
ભાવ વધ્યાં પણ પુરવઠો નથી.સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે ‘No Petrol’ ના પાટીયાં.વરાછા, કતારગામ, ગોથાણ અને વેલંજા સહિતના વિસ્તારોમાં ઘણા પેટ્રોલ પંપ પર “પેટ્રોલ નથી” તેવા બોર્ડ લગાવવામાં આવ્યા.ગુજરાતમાં મહિસાગર અને ભરુચ જિલ્લા બાદ હવે દક્ષિણ ગુજરાતના મુખ્ય મથક એવા સુરત શહેરમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ આજે ૧૫મી મેના સવારથી જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. તો બીજી તરફ સુરત શહેરના કેટલાય પેટ્રોલ પંપો ઉપર નો સ્ટોકના પાટીયા લટકાવી દેવામાં આવ્યા છે. પેટ્રોલ અને ડીઝલના પુરવઠાની અછત સર્જાતા અનેક વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપ ઉપર વેચાણ બંધ કરવાની ફરજ પડી છે. સુરત શહેરના ખાસ કરીને વરાછા, કતારગામ, ગોથાણ અને વેલંજા સહિતના વિસ્તારોમાં ઘણા પેટ્રોલ પંપ પર “પેટ્રોલ નથી” અને “ડીઝલ નથી” જેવા બોર્ડ લગાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
સામે આવી માહિતી મુજબ, પેટ્રોલ અને ડીઝલનો નવો સ્ટોક સમયસર ના પહોંચતા પેટ્રોલ પંપ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જેના કારણે ઘણા પંપ પર સામાન્ય પેટ્રોલ અને ડીઝલનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરી દેવાયું છે. કેટલીક જગ્યાએ માત્ર પ્રીમિયમ પેટ્રોલનું જ વેચાણ કરવામાં આવી રહ્યું છે. કારણ કે સાદા પેટ્રોલનો પુરવઠો પહોચ્યો નથી.
સુરત શહેરમાં ખાસ કરીને કતારગામ વિસ્તારમાં આવેલા કેટલાક પેટ્રોલ પંપ પર ઇંધણ ઉપલબ્ધ ના હોવાના બોર્ડ લગાવવામાં આવતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો તેમના વાહનમાં ઈંધણ પુરાવવા માટે એક પંપ પરથી બીજા પંપ સુધી ભટકી રહ્યા છે, છતાં પૂરતું ઇંધણ ન મળતાં મુશ્કેલી વધી છે.
સુરત શહેરમાં અચાનક ઉભી થયેલી આ સ્થિતિને કારણે રોજિંદા વાહન વ્યવહાર પર પણ અસર જાેવા મળી રહી છે. ઓફિસ જતા લોકો, ડિલિવરી બોય્સ અને રોજિંદા મુસાફરી કરતા નાગરિકોને ખાસ મુશ્કેલી પડી રહી છે.



