
(નીડર , નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
દેશની સર્વોચ્ચ અદાલતે અગાઉ ગરબા કાર્યક્રમ પર હુમલો કરવાના આરોપસર અટકાયત કરાયેલા મુસ્લિમ પુરુષોને માર મારનારા ગુજરાત પોલીસના ખેડા જિલ્લાના જવાનોને પણ સવાલ કર્યો હતો અને પૂછ્યું હતું કે, લોકોને થાંભલા સાથે બાંધીને માર મારવાની સત્તા તેમને કાયદા હેઠળ ક્યાંથી મળી? જ્યારે જાહેરમાં ફેરવવામાં આવેલા યુવાનો સામેના આરોપો કોર્ટમાં સાબિત થયા નથી. ગુજરાતમાં અગાઉ પણ આરોપીઓને દોરડાથી બાંધીને જાહેરમાં ફેરવવાની પ્રથા ન્યાયિક તપાસના દાયરામાં આવી ચૂકી છે. ગુજરાત
હાઇકોર્ટે અગાઉ એક અવમાનના અરજીની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને નોટિસ પાઠવી હતી. આ અરજીમાં આરોપ હતો કે પોલીસ કર્મીઓએ ખેડૂતો પર હુમલો કર્યો, તેમને દોરડાથી બાંધ્યા અને જાહેરમાં ફેરવ્યા, જે કસ્ટોડિયલ ટોર્ચર (પોલીસ કસ્ટડીમાં થતા અત્યાચાર) વિરૂધ્ધ સુપ્રિમ કોર્ટની માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે સુરતમાં પણ IPS કક્ષાના અધિકારીએ આજ રીતે આરોપીઓને દોરડા બાંધીને જાહેરમાં ફટકાબાજી કરી હોવાના અખબારી અહેવાલો નો પડઘો હજી શમ્યો નથી. ત્યાં તાપી જિલ્લાના સોનગઢ શહેરમાં નવરાત્રિ સંબંધિત ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈને મુસ્લિમોની દુભાયેલી લાગણી ને લઈને શરૂ થયેલો વિવાદ હવે પોલીસની કામગીરીને લઈને એક મોટા વિવાદમાં ફેરવાઈ ગયો છે. કારણ કે પોસ્ટ મુકનાર બકુલ દયારામ ચૌધરી ના પુત્રએ મુકેલી આ પોસ્ટથી મુસ્લિમોની લાગણીને ઠેસ પહોંચતા સર્જાયેલા વિવાદમાં સોનગઢ પોલીસે નવ મુસ્લિમ યુવાનોને દોરડાથી બાંધીને સરઘસ કાઢતા મામલાએ પોલીસ પર સવાલો ઉભા કર્યા છે જ્યારે પોસ્ટ મુકનાર ચૌધરી યુવક પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આમ પોલીસની આંખે ઊડીને વળગે એવી જાણેકે એક તરફી કામગીરી હોય એવું પહેલી નજરે દેખાય આવે છે.




