
સુઈગામના કોરેટીમાં કેનાલ તૂટતા ૪૦ વીઘાના પાક પર પાણી ફરી વળ્યા.ખેડૂતોએ શિયાળુ સીઝનમાં રાત-દિવસ એક કરીને ઘઉં, ચણા અને બાજરીનો પાક ઉછેર્યો હતા.બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાં આવતા સુઈગામ તાલુકાના કોરેટી ગામમાં નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. ગામની માઈનોર કેનાલમાં મોટું ગાબડું પડતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. અંદાજે ૪૦ વીઘાથી વધુ જમીનમાં લહેરાતો પાક અત્યારે તળાવમાં ફેરવાઈ ગયો છે.કોરેટી ગામની સીમમાં બે દિવસ પહેલા કેનાલ તૂટી હતી. ખેડૂતોએ શિયાળુ સીઝનમાં રાત-દિવસ એક કરીને ઘઉં, ચણા અને બાજરીનો પાક ઉછેર્યો હતો. માવઠાની આફતમાંથી માંડ બચેલા ખેડૂતો પર હવે આ માનવસર્જિત આફત ત્રાટકી છે. ખેડૂતોના આક્ષેપ મુજબ, બે દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી પાણી બંધ કરવામાં આવ્યું નથી, જેના કારણે તૈયાર પાક પાણીમાં સડી રહ્યો છે.
ખેડૂતોમાં તંત્ર સામે ભારે રોષ જાેવા મળી રહ્યો છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, કેનાલના કામમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે. અગાઉ અનેકવાર રજૂઆત કરવા છતાં જર્જરિત કેનાલનું સમારકામ કરવામાં આવ્યું નથી. એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે વારંવાર ગાબડા પડવાની ઘટનાઓ બને છે.
પોતાના નષ્ટ થયેલા પાકને જાેઈને ખેડૂતો લાચાર બની આંસુ સારી રહ્યા છે. દેવું કરીને પાક વાવનારા ધરતીપુત્રો હવે લાખોના દેવામાં ડૂબી ગયા છે. ગ્રામજનોની એક જ માંગ છે કે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવામાં આવે અને જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને સરકાર દ્વારા તાત્કાલિક યોગ્ય વળતર ચૂકવવામાં આવે. જાે ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ નહીં કરે તો આગામી સમયમાં ખેડૂતો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે.




