
મુસાફરોનો આબાદ બચાવ.અમદાવાદમાં SG હાઈવે પર ટ્રાફિક વચ્ચે AMTS બસ અચાનક સળગી.પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.અમદાવાદમાં આજે સવારે AMTS બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સોલા સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં આજે સવારે AMTS બસમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભીષણ આગને પગલે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જાેવા મળ્યા હતા, જેને કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.મળતી માહિતી મુજબ, જ્યારે બસ સોલા સિવિલ રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એન્જિનના ભાગમાંથી ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું. આગ લાગી હોવાનું માલૂમ પડતા જ બસના ડ્રાઈવર અને કંડક્ટરે સમયસૂચકતા દાખવી હતી.
તેમણે તુરંત જ બસ ઊભી રાખી દીધી હતી અને બસમાં સવાર તમામ મુસાફરોને તાત્કાલિક સુરક્ષિત રીતે નીચે ઉતારી દીધા હતા. ડ્રાઈવર અને કંડક્ટરની આ સતર્કતાને કારણે બસમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો છે અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી.આગ લાગવાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર ફાઈટરોની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.




