
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે જે રીતે ગુજરાતના લોકોએ બે લોકોને દિલ્હી મોકલ્યા અને લોકોને હતું કે આ 2 લોકો આપણા ગુજરાતનું અને ગુજરાતના લોકોનું ભલું કરશે, પરંતુ એ લોકોએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ગુજરાતના ખેડૂતો, યુવાનો, મહિલાઓ સહિત તમામ લોકો સાથે અન્યાય કરવાનું કામ કર્યું. એવા લોકોએ જ પોતાના પાવરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ફસાવવા માટે ષડયંત્ર કરવામાં આવ્યું અને ચૈતરભાઈને ખોટી રીતે સજા કરાવીને તેમની સાથે સાથે તેમના પત્ની અને બીજા લોકોને પણ જેલમાં મોકલવામાં આવ્યા. અને આજે સારા સમાચાર એવા આવ્યા છે કે નામદાર હાઇકોર્ટે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના ધર્મ પત્ની અને તેમની સાથે અન્ય ખેડૂતોને જામીનમુક્ત કર્યા છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે, હવે ચૈતરભાઇના પત્નીના જામીન મંજૂર થયા છે તો આશા રાખીએ છીએ કે ચૈતરભાઈના પણ ઝડપથી જામીન થઈ જશે. આમ આદમી પાર્ટીને જરૂર પડી તો આ મુદ્દે સુપ્રીમ કોર્ટ સુધી પણ જશે. આમ આદમી પાર્ટી પહેલા દિવસથી જ કહેતી આવી છે કે ભાજપના લોકો ન્યાયપાલિકા ન્યાયતંત્ર અને પોલીસનો દુરુપયોગ કરે છે, એની સામે આમ આદમી પાર્ટીનો નેતા કે આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા ડરવાનો નથી, આ વાત ભાજપના લોકો યાદ રાખે. હજી પણ જ્યાં સુધી આ દેશમાં લોકશાહી અને ન્યાયતંત્ર જીવે છે, ત્યાં સુધી અમે સત્યના માર્ગ પર ચાલતા રહીશું અને લડતા રહીશું. અમે અન્યાય અને અત્યાચારથી ડરવાવાળા લોકો નથી. અમે આ દેશના લોકો અને દેશના હિત માટે લડતા રહીશું. અમે તમારા અન્યાય અને અત્યાચાર સહન કરી લઈશું પરંતુ અમે આ દેશ અને દેશના લોકતંત્રને ક્યારેય પણ મરવા દઈશું નહીં.




