર્ટીએ રાજુ કરપડા અને અન્ય ખેડૂત નેતાઓના સમર્થનમાં રાજ્યભરમાં મોટી સભાઓ અને મિટિંગો યોજી હતી સુરેન્દ્રનગરમાં આશરે 50,000 લોકોની વિશાળ સભા યોજાઈ હતી,ગામડાઓમાં હજારો મિટિંગો યોજાઈ હતી,ખેડૂત સમર્થન માટે સહી અભિયાન ચલાવવામાં આવ્યું હતુ, કાનૂની લડત માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી વકીલોની ટીમ સક્રિય રાખવામાં આવી હતી, રાજુભાઇના પરિવારજનોને વ્યક્તિગત મુલાકાત લઈને સહકાર આપવામાં આવ્યો હતો.આજે કદાચ રાજુભાઇને ભાજપે સ્ક્રીપ્ટ લખી આપી હશે. પાર્ટી દ્વારા સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો અને કોઈ કમી રાખવામાં આવી નહોતી. ઈસુદાન ગઢવીએ સ્પષ્ટ કર્યું કે આમ આદમી પાર્ટી સત્તા માટે નહીં પરંતુ ખેડૂતો, ગરીબો અને વંચિતોના હિત માટે રાજનીતિ કરે છે. જો સરકાર ખરેખર જનહિતના કામ કરે તો તેઓ રાજનીતિ છોડી દેવા તૈયાર છે. પરંતુ જ્યાં સુધી અન્યાય, ભ્રષ્ટાચાર અને દબાણની રાજનીતિ ચાલુ રહેશે ત્યાં સુધી આમ આદમી પાર્ટી સંઘર્ષ વધુ મજબૂત બનાવશે.ટ્રેડ ડિલ મુદ્દે વાત કરતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ટ્રમ્પની સામે ઝુકીને જે ટ્રેડ ડીલ કરવામાં આવી છે, તેની સામે AAP સડકથી લઈને વિધાનસભા સુધી આંદોલન ચલાવશે.




