
વિસાવદર તાલુકાના કાલસારી ગામે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જનસંપર્ક બેઠકમાં હાજરી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે બે દિવસ પહેલા વિસાવદર નગરપાલિકામાં બહુ મોટો ડખો થયો હતો એના વિશે તમામ લોકો જાણે જ છે. કાલસારી ગામના વઘાસીયા સાહેબ જેઓ ખૂબ જ ઈમાનદાર અને વતન પ્રેમી છે. તેઓ રિટાયર થયા પછી પણ પોતાના વતનને અને પોતાના લોકોને કંઈ આપવા માટે ફરીથી નગરપાલિકામાં કામ કરી રહ્યા છે અને ઈમાનદારીપૂર્વક લોકોના કામ થાય એ રીતે તેઓ નિષ્ઠાપૂર્વક પોતાની સેવા આપી રહ્યા છે. બીજી બાજુ વિસાવદર નગરપાલિકામાં ભાજપના જે કોર્પોરેટરો છે એ લોકોએ અનેક જગ્યાએ લૂંટ ચલાવવાના રસ્તાઓ શોધી રાખ્યા છે. આ ભાજપના કટકી કરવાવાળા લોકોએ પેટ્રોલ ડીઝલથી લઈને રોડ રસ્તા, સાફ-સફાઈ, કચરા ઉઠાવવા સહિત તમામ જગ્યા પર પોતાના કોન્ટ્રાક્ટ સેટ કરી દીધા છે અને આ રીતે બેફામ રીતે નગરપાલિકામાં લૂંટ ચલાવી રહ્યા છે. પરંતુ વઘાસિયા સાહેબ આવા કટકીબાજોના બીલો પર સાઇન કરવા માંગતા નથી જેના કારણે આ બધા લોકોએ ભેગા થઈને ઘેરવા પહોંચી ગયા અને વઘાસીયા સાહેબે કોઈના બે પૈસા લીધા નથી એટલા માટે તેઓ કટકીબાજોના તાબે ના થયા.
વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા જણાવ્યું કે આ કાલસારી ગામના વઘાસીયા સાહેબ ચીફ ઓફિસર છે, તેઓએ પોલીસ સ્ટેશનમાં જઈને કામકાજમાં રુકાવટો ઉભી કરવા બદલ, ખોટા કાગળ ઉપર સાઈન કરવા દબાણ કરવા બદલ અને ધાક ધમકી આપવા બદલ ફરિયાદ દાખલ કરી. તો એક સરકારી માણસે ફરિયાદ દાખલ કરી તો એની સામે ભાજપના લોકોએ પણ ફરિયાદ દાખલ કરી કે વઘાસીયા સાહેબે એ લોકોને છરી બતાવી. તો પહેલો સવાલ એ થાય છે કે શું સરકારી માણસ છરી લઈને થોડો કોઈ નોકરી કરવા જાય? તો આ સમગ્ર ઘટના બાદ વિસાવદર પોલીસે જે કર્યું એ જોવા જેવું હતું. વઘાસીયા સાહેબે ફરિયાદ દાખલ કરી અને ચાર દિવસ થઈ ગયા અને ભાજપના લોકોએ જે દિવસે ફરિયાદ કરી એના બીજા દિવસે પોલીસે વઘાસિયા સાહેબને પોલીસ સ્ટેશન બોલાવ્યા અને એમની ધરપકડ કરી અને ત્યારબાદ જામીન લેવડાવ્યા. પરંતુ વઘાસિયા સાહેબે ભાજપના નેતાઓ પર જે ફરિયાદ દાખલ કરી હતી, તેના પર હજુ સુધી એક પણ કાર્યવાહી કરવામાં આવી નથી.
વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું કે જો કોઈ સરકારી કર્મચારી કોઈ સામાન્ય વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરે તો પોલીસ એના ભૂકા કાઢી નાખે. પરંતુ અહીંયા ઊંધું થયું, ભાજપના નેતાઓની ફરિયાદને ધ્યાને લઈને વઘાસીયા સાહેબની ધરપકડ કરી દેવામાં આવી. પરંતુ વઘાસીયા સાહેબે એક સરકારી કર્મચારી તરીકે ફરિયાદ દાખલ કરી હતી એનું કશું કરવામાં આવ્યું નહીં. હું પ્રજાને ફક્ત એટલી જ વાત કહેવા માગું છું કે આ સમગ્ર ઘટનામાં નુકસાન વઘાસિયા સાહેબનું કે મારું નથી પરંતુ નુકસાન વિસાવદરના લોકોનો છે. જો ભાજપના નેતાઓ ભેગા મળીને વિસાવદરમાં કોઈ સારા લોકોને ટકવા નહીં દે તો વિસાવદરના લોકો ક્યાં જશે? વિસાવદરના કામ કઈ રીતે થશે? કારણ કે ભાજપના નેતાઓ પાસે જશો તો એ તો બધા ગુંડાઓ અને તોડબાજો છે. આ લોકો જાણી જોઈને વિસાવદરમાં કોઈ સારા માણસને ટકવા દેવા માંગતા નથી તો હવે પ્રજાએ આ બધી પરિસ્થિતિ સમજવી પડશે અને વઘાસીયા સાહેબ તથા હરેશભાઈ સાવલિયા જેવા ઈમાનદાર લોકો પર જે ખોટા કેસ કરવામાં આવ્યા છે એના વિરુદ્ધમાં લોકોએ અવાજ ઉઠાવવો પડશે.
ત્યારબાદ વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા જણાવ્યું કે વિસાવદર-ભેસાણ વિધાનસભાના લોકોના આશીર્વાદથી આજે આખા ગુજરાતમાં અમારી નોંધ લેવાય છે અને હું ગામે ગામની સમસ્યાઓ પર ધ્યાન આપીને બનતા તમામ પ્રયત્નો કરી સમસ્યાનું સમાધાન લાવવાની કોશિશ કરું છું, જ્યારે બીજા ઘણા ધારાસભ્યો પોતાના ગામમાં સમસ્યાઓ પૂછવા પણ જતા નથી એટલે તેમને પોતાની વિધાનસભાની સમસ્યાઓની જાણકારી જ નથી હોતી. મેં જન સંપર્ક કેન્દ્ર બનાવ્યું છે જ્યાં બીજી વિધાનસભાના લોકો પણ પોતાની સમસ્યાઓ લઈને આવે છે. તમારા એક મતના કારણે સરકારે ગુજરાતના 54 લાખ ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાનું વળતર જાહેર કર્યું છે. હજુ રામરાજ આવ્યું નથી કારણ કે સત્તામાં રાવણ બેઠો છે અને અમારી સરકાર આવશે ત્યારે ખેડૂતને લૂંટનારા લોકોને જેલમાં નાખીશું, મારી વાત લોકો એટલા માટે સાંભળે છે કારણ કે બધાને ખબર છે કે મારી પાછળ આખું વિસાવદર મજબૂતીથી ઊભું છે અને લોકો જાગૃત થઈ જશે એ વાતનો ડર ગાંધીનગરમાં બેઠેલા લોકોને છે, તેમજ વિસાવદર-ભેસાણ સહિત સમગ્ર જૂનાગઢની અનેક સમસ્યાઓ મુદ્દે આવનાર વિધાનસભા સત્રમાં રજૂઆત કરવાની તૈયારી મેં કરી રાખી છે.




