
FSL અને RTO જાેડાશે તપાસમાં BMW કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને ૫૦ ફુટ દૂર ફંગોળ્યા પ્રાથમિક દૃષ્ટિએ કેસ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ન હોવાનું સામે આવ્યું છે, તેમ છતાં પોલીસ દ્વારા આત્મન પટેલનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું છે
રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસમાં રોડ અકસ્માતમાં બે જેટલા યુવક અને યુવતીના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. ઓવર સ્પીડિંગના કારણે ૧૪ વર્ષીય ધ્રુવી કોટેચા નામની વિદ્યાર્થીનીનું સારવાર દરમિયાન ૯ નવેમ્બર ૨૦૨૫ના રોજ ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. તેમજ ૧૦ નવેમ્બર ૨૦૨૫ના રોજ રાત્રિના બે વાગ્યાના અરસામાં કાલાવડ રોડ ઉપર આવેલા ક્રિસ્ટલ મોલ પાસે રોડ અકસ્માતમાં ૨૦ વર્ષીય અભિષેક નાથાણી નામના વિદ્યાર્થીનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે બનાવ સંદર્ભે રાજકોટ શહેર પોલીસ દ્વારા ધ્રુવી કોટેચાનું મૃત્યુ નીપજાવનારી કૃતિકા શેઠ નામની મહિલા કારચાલકની અટકાયત કરવામાં આવી છે. તેમજ રાજકોટ શહેરના તાલુકા પોલીસ દ્વારા અભિષેક નાથાણીનું મૃત્યુ નીપજાવનાર આત્મન પટેલ નામના યુવકની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે બંને ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવ્યા છે. મ્સ્ઉ કાર ચાલક દ્વારા ટુ વ્હીલર ચાલક અભિષેકને અડફેટે લેવામાં આવતા અભિષેક ટુ વ્હીલર સાથે અંદાજીત ૫૦ ફૂટ દૂર ફંગોળાયો હોવાનું સામે આવ્યું છે.
રાજકોટના મોરબી હાઇવે ઉપર આવેલી મારવાડી કોલેજમાં બીટેક એન્જિનિયરિંગમાં અભ્યાસ કરનારા ૨૦ વર્ષીય અભિષેક નાથાણી પોતાનું એક્સેસ મોટરસાયકલ લઈને રાત્રિના બે વાગ્યે આસપાસ ક્રિસ્ટલ મોલ પાસે રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન BMW કાર ચાલક દ્વારા તેને તેના મોટરસાયકલ સાથે અડફેટે લેવામાં આવ્યો હતો. જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચી હતી. તેમજ ૧૦૮ ઇમર્જન્સી સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ દ્વારા તેને મરણ ગયેલ જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ ત્યારબાદ તાત્કાલિક અસરથી સ્થળ પર પહોંચેલી રાજકોટ તાલુકા પોલીસ દ્વારા BMW કારચાલક આત્મન પટેલની અટકાયત કરી લેવામાં આવી હતી. તેમજ તેને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો. સમગ્ર મામલે અભિષેકના મોટાભાઈ કેવલ નાથાણી દ્વારા કારચાલક વિરુદ્ધ બીએનએસની કલમ ૧૦૬(૧), ૨૮૧ તેમજ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. જે સંદર્ભે ૨૫ વર્ષીય આત્મન પટેલની રાજકોટ શહેરના તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
ડીસીપી ઝોન ૨ રાકેશ દેસાઈ દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું છે કે, બનાવ સંદર્ભે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવ્યા છે. તેમજ બનાવ સંદર્ભે આરટીઓ તેમજ એફએસએલના અધિકારીઓની પણ મદદ લેવામાં આવશે. સીસીટીવી ફૂટેજ જાેતા પ્રાથમિક દ્રષ્ટિએ કાર ઓવર સ્પીડમાં હોવાનું જણાઈ આવી રહ્યું છે. એફએસએલના રિપોર્ટમાં વધુ કોઈ બાબત સામે આવશે તો બનાવ સંદર્ભે અન્ય ગંભીર કલમોનો પણ ઉમેરો કરવામાં આવશે. પ્રાથમિક દૃષ્ટિએ કેસ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ન હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં પોલીસ દ્વારા આત્મન પટેલનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું છે.
તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી. એમ. હરીપરા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, ૨૫ વર્ષીય આત્મન પટેલ તેના પિતાના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. આત્મન પટેલના પિતા રાજકોટના શાપર વેરાવળ ખાતે કારખાનું ચલાવતા હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આત્મનનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ તપાસવામાં આવ્યું છે.




