
આજે સુરતના ગોથાણ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ક્ષેત્રીય બુથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ગુજરાત પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક, સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરિયા, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી, નવસારી લોકસભા ઇન્ચાર્જ પંકજ તાયડે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના દક્ષિણ ઝોનના બુથ લેવલના હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને સાથે સાથે મોટી સંખ્યામાં સુરતના જાગૃત લોકો પણ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે સભામાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના બુથના કાર્યકર્તા, વોર્ડના કાર્યકર્તા, મહોલ્લાના કાર્યકર્તા, તાલુકા પંચાયતના કાર્યકર્તા, જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓએ સમગ્ર ગુજરાતના ઘરે ઘરે જઈને છેલ્લા બે મહિનાથી જબરદસ્ત કામ કર્યું છે. વિસાવદરમાં આપણે ચૂંટણીમાં ત્રણ સંકલ્પ લીધા હતા, આપણે કહ્યું હતું કે વિસાવદરની ચૂંટણી ક્વાર્ટર ફાઈનલ છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી સેમી ફાઈનલ છે અને વિધાનસભાની ચૂંટણી ફાઇનલ ચૂંટણી છે. ગુજરાતની 2027ની ફાઇનલ ચૂંટણી ગુજરાતના લોકો જીતશે. આજે કોઈ વ્યક્તિ મજૂરી કરીને પણ પાર્ટીને એક-બે કલાક આપે છે, કોઈ વ્યક્તિ દુકાન ઉપર બેસીને સાંજે પાર્ટીને એક-બે કલાક આપે છે, અનેક લોકો થોડો થોડો પોતાનો સમય આપે છે અને જેનું ઐતિહાસિક પરિણામ આપણને 2027માં જોવા મળશે. ભાજપ પાસે મુખ્યમંત્રી, મંત્રી, ધારાસભ્યો સહિત અનેક નેતાઓની ફોજ છે પરંતુ અરવિંદ કેજરીવાલજી પાસે હનુમાનજીની વાનરસેના છે. દિલ્હીમાં અને પંજાબમાં આપણે 10-20 વર્ષથી મંત્રી રહેલા લોકોને હરાવ્યા છે, તો કોઈપણ કાર્યકર્તા એકલો હોય તો પણ એ પોતાની જાતને કમજોર ન સમજે. આપણે મોટા મોટા લોકોને હરાવીશું. વિસાવદરની ક્વાર્ટર ફાઇનલ ચુંટણી આપણે જીતી હતી, હવે સ્થાનિક સ્વરાજની સેમી ફાઈનલી ચૂંટણી પણ આપણે જીતવાની છે અને ત્યારબાદ 2027ની ફાઈનલ ચૂંટણીમાં ભાજપની 30 વર્ષની સરકારને ઉખાડીને ફેંકવાની છે, આપણે આ સંકલ્પ સાથે જ આગળ વધીશું. આપણો ફક્ત ઉમેદવાર ચૂંટણી નથી લડતો પરંતુ આખી પાર્ટી ચૂંટણી લડશે. જેને ટિકિટ મળશે એ પણ ચૂંટણી લડશે જેને ટિકિટ નહીં મળે એ પણ ચૂંટણી લડશે કારણ કે આપણે ગુજરાત માટે ચૂંટણી લડી રહ્યા છીએ. સુરતમાં આપણે ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિપક્ષની ભૂમિકા મેળવી હતી. હવે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાઠી, ગોળી, જેલ સહિત તમામનો જવાબ મજબૂતી આપીશું.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે સંઘર્ષના દિવસો મેં જોયા છે. આજે હું તમને કહેવા માંગુ છું કે અરવિંદ કેજરીવાલ જેવા સિટિંગ મુખ્યમંત્રીને પહેલી વખત હિંદુસ્તાનમાં જેલમાં નાખવામાં આવ્યા. કારણ શું હતું? કારણ કે તેઓ સામાન્ય માણસની રાજનીતિ કરતા હતા. તેઓ કહેતા હતા કે ખેડૂતોને તેમનો હક મળવો જોઈએ. તેઓ કહેતા હતા કે દરેક બાળક દલિત સમાજ હોય, આદિવાસી સમાજ હોય, પછાત સમાજ હોય કે નાનો સમાજ તમામ વર્ગના લોકોને મફતમાં સારું શિક્ષણ મળવું જોઈએ. પરંતુ કેટલાક લોકોને નથી ગમતું કે તમારા અને મારા બાળકો આગળ વધે. કેટલાક લોકો કહેતા હતા કે ત્રીજો પક્ષ ચાલશે નહીં, તૂટી જશે. તેઓ કહેતા હતા કે અરવિંદ કેજરીવાલજી જેલમાં ગયા એટલે હવે પાર્ટી પૂરી થઈ જશે. પરંતુ તેમને ખબર નથી કે અમે સંઘર્ષના સાથી છીએ. હું કહેવા માંગુ છું, “ટાઈગર અભી જિંદા હૈ”. તમે લોકો ભારતની રાજનીતિ બદલી શકો છો. તમે લોકો એક નાના સમાજમાંથી આવેલા વ્યક્તિને અધિકારી બનાવી શકો છો. તમે લોકો ડોક્ટર, એન્જિનિયર અને કલેક્ટર તમારા અને મારા ગામમાંથી બનાવી શકો છો. અરવિંદ કેજરીવાલ ઈચ્છે છે કે સામાન્ય માણસ નેતા બને. જે પોતાના ઘરનું સંચાલન કરે છે, તે રાજ્યનું સંચાલન પણ કરી શકે. ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે અમે એટલા માટે રાજનીતિમાં આવ્યા છીએ કે ગરીબ, વંચિત અને શોષિત લોકોને તેમનો હક અને અધિકાર મળે. તેમને ન્યાય મળે. સમાજની માતા, બહેનો અને દીકરીઓને સુરક્ષા અને ન્યાય મળે.
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે અમને પહેલી સફળતા 2021માં સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં મળી. ત્યારથી લઈને આજ દિવસ સુધી આમ આદમી પાર્ટી સતત આગળ વધતી રહેશે. આ સફળતામાં તમામ કાર્યકર્તાઓનું યોગદાન છે. ગુજરાતમાં એવું કહેવામાં આવતું હતું કે અહીં કોઈ ત્રીજો પક્ષ નહીં ચાલે, અહીં તો ખાલી ભાજપ અને કોંગ્રેસ જ ચાલશે. પરંતુ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ બધાને બતાવી દીધું કે ત્રીજો પક્ષ પણ ચાલી શકે છે અને આગળના દિવસોમાં દોડાવીને પણ બતાવશે. આ આપણી સામાન્ય માણસની તાકાત છે. સત્તામાં બેઠેલો માણસ ઊંચી ખુરશી પર બેઠો હોય એટલે તેને એવું લાગે કે નાના માણસો કંઈ નહીં કરી શકે. આ તો સામાન્ય માણસ છે, સામાન્ય ખેડૂત છે, સામાન્ય મજૂરી કરતો વ્યક્તિ છે; આ કંઈ નહીં કરી શકે એવું ગાંધીનગરની ઊંચી ખુરશી પર બેઠેલા લોકોને લાગતું હોય. પરંતુ સામાન્ય માણસ આ દેશમાં શું કરી શકે તે આઝાદીની લડાઈથી લઈને આમ આદમી પાર્ટીની લડાઈ સુધીના અનેક દાખલાઓ આપણી સામે છે. ગુજરાતના માણસો માટે સંઘર્ષ કરવા આવેલા લોકો આજે મંચ પર બેઠા છે. જો અમને પૈસા કમાવા હોત, અમીર બનવું હોત, ઊંચી ખુરશી પર બેસવું હોત અને સારી સારી બંગલાઓમાં રહેવું હોત તો બીજી પાર્ટીઓમાં જવાની તક આજે પણ છે. પરંતુ અમે નક્કી કર્યું છે કે ગુંડાગીરી નહીં ચાલે, તાનાશાહી નહીં ચાલે અને દમન નહીં ચાલે. તમે તમારી તાકાત અમારા પર અજમાવી લો, છતાં અમે ઊભા રહીશું અને લડીશું. કારણ કે અમે ખેડૂતના દીકરા છીએ. તમને એવી આશા હોય કે ચૈતર વસાવાને મજબૂત બનાવવા જોઈએ, તો તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમારા ગામમાં જ્યાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ઊભો હોય ત્યાં ઝાડૂના નિશાન પર બટન દબાવી દેજો. તમે આપેલા મતથી અમારા નેતાઓના હાથ મજબૂત થશે. અમે અનેક નેતાઓને ચૂંટણીમાં જીતાડ્યા છે, પરંતુ ક્યારેય કોઈ નેતાએ આપણા જીવન સાથે જોડાયેલા મુદ્દાઓ પર કામ કર્યું નથી. મને ગર્વ થાય છે કે અમારી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ દેશના એવા પહેલા નેતા છે જેમણે સરકારી શાળાઓના મુદ્દાઓ પર ચૂંટણી લડી અને જીતી બતાવી. તેમણે દેશને સંદેશ આપ્યો કે શિક્ષણ, આરોગ્ય અને સરકારી સુવિધાઓના મુદ્દાઓ પર પણ ચૂંટણી જીતી શકાય છે.
આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે બજેટ સત્ર દરમિયાન ગોપાલ ઈટાલિયા, હું અને હેમંત ખવા અમે બધા ગુજરાત સરકાર પાસે છેલ્લા ત્રીસ વર્ષનો હિસાબ માંગ્યો છે. ગુજરાત સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે ચાર લાખ આઠ હજાર ત્રેપન કરોડ રૂપિયાનું બજેટ જાહેર કર્યું છે. પરંતુ દુઃખની વાત એ છે કે બજેટ જેટલું રજૂ થયું છે, તેનાથી પણ વધારે દેવું ગુજરાત પર છે. આજે ગુજરાતમાં એક નાનું બાળક જન્મે છે તો તે પણ દેવાના બોજ સાથે જન્મે છે. તેથી આપણે સૌએ સમજવું જોઈએ કે ભાજપ સરકાર આપણા ટેક્સના પૈસા અને જનતાના ફંડનો ઉપયોગ કેવી રીતે કરે છે. તમે સૌએ જોયું હશે કે દેશમાં સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટ અને સેશન કોર્ટોની કાર્યવાહી લાઇવ થાય છે. તેથી ગુજરાત વિધાનસભાની કાર્યવાહી પણ લાઇવ થવી જોઈએ એવી માંગ અમે ગુજરાત વિધાનસભામાં મૂકી હતી. પરંતુ અધ્યક્ષએ કહ્યું કે તમને સરકાર ચલાવવી હોય તો કોંગ્રેસ પાસેથી શીખવું જોઈએ. અમે કોંગ્રેસ પાસેથી શું શીખીએ? કોંગ્રેસ અને ભાજપે છેલ્લા ત્રીસ વર્ષથી ભાગીદારી અને સમજૂતીથી રાજ કર્યું છે. તેમની જુગલબંધીથી રાજ્યનું શાસન ચાલ્યું છે. પરંતુ આમ આદમી પાર્ટી આજે ગુજરાતમાં એક મજબૂત વિપક્ષ તરીકે ઉભી રહી છે અને ગુજરાતની જનતાનો અવાજ બની રહી છે. બજેટ સત્ર દરમિયાન અમે સરકારને માંગ કરી કે ગુજરાતના ખેડૂતોને 24 કલાક વીજળી આપવામાં આવે. ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે. ખેડૂતોને આકસ્મિક દુર્ઘટનામાં જેમ કે વીજળી પડવી, કુદરતી આફત આવવી અથવા પાણીમાં તણાઈ જવું, તેવા બનાવોમાં માત્ર ખેડૂતને નહીં પરંતુ તેના પરિવારને પણ વીમા સહાય મળવી જોઈએ. ખેડૂતોના પાકને નુકસાન થાય તો તેની પણ યોગ્ય વીમા સહાય મળવી જોઈએ. વિધાનસભામાં અમે શ્રમિકોના હક્ક માટે પણ અવાજ ઉઠાવ્યો છે.
ત્યારબાદ જનસભાને સંબોધતા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતા હવે વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને સ્વીકારી રહી છે. તેઓએ જણાવ્યું કે હવે સમય આવી ગયો છે કે લોકો પોતાની પાર્ટી તરીકે આમ આદમી પાર્ટીને મજબૂત બનાવે અને સત્તામાં બેઠેલા અહંકારી નેતાઓને ઘેર બેસાડે. તેમણે તમામ સમાજના આગેવાનોને સંબોધતા કહ્યું કે છેલ્લા 30 વર્ષથી વિવિધ સમાજોના આગેવાનોની અપેક્ષા અને સમર્થનથી ભાજપને જીત મળતી રહી છે. પરંતુ આજે સ્થિતિ એવી છે કે સમાજના બાળકોને યોગ્ય શિક્ષણ મળતું નથી, લોકો માટે આરોગ્ય સેવાઓ મોંઘી બની ગઈ છે અને રોજગારીની તકો પણ ઘટી ગઈ છે. મનોજ સોરઠીયાએ સમાજના આગેવાનોને વિનંતી કરતાં જણાવ્યું કે હવે ભાજપ માટે મત માંગવાનું અને પૈસા એકત્રિત કરવાનું બંધ કરો. ભાજપને મજબૂત બનાવવાનું બંધ કરો, કારણ કે આ ભાજપે વર્ષોથી સમાજને લૂંટવાનું કામ કર્યું છે. તમામ સમાજોને નુકસાન પહોંચાડવાનું કામ ભાજપના શાસનમાં થયું છે. હવે સમય આવી ગયો છે કે ભાજપને હરાવીને તેને પાઠ ભણાવવામાં આવે. જો પાંચ વર્ષ માટે ભાજપને સત્તાથી દૂર રાખવામાં આવશે તો તેનો અહંકાર અને તાનાશાહી બંને ખતમ થઈ જશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આમ આદમી પાર્ટી ગુજરાતની લોકપ્રિય પાર્ટી બનશે અને ગુજરાતના લોકો માટે સાચો વિકલ્પ સાબિત થશે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં મજબૂત અને લોકપ્રિય નેતૃત્વ ઉભું કરવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું છે. મનોજ સોરઠીયાએ જણાવ્યું કે કટ્ટર ઈમાનદાર નેતા અરવિંદ કેજરીવાલને ખોટા કેસોમાં ફસાવીને જેલમાં મોકલવામાં આવ્યા અને દિલ્હીની સરકાર તેમની પાસેથી છીનવી લેવામાં આવી. તેમણે કહ્યું કે આજે દિલ્હીની જનતા ફરીથી કેજરીવાલને સત્તામાં જોવા માંગે છે. તેમણે દાવો કર્યો કે જો આજે દિલ્હીમાં ચૂંટણી યોજાય તો ભાજપની અનેક બેઠકો પર ડિપોઝિટ પણ જપ્ત થઈ જાય તેવી સ્થિતિ છે. ભાજપે દિલ્હી અને ગુજરાત બંને જગ્યાએ લોકોને ઠગવાનું કામ કર્યું છે. તેમણે જણાવ્યું કે દેશને જે રાજકીય બીમારી લાગી છે તેની દવા કરવાનો સમય આવી ગયો છે, અને તે દવા ગુજરાતમાંથી શરૂ થશે. તેમણે તમામ લોકોને આહ્વાન કર્યું કે સૌ સાથે મળી ભાજપના અત્યાચારથી ગુજરાતને મુક્ત કરાવીએ.




