
આજે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભામાં પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મીડિયાના મિત્રોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, વિસાવદરમાં ભવ્ય લાઇબ્રેરીનું નિર્માણ થાય એવી માંગ મેં સરકાર સમક્ષ મૂકી છે, જેથી બાળકો ભણી ગણીને, વાંચન કરીને આગળ વધે અને ભેસાણમાં પણ એક પુસ્તકાલય ચાલુ થાય એવી માંગણી સરકાર સમક્ષ મૂકી છે. અમારા વિસાવદર-ભેસાણ અને જુનાગઢમાં હીરાના કારખાના ખૂબ જ આવ્યા છે પરંતુ તેના માલિકોને કોઈ સહાય મળતી નથી. તો મેં સરકાર સમક્ષ માંગ કરી છે કે આ તમામ લોકોને અલગ અલગ સબસીડી આપીને તેમને સપોર્ટ કરવામાં આવે કારણ કે તેઓ ગ્રામીણ વિસ્તારમાં રોજગારી આપી રહ્યા છે. સરકારી રત્ન કલાકારો માટે રત્નદીપ યોજના જાહેર કરી હતી, જેમાં તેઓ રત્ન કલાકારોના બાળકોની ફી ભરવાના હતા. પરંતુ સરકાર સ્વીકારવા તૈયાર નથી કે જુનાગઢ, અમરેલી, સુરતમાં વસતા હજારો રત્ન કલાકારોને રત્નદીપ યોજનાનો એક પૈસો પણ મળ્યો નથી. ઉપરથી ફોર્મ ભરવામાં રત્ન કલાકારોના 2000ના ખર્ચ થઈ ગયા. તો આજે મેં માંગ કરી છે કે જુનાગઢ, અમરેલી, સુરતના રત્ન કલાકારોને રત્નદીપ યોજનાનો લાભ મળે.
વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા જણાવ્યું હતું કે, સરકારે 1985ની આસપાસ જુનાગઢમાં જીઆઇડીસી બહાર પાડી અને વેપારીઓ વર્ષોથી ત્યાં પોતાનો વેપાર ધંધો કરે છે અને અત્યારે એક-દોઢ વર્ષ પહેલાં સરકારે જીઆઇડીસી ઉપર ઇકોઝોન જાહેર કર્યો. તો જે જગ્યા પર વેપારીઓ 30 વર્ષે વ્યાપાર ધંધો કરે છે એ જગ્યાને સરકારે જંગલ જાહેર કરી દીધી અને સરકારના આ નિર્ણયના કારણે વેપારીઓને સરકારી પ્રોસેસના લાભ મળવાના બંધ થઈ ગયા. જુનાગઢ જીઆઇડીસીના વેપારીઓની વાત કોઈ ભાજપના લોકો સાંભળવા તૈયાર નથી. આના પરથી દેખાઈ રહ્યું છે કે સરકારી તંત્રમાં લોલમલોલ ચાલી રહ્યું છે. તો આ મુદ્દે મેં સરકાર સમક્ષ રજૂઆત કરી. બીજો એક ગંભીર મુદ્દો એવો છે કે ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવી પોતે સુરતમાં રહે છે પરંતુ સુરતમાં વસતા ટેક્સટાઇલના વેપારીઓને સુરત છોડવું પડે છે. સુરતમાં થઈ રહેલા ટેક્સટાઇલના ઉદ્યોગો હવે મહારાષ્ટ્રમાં શિફ્ટ થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં સુરતના 1000 થી 1500 હજાર વેપારીઓએ સુરતમાં ફેક્ટરી બંધ કરીને મહારાષ્ટ્રના બોર્ડર પર આવેલ ગામમાં ફેક્ટરી લગાડી રહ્યા છે. આના પરથી ખ્યાલ આવે કે ઉદ્યોગો માટે પરિસ્થિતિ કેટલી હતી ખરાબ થઈ ગઈ છે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગોને સબસીડી આપવામાં આવતી નથી, એ બાબતે અમે આજે વિધાનસભામાં પ્રશ્ન રજૂ કર્યો હતો. તો આજે મેં જેટલા પણ પ્રશ્નો વિધાનસભામાં રજૂ કર્યા, સરકાર તેના પર ધ્યાન આપે એવી હું આશા રાખું છું.




