
JG ઇન્ટરનેશનલ સ્કૂલમાં 79મો સ્વતંત્રતા દિવસ દેશભક્તિ અને ગૌરવ સાથે ઉજવાયો અમદાવાદ, 15 ઓગસ્ટ, 2025
JG ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ભારતનો 79મો સ્વતંત્રતા દિવસ વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, ટ્રસ્ટીઓ અને અગ્રણીઓની હાજરીમાં દેશભક્તિના ઉત્સાહ અને રાષ્ટ્રીય ગૌરવ સાથે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ જન ગણ મનના ગાન સાથે આખું મેદાન ગુંજી ઊઠ્યું હતું. આ અંતર્ગત આઝાદીથી આજ સુધી, ભારતને માર્ગદર્શન આપતાં સાહસ, નૈતિકતા અને બલિદાનના મૂલ્યોને યાદ કરવામાં આવ્યા. સ્કૂલ દ્વારા ઓપરેશન સિન્દૂર માટે ભારતીય સેનાના બહાદુર જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.
એશિયા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, એશિયાની મેનેજિંગ કમિટીના સભ્યો અને અન્ય વિશિષ્ટ અતિથિઓએ દેશના સમૃદ્ધ વારસાને વંદન કર્યા હતા. પ્રિન્સિપાલ ડૉ. કવિતા શર્માએ સૌનું અભિવાદન કરતાં વિવિધતામાં એકતા અને પ્રગતિશીલ ભારતના નિર્માણ માટે દરેક નાગરિકની જવાબદારી પર પ્રેરણાદાયી સંદેશ આપ્યો.
હેડ ગર્લ અને હેડ બોય દ્વારા રાષ્ટ્ર પ્રત્યેના ગર્વની ભાવનાને ઉજાગર કરતા હૃદયસ્પર્શી ભાષણ આપ્યાં અને પોતાના સાથી વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય મૂલ્યો જાળવવા માટે પ્રેરિત કર્યા. એસીટીના ચેરમેન ડૉ. એમ.પી. ચંદ્રન દ્વારા પણ એકતા, જવાબદારી અને મજબૂત ભારતના વિઝન પર વિચારપ્રેરક સંદેશ આપવામાં આવ્યો હતો.
સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભારતની વૈવિધ્યતા અને સ્થિરતાનું પ્રતિબિંબ જોવા મળ્યું. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થયેલા દેશભક્તિથી ભરપૂર નૃત્યો અને સંગીતમય કોયરે ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા. દરેક પ્રસ્તુતિ સ્કૂલના જવાબદાર અને સામાજિક રીતે જાગૃત નાગરિકો ઘડવાના સંકલ્પને વ્યક્ત કરતી હતી.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ, સ્ટાફ અને અતિથિઓએ સ્વતંત્રતા, એકતા અને પ્રગતિના આદર્શોને જાળવવાની પ્રતિબદ્ધતા સાથે કાર્યક્રમમાંથી વિદાય લીધી — દેશની રક્ષા માટે લડનાર અને સતત સેવામાં રહેનાર શૂરવીરોના વારસાને આગળ વધારવા માટે સંકલ્પબદ્ધ થયા.
