
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ગુજરાત સરકારશ્રીના નાણાં વિભાગ સચિવાલય,ગાંધીનગરના ઠરાવ ક્રમાંક. ખરચ-૧૦૨૦૧૦-૧૧૮-ઝ.૧, તા.૧૪/૦૮/૨૦૧૪ અને સામાન્ય વહીવટી વિભાગ ના તા.૦૧/૦૪/૨૦૧૦ ના ઠરાવ અંગે ના ઠરાવોથી અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિઓની ભરતી ઉપર રોક લાગેલ હોય જેથી ઉપરોક્ત બંને ઠરાવો રદ કરાવાની ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસ રજીસ્ટર ટ્રેડ યુનિયનના પ્રદેશ પ્રમુખ ભાઈલાલ બી. વૈષ્ણવ, ઉપપ્રમુખ છગનલાલ ડી. મેવાડા, મહામંત્રી સૈયદભાઇ શેખ,મહામંત્રી કાંતિભાઇ સોલંકી,સુરત શહેર શાખા ના કાર્યકારી પ્રમુખ હસમુખભાઇ પટેલ વિગેરેએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને લેખિત રજૂઆત કરી સામાન્ય વહીવટ વિભાગના તા.૦૧/૦૪/૨૦૧૦ ના ઠરાવની જોગવાઈ અનુસાર ડ્રાઈવર તેમજ વર્ગ-૪ ની પટાવાળા, પટાવાળા -કર્મ-ડ્રાયવર, પ્યુન કમ એટેન્ડન્ટ, માળી, ધોબી, ચોકીદાર, પ્યુન કમ ચોકીદાર, સ્વીપર, લીફ્ટમેન, લીફટ એટેન્ડન્ટ, સફાઈ કામદાર, વોર્ડબોય, ડ્રેસર, આયા, કલીનર, ઓપરેશન થીયેટર એટેન્ડન્ટ, સ્ટ્રેચર બેરર, વોટરબેરર, હેલ્પર, મુકાદમ, રસોઈયા, મદદનીશ રસોઈયા, હમાલ, નાયક, હવાલદાર જેવી જગ્યાઓ ભરવા ઉપર રોક લગાવી આવી જગ્યાઓ આઉટ સોર્સિસથી ભરવાની જોગવાઈ કરવામાં આવેલ છે.અને આમ કરી ગુજરાત રાજ્યમાં વર્ગ-૪ની જગ્યાઓ ની ભરતી કરવા ઉપર પ્રતિબંધ મૂકેલો છે. જેના કારણે રાજય સરકારમાં ઉપરોક્ત કેડરની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. જેના કારણે આ જગ્યાની નોકરી માટે અપેક્ષા રાખતા અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના યુવાનોમાં બેરોજગારીનું પ્રમાણ વધી રહેલ છે. કારણકે મોટા ભાગે આ જગ્યાઓમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિઓ ના જ યુવાનો કામગીરી કરતા હોય છે. રાજય સરકારમાં લાખોની સંખ્યામાં આવી જગ્યાઓ ખાલી છે. જેથી રાજયમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના યુવાનોમાં બેરોજગારીનું પ્રમાણ વધતું જ જાય છે. આ સંજોગોમાં ઉપરોક્ત બંને ઠરાવો રદ કરવા ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસે માંગણી કરેલ છે. ગુજરાત રાજયના અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ ના ધારાસભ્યો અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ ની બેઠકો ઉપર ચૂંટાયા પછી જે સમાજની બેઠકો ઉપર ધારાસભ્યો બને છે તે સમાજના યુવાન- યુવતીઓના બેરોજગારી માટે કોઈ કામગીરી કરતાં નથી. ગુજરાત રાજય સરકારમાં વર્ગ-૪ ની મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી છે અને આ જગ્યાઓની ભરતી ઉપર વર્ષ ૨૦૧૦ થી બાન મૂકવામાં આવેલ છે તેમ છતાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના વર્ષોથી ચૂંટાતા ધારાસભ્યો કુંભકર્ણની નિન્દ્રામાં સૂઈ રહ્યા છે. જેથી આ યુનિયન ધ્વારા માનનીય વડાપ્રધાન સાહેબનું ધ્યાન દોરવામાં આવેલ છે.




