
આજે વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટ અંગે વાત કરતાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આજે ગુજરાત વિધાનસભામાં ગુજરાત સરકારના મંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કર્યું છે. પ્રાથમિક તબક્કે અમને ઘણી અપેક્ષાઓ હતી. ગુજરાતના ખેડૂતોને, બેરોજગારોને, તમામ વર્ગના લોકો અને કર્મચારીઓને આશા હતી કે આ બજેટ સર્વસમાવેશક અને સુખાકારી લાવનારું હશે. પરંતુ આજનું બજેટ ચૂંટણી લક્ષી,દિશાહીન અને નિરાશાજનક હોવાનું અમને લાગે છે. તેમણે જણાવ્યું કે આદિજાતિ વિકાસ વિભાગ માટે આ વર્ષે ₹5,425 કરોડની જોગવાઈ જાહેર કરવામાં આવી છે. મોટી જાહેરાતો થાય છે અને વખાણ થાય છે, પરંતુ ગયા વર્ષના આંકડાઓ જોવામાં આવે તો 2024-25માં ₹4,373 કરોડની જોગવાઈ સામે માત્ર ₹3,373 કરોડ જ ખર્ચાયા હતા. તેમજ 2025-26 માટે ₹5,120 કરોડની જોગવાઈ સામે માત્ર ₹2,410 કરોડ ખર્ચાયા હતા. આથી સ્પષ્ટ થાય છે કે બજેટના આંકડા મોટા બતાવવામાં આવે છે, પરંતુ આદિવાસીઓના વિકાસ માટે પૂરતા પ્રમાણમાં ઉપયોગ થતો નથી અને રકમ અન્ય ક્ષેત્રોમાં ફેરવવામાં આવે છે.
AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે પણ પૂરતા પ્રાવધાનો કરવામાં આવ્યા નથી. શાળાઓમાં ઓરડાઓની અછત છે, શિક્ષકોની ભરતી અંગે સ્પષ્ટતા નથી. આરોગ્ય ક્ષેત્રમાં ₹25,403 કરોડની જોગવાઈ હોવા છતાં આદિવાસી વિસ્તારોમાં સિટી સ્કેન, એક્સ-રે, સોનોગ્રાફી જેવી સુવિધાઓ અને જરૂરી સ્ટાફ ઉપલબ્ધ નથી. આદિવાસી વિસ્તારોમાં એક લાખથી વધુ બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે. મહિલા અને બાળ વિકાસ વિભાગમાં ₹7,690 કરોડની જોગવાઈ હોવા છતાં કુપોષણ દૂર કરવા માટે સ્પષ્ટ આયોજન નથી. પૂરક પોષણ યોજના માટે ₹972 કરોડની જોગવાઈનો ઉલ્લેખ થયો છે. ગુજરાત પેટન યોજના માટે ગયા વર્ષે ₹1,000 કરોડથી વધુની જોગવાઈ હતી, જે હાલના નાણાકીય વર્ષમાં ઘટાડીને ₹200 કરોડ કરવામાં આવી છે. નર્મદા યોજનાનું પાણી નર્મદા જિલ્લામાં હજી સુધી પૂરતું પહોંચ્યું નથી અને સ્થળાંતરિતોના પુનર્વસન તથા વળતર અંગે પણ કોઈ સ્પષ્ટ પ્રાવધાન કરવામાં આવ્યું નથી.
ઊર્જા વિભાગમાં ₹4,842 કરોડની જોગવાઈ હોવા છતાં ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવા અંગે અથવા પંજાબની જેમ મફત વીજળી આપવાના પ્રાવધાન અંગે કોઈ જાહેરાત નથી. ઘરગથ્થુ વપરાશ માટે 300 યુનિટ મફત વીજળી અંગે પણ કોઈ ઉલ્લેખ નથી. વડા પ્રધાન 15 નવેમ્બરે ડેડિયાપાડા ખાતે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા. તે પ્રસંગે વડાપ્રધાને જાહેરાત કરી હતી કે આવનારા પાંચ વર્ષમાં આદિજાતિ સમાજ માટે ₹2 લાખ કરોડનું પ્રાવધાન કરવામાં આવશે. જાહેરાત તો કરવામાં આવી, પરંતુ હાલના બજેટમાં આદિજાતિ વિકાસ વિભાગને માત્ર ₹5,425 કરોડની જ જોગવાઈ આપવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો કે વિવિધ યોજનાઓમાં એનજીઓ, કોન્ટ્રાક્ટરો અને કેટલાક અધિકારીઓ લોકોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવાને બદલે ગ્રાન્ટના વહેંચાણમાં ગેરવ્યવહાર કરે છે. આવાસ યોજનામાં શહેરી વિસ્તારમાં જેમ ₹3.50 લાખની સહાય આપવામાં આવે છે, તેવી જ સહાય ગ્રામ્ય વિસ્તારોમાં પણ મળશે તેવી અપેક્ષા હતી, પરંતુ તે અંગે કોઈ પ્રાવધાન કરવામાં આવ્યું નથી.
આદિજાતિ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે અન્ય સ્થળે જવા પરિવહનની સુવિધા ઉપલબ્ધ નથી. તે સુવિધા ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને એક્ટિવા આપવામાં આવશે એવી અપેક્ષા હતી, પરંતુ તે અંગે પણ કોઈ જોગવાઈ નથી. શિક્ષિત બેરોજગારોને બેરોજગારી ભથ્થું આપવામાં આવશે તેવી અપેક્ષા હતી, પરંતુ તેનો પણ કોઈ ઉલ્લેખ નથી. ખેડૂતોને પાક નુકસાનના વળતરો આપવામાં આવ્યા છે, તે જ પ્રમાણે ભાગે ખેતી કરતા શ્રમિકોને પણ વળતર આપવામાં આવશે એવી અપેક્ષા હતી, પરંતુ તે અંગે પણ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ, માર્ગ-મકાન, શહેરી વિકાસ, ગ્રામ પંચાયત નિર્માણ, મનરેગા, પાણી પુરવઠા અને નર્મદા વિભાગ જેવી વિવિધ યોજનાઓમાં અધિકારીઓ, એનજીઓ અને કોન્ટ્રાક્ટરોને લાભ થાય તે રીતે બજેટ રચાયું છે, પરંતુ સામાન્ય નાગરિકને સીધો લાભ મળે તેવું સ્પષ્ટ દેખાતું નથી. આજના સત્રમાં તારાંકિત પ્રશ્નોમાં 11 નંબરના પ્રશ્ન તરીકે આદિજાતિ વિભાગ માટે કેટલી નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે તે પૂછવામાં આવ્યું હતું. સરકાર જોગવાઈ દર્શાવે છે, પરંતુ ગ્રાન્ટનો પૂરતો ઉપયોગ થતો નથી અને જોગવાઈ બાદ 25 ટકા જેટલી ગ્રાન્ટ કાપી નાખવામાં આવે છે. સરકાર એક બાજુ વિકાસ મહોત્સવ, અમૃત મહોત્સવ અને ગૌરવ યાત્રાઓનું આયોજન કરે છે, પરંતુ આદિવાસીઓની વસ્તી પ્રમાણે યોગ્ય હિસ્સો બજેટમાં દેખાતો નથી. ગુજરાતમાં એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટી વર્ગ મળીને આશરે 85 ટકા વસ્તી ધરાવે છે, છતાં તેમને અનુરૂપ વિશેષ ફાળવણી જોવા મળતી નથી. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મુદ્દે ગયા વર્ષે લાંબી લડત બાદ ₹755 કરોડની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ મેનેજમેન્ટ કોટા અને વેકન્ટ કોટામાં અભ્યાસ કરતા લગભગ 50 ટકા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિમાં સામેલ નહીં કરવામાં આવે તેવી માહિતી આપવામાં આવી છે. જેના કારણે અંદાજે 60 હજારથી વધુ વિદ્યાર્થીઓને અસર થવાની શક્યતા છે.




