Gujarat ATS : ગુજરાત ATSએ મહારાષ્ટ્રના ભિવંડીમાં નદી નાકા ખાતેના એક ફ્લેટ પર દરોડો પાડીને બેરલમાં ભરેલ 10.9 કિલો સેમી-લિક્વિડ મેફેડ્રોન (MD) અને 782.2 કિલો લિક્વિડ મેફેડ્રોન (MD) જપ્ત કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 800 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ ડ્રગ્સ બનાવવા માટે રાખવામાં આવેલ ગ્રાઇન્ડર, મોટર, ગ્લાસ ફ્લાસ્ક અને હીટર પણ જપ્ત કરવામાં આવ્યા છે અને બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
મુંબઈના ડોંગરીના રહેવાસી મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મેફેડ્રોનનું ગેરકાયદે ઉત્પાદન કરવા માટે બંને આરોપીઓએ છેલ્લા 9 મહિનાથી મહારાષ્ટ્રના ભિવંડીમાં એક ફ્લેટમાં ભાડે મકાન લીધું હતું. મેફેડ્રોન (MD) બનાવવા માટે કાચો માલ અને અન્ય વસ્તુઓ એકત્ર કરીને રાસાયણિક પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે આરોપી મોહમ્મદ યુનુસ દુબઈથી સોના અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની દાણચોરીમાં પણ સામેલ હતો. તે દુબઈ ગયો ત્યારે દુબઈમાં તેની મુલાકાત એક વ્યક્તિ સાથે થઈ. મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલે આ અજાણી વ્યક્તિ સાથે મળીને ગેરકાયદેસર રીતે મેફેડ્રોન (MD)નું ઉત્પાદન કરીને તેનું વેચાણ કરીને આર્થિક લાભ મેળવવાનું આયોજન કર્યું હતું.
આરોપીઓ દુબઈના વ્યક્તિ વિશે માહિતી આપતા નથી
મેફેડ્રોનના સેમ્પલ પણ ઘણી વખત ફેલ થયા હતા. બંને આરોપીઓ પૂછપરછ દરમિયાન દુબઈના વ્યક્તિ વિશે કોઈ માહિતી આપતા નથી, જેની તપાસ ચાલી રહી છે. બંનેને સહકાર આપનાર સાદિક નામની અન્ય વ્યક્તિની ભૂમિકા પણ સામે આવી છે, કોની કોની તે અંગે તપાસ ચાલી રહી છે. 18 જુલાઈના રોજ ગુજરાત ATSએ સુરતના પલસાણાના કારેલી ગામમાંથી મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડી હતી.
પહેલા સુનીલ યાદવની ધરપકડ કરવામાં આવી હતી
આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી જ્યારે આરોપી સુનીલ યાદવની પૂછપરછ કરવામાં આવી ત્યારે મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલના નામ પણ સામે આવ્યા હતા. આ બંને આરોપીઓની તપાસ દરમિયાન મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલ મહારાષ્ટ્રના ભિવંડીમાં ડ્રગ્સ બનાવતા અને સપ્લાય કરતા હોવાની માહિતી મળી હતી, જેના પછી ગુજરાત ATSએ એક ટીમ મોકલીને દરોડો પાડીને 800 કરોડના ડ્રગ્સ સાથે બંનેની ધરપકડ કરી હતી.