
જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ૩ ગુણ સુધીનું ગ્રેસિંગ મળશે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ૩ ગુણ, અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને ૨ ગુણ મળશે રાજ્યમાં ૪ એપ્રિલના રોજ લેવામાં આવેલી મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષાની ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ૩ ગુણ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને ૨ ગુણ ગ્રેસ તરીકે આપવાનો ર્નિણય કરાયો છે. આ ઉપરાંત, ગુજરાતીમાં ૩ પ્રશ્ન અને અંગ્રેજીમાં ૨ પ્રશ્નમાં એક કરતા વધુ વિકલ્પ સાચા હોવાનું જણાતા જે પણ સાચો વિકલ્પ લખ્યો હશે તેના ગુણ આપવામાં આવશે.
આ પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી ૬.૨૮ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી પરીક્ષા વખતે ૫.૧૧ લાખ વિદ્યાર્થી હાજર રહ્યા હતા. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ૪ એપ્રિલના રોજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા લેવામાં આવી હતી. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત આ પરીક્ષા રાજ્યના તમામ જિલ્લામાં યોજવામાં આવી હતી. આ પરીક્ષા દ્વારા રાજ્યના તેજસ્વી અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ધો.૯થી ૧૨ સુધીના અભ્યાસ માટે આર્થિક સહાય આપવામાં આવે છે. દર વર્ષે ૨૫૦૦૦ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના આધારે પસંદ કરી તેમને સ્કોલરશીપ આપવામાં આવે છે.વર્ષ ૨૦૨૬-૨૭ માટે યોજાયેલી આ પરીક્ષામાં કુલ ૬૨૮૪૦૭ વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી હતી. રાજ્યના જિલ્લા મથકો પર યોજવામાં આવેલી આ પરીક્ષા માટે રાજ્યમાં કુલ ૨૭૦૨ ક્લસ્ટર લેવલના સીસીટીવી સુવિધાસભર કેન્દ્રોના કુલ ૨૪૪૧૦ બ્લોકમાં ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં લેવામાં આવી હતી. દરમિયાન, સમગ્ર રાજ્યમાંથી આ પરીક્ષા માટે નોંધાયેલા વિદ્યાર્થીઓ પૈકી ૫૧૧૫૧૮ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને ૧૧૬૮૮૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આમ, એકંદેર ૮૧.૪૦ ટકા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. પરીક્ષા લેવામાં આવ્યા બાદ સૌપ્રથમ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી અને તેની સામે વાંધા હોય તો રજૂઆત કરવા માટેની તક આપવામાં આવી હતી. આ તક અપાયા બાદ જે રજૂઆતો મળી હતી તે નિષ્ણાંતો પાસે ચેક કરાવી ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાતી માધ્યમની આન્સર કીમાં ૩ પ્રશ્નોમાં ભૂલ હોવાના લીધે ગ્રેસ આપવાનો ર્નિણય કરાયો છે. જ્યારે ૩ પ્રશ્નોમાં એક કરતા વધુ વિકલ્પ સાચા હોવાનું જણાયું છે. જ્યારે અંગ્રેજી માધ્યમમાં ૨ પ્રશ્નોમાં ભૂલ હોવાનું જણાતા ગ્રેસ આપવાનું નક્કી કરાયું છે અને ૨ પ્રશ્નોમાં એક કરતા વધુ વિકલ્પ સાચા છે. જેથી ગમે તે સાચો વિકલ્પ લખ્યો હશે ગુણ આપવામાં આવશે.



