
૨૧ દિવસ માટે ફરી જેલથી બહાર આવ્યો ડેરા પ્રમુખ રામ રહીમને ૫ વર્ષમાં ૧૭મી વખત પેરોલ આ પહેલાં પણ ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમને મે, ૨૦૨૬માં ૨૩ દિવસના પેરોલ આપવામાં આવ્યા હતા યૌન શોષણના કેસમાં ૨૦ વર્ષની જેલની સજા કાપી રહેલા ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમના વધુ એક વખત પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે. રામ રહીમને ૨૧ દિવસના પેરોલ આપવામાં આવ્યા છે. હાલમાં રોહતકની સુનારિયા જેલમાં બંધ રામ રહીમ જેલમાંથી મુક્ત થયા બાદ રોહતકથી સીધો સિરસાના ડેરા આશ્રમ ખાતે પહોંચશે. આ પહેલાં પણ ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમને મે, ૨૦૨૬માં ૨૩ દિવસના પેરોલ આપવામાં આવ્યા હતા.
સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે ૨૫ ઓગસ્ટ, ૨૦૧૭ના રોજ ગુરમીત રામ રહીમને બે સાધ્વીઓ સાથેના દુષ્કર્મના કેસમાં દોષિત ઠેરવ્યો હતો.
ત્યાર બાદ ૨૮ ઓગસ્ટ, ૨૦૧૭ના રોજ અદાલતે બંને કેસોમાં રામ રહીમને ૧૦-૧૦ વર્ષ એટલે કે કુલ ૨૦ વર્ષની જેલની સજા સંભળાવી હતી. નોંધનીય છે કે, રામ રહીમને ડેરાના એક પૂર્વ પ્રબંધક અને એક પત્રકારની હત્યાના કેસમાં પણ દોષિત ઠેરવવામાં આવ્યો હતો, જાેકે બાદમાં હાઇકોર્ટે તેને બંને હત્યાના કેસોમાંથી નિર્દોષ છોડી મુક્યો હતો.
જેલના નિયમો અનુસાર, દોષિત વ્યક્તિ એક વર્ષમાં વધુમાં વધુ ૧૦ અઠવાડિયા સુધીના પેરોલનો લાભ મેળવી શકે છે. પેરોલ પર જેલની બહાર વિતાવેલો સમય સજાની મૂળ મુદતમાં ઉમેરવામાં આવે છે અને તેને જેલમાં વિતાવેલા સમય તરીકે ગણવામાં આવતો નથી. જાેકે, ૧૦ વર્ષથી વધુની સજા પામેલા દોષિતોને દર વર્ષે ત્રણ અઠવાડિયાના એવા પેરોલ પણ મળે છે, જેને જેલમાં વિતાવેલા સમય તરીકે ગણતરીમાં લેવામાં આવે છે.




