
સિંધુભવન રોડ બન્યું જાેખમી સ્ટંટનું હબ.રીલ્સ બનાવવા માટે યુવકે કાયદાના ધજાગરા ઉડાડ્યા.પોલીસ દ્વારા વીડિયોના આધારે બાઈક નંબર અને યુવકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.અમદાવાદના સિંધુભવન રોડ પર ટ્રાફિકના નિયમો અને સુરક્ષાને નેવે મૂકીને જાેખમી સ્ટંટ કરતો એક યુવક કેમેરામાં કેદ થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જાેઈ શકાય છે કે એક યુવક ફૂલ ઝડપે જતી મોટરસાયકલ પર સીટ પર ઊભો થઈને સંતુલન જાળવી રહ્યો છે. આ પ્રકારના જાેખમી સ્ટંટ માત્ર સ્ટંટબાજ માટે જ નહીં, પરંતુ રસ્તા પર પસાર થતા અન્ય વાહનચાલકો માટે પણ જીવલેણ સાબિત થઈ શકે છે. ખાસ કરીને રાત્રિના સમયે સિંધુભવન રોડ પર યુવાનોની ભારે ભીડ હોય છે, ત્યારે આ પ્રકારે જાહેર માર્ગો પર કરતબ કરીને યુવાનો પોતાની અને બીજાની જિંદગી સાથે રમત રમી રહ્યા છે.
અમદાવાદ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા વીડિયોના આધારે બાઈક નંબર અને યુવકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સિંધુભવન રોડ પર પોલીસનું સતત પેટ્રોલિંગ હોવા છતાં, સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ઘેલછામાં યુવાનો આવા કૃત્યો કરતા ખચકાતા નથી. હવે પોલીસ આવા ‘રીલ‘ પ્રેમી સ્ટંટબાજાે સામે કડક કાયદેસરની કાર્યવાહી કરીને દાખલો બેસાડશે તેવું મનાઈ રહ્યું છે.




