
ગાંધીનગરમાં મીડિયાને સંબોધન કરતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે રાજ્યના નાણામંત્રીએ વિનિયોગ વિધેયક રજૂ કર્યો, ગુજરાત સરકારના બજેટનું વિધેયક. એ વિધેયક ઉપર મેં મારો મુદ્દો રજૂ કરતાં ગુજરાતની સેવા, સુરક્ષા, સલામતી, કાયદો અને વ્યવસ્થાની બાબતો સંભાળતા આપણા ગુજરાતના હોમગાર્ડ અને જીઆરડીના જવાનો અંગે મેં સરકારનું ધ્યાન દોર્યું. આપણા રાજ્યમાં હોમગાર્ડ જવાનો પોલીસ સાથે ખભે ખભો મિલાવીને કામ કરે છે અને જીઆરડીના જવાનો પણ લગભગ પોલીસ જેટલું જ કામ કરે છે. કુદરતી આફતો, આંદોલનો, ધરણા, રેલીઓ, ઉલ્લંઘનો, અન્ય દુર્ઘટનાઓ અને તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં હોમગાર્ડ અને જીઆરડીના જવાનો કાયદો વ્યવસ્થા અને સલામતી સંભાળે છે. પરંતુ અત્યંત દુઃખ સાથે મેં વિધાનસભામાં સરકારનું ધ્યાન દોર્યું કે જે હોમગાર્ડ જવાનો ગુજરાતની સુરક્ષા સંભાળે છે, પોલીસ જેટલા કલાક કામ કરે છે, તેમને માત્ર 300-350 રૂપિયા રોજ આપવામાં આવે છે અને એ પણ પૂરાં 30 દિવસ માટે નહીં, જેટલા દિવસ કામ મળે એટલા દિવસનો જ પગાર મળે છે. જીઆરડીના જવાનોને તો માત્ર 200 રૂપિયા રોજ આપવામાં આવે છે. 200 રૂપિયા તો હવે ખેતી મજૂરીમાં પણ નથી મળતા. ખેતી મજૂરીમાં પણ 500-600 રૂપિયા રોજ મળે છે. સરકાર યુનિફોર્મ આપે છે, ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન, અશોક ચિહ્ન તેમની ટોપી અને બેલ્ટ પર લાગેલું હોય છે પણ તેમની ઇજ્જત શું? મેં રજૂઆત કરી કે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત જેવા શહેરોમાં હોમગાર્ડ જવાનો લગભગ બાર મહિના પોલીસ સાથે કામ કરે છે. ઘણા હોમગાર્ડ જવાનો પોલીસ વાન ચલાવે છે, ટ્રાફિક સંભાળે છે, દિવસ-રાત કામ કરે છે, ધુમાડો અને અવાજ વચ્ચે શારીરિક તકલીફો સહન કરે છે — છતાં તેમને યોગ્ય વેતન મળતું નથી. આથી મેં માંગ કરી કે હોમગાર્ડ અને જીઆરડીના જવાનોને પૂરું વેતન આપવામાં આવે.
ગોપાલ ઇટાલિયાએ વધુમા જણાવ્યું હતુ કે મેં એક બીજી રજૂઆત પણ કરી કે હોમગાર્ડના કમાન્ડન્ટોની નિમણૂક રાજકીય આધારે થાય છે. ખાસ કરીને ભાજપ સાથે જોડાયેલા લોકોને કમાન્ડન્ટ બનાવવામાં આવે છે. ત્યારબાદ હાજરી ભરાવવા, રજા આપવા અથવા વધુ દિવસ કામ આપવા માટે પૈસા માંગવામાં આવે છે. ઘણા સ્થળોએ કમાન્ડન્ટો દ્વારા હોમગાર્ડ અને જીઆરડીના જવાનોનું આર્થિક અને ક્યારેક શારીરિક શોષણ પણ થાય છે. તેથી મેં બે માંગણીઓ કરી એક, હોમગાર્ડ અને જીઆરડીના જવાનોને પૂરું વેતન આપવામાં આવે અને બે, કમાન્ડન્ટોની નિમણૂકમાં રાજકીય હસ્તક્ષેપ દૂર કરવામાં આવે. પરંતુ સરકારે વિધાનસભામાં જે જવાબ આપ્યો તે અત્યંત દુઃખદ હતો. સરકારે કહ્યું કે હોમગાર્ડ અને જીઆરડીના જવાનો નોકરી નથી કરતા, પરંતુ સ્વૈચ્છિક સેવા આપે છે. આ શબ્દ “સ્વેચ્છિક સેવા” પાંચ વખત બોલાયો. સરકારે પણ કહ્યું કે આ લોકો બીજી નોકરી કરતા હોય છે અને ખાલી સમય દરમિયાન હોમગાર્ડ તરીકે સેવા આપે છે. પરંતુ હકીકતમાં ઘણા હોમગાર્ડ જવાનો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે રિક્ષા ચલાવતા જોવા મળે છે. જો આ સ્વૈચ્છિક સેવા છે તો દેશ સેવા ફક્ત હોમગાર્ડ જ કેમ કરે? ધારાસભ્યો, સાંસદો અને મુખ્યમંત્રી પણ સ્વૈચ્છિક સેવા આપે. હોમગાર્ડને 200 રૂપિયા અને ધારાસભ્યોને સવા લાખ રૂપિયા ? આ કેવી સમાનતા?
ભારત સરકારે લઘુત્તમ વેતનના કાયદા પ્રમાણે એક દિવસના ઓછામાં ઓછા કેટલા રૂપિયા મળવા જોઈએ તેની ગણતરી માટે કેલ્ક્યુલેશન ચાર્ટ પણ બનાવ્યો છે. બસો રૂપિયામાં તો આજ-કાલ શું આવે છે? એક સારા સિનેમાની ટિકિટ પણ બસો રૂપિયામાં નથી આવતી. બસો રૂપિયામાં તો અહીં અમદાવાદથી વીસાવદર જઈ પણ શકાતું નથી. તો બસો રૂપિયા જેવી રકમ માટે તમે યુનિફોર્મ પહેરેલા માણસને અપમાનિત કરો, તેનું ગૌરવ હણાય, સ્વાભિમાન હણાય એ માણસ સન્માન સાથે જીવી શકે એવી સ્થિતિમાં નથી રહેતો, એવી લાચાર પરિસ્થિતિમાં તેને ન મૂકવો જોઈએ. પાછું એવું કહેવામાં આવે છે કે આ લોકો સમાજ સેવા કરે છે, દેશ સેવા કરે છે, સ્વૈચ્છિક સેવા આપે છે. જો સ્વૈચ્છિક સેવા હોમગાર્ડ આપે તો કેબિનેટ મંત્રીઓ પણ સ્વૈચ્છિક સેવા આપે. ભાજપના તમામ ધારાસભ્યો લખીને આપે કે અમને પગાર નથી જોઈએ, અમે દેશ સેવા કરીએ છીએ. તમારે આખો પગાર ખાઈ જવો છે અને હોમગાર્ડ પાસેથી દેશ સેવા કરાવવી છે?
ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યુ હતુ કે મેં આજે કહ્યું કે જો હોમગાર્ડ બસો રૂપિયામાં દેશ સેવા કરી શકે, તો ભાજપના તમામ ધારાસભ્યો પણ ઓછા રૂપિયામાં દેશ સેવા કરે તેઓ વિધાનસભાના અધ્યક્ષને લખીને આપે કે અમને ઓછો પગાર આપો. તમારે એટલું બધું ભથ્થું કેમ જોઈએ? અને પછી દેશ અને રાજ્યના નાગરિકોને લૂંટવા છે અને વાતો સમાન કાયદાની કરવી છે. આમાં ક્યાં સમાનતા છે? એક પોલીસ કૉન્સ્ટેબલ અને એક હોમગાર્ડ એક જ ડ્યુટી પોઈન્ટ પર કામ કરે છે. બંને સરખું કામ કરે છે. અમદાવાદના અનેક ટ્રાફિક પોઈન્ટ પર, પોલીસ ચોકીઓમાં હોમગાર્ડ અને કૉન્સ્ટેબલ એકસરખું કામ કરે છે. કલાકો સરખા, કામ સરખું, મહેનત સરખી. પણ હોમગાર્ડનો પગાર ખૂબ ઓછો હોય છે જ્યારે કૉન્સ્ટેબલનો વધુ હોય છે, સિનિયર કૉન્સ્ટેબલનો વધુ અને હાયર કૉન્સ્ટેબલનો તો ઘણો વધારે હોય છે. આવું કેમ? આમાં ક્યાં સમાન કાયદો કે સમાન નાગરિકતા છે?
આજે કેટલાક ધારાસભ્યો પોતાના પગારનો ઉપયોગ સમાજ સેવા માટે કરે છે એવી વાતો કરે છે. પરંતુ જો આખી સરકાર ભ્રષ્ટાચાર બંધ કરી દે તો જનસેવાના પૈસા સીધા જનસેવામાં વપરાય. એક તરફ જનસેવાના પૈસામાં કટકી કરવી અને બીજી તરફ દાનવીર બનવું એ યોગ્ય નથી. ચાર લાખ કરોડના બજેટમાં રોડ-રસ્તા, બાયોડીઝલ, દારૂ-ડ્રગ્સ, ખાણખનિજ, ગેરકાયદેસર બાંધકામ, ટાઉન પ્લાનિંગ જેવા અનેક ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર થાય છે. કરોડો રૂપિયા હપ્તા તરીકે લેવામાં આવે છે અને પછી દોઢ લાખનું દાન કરીને દાનવીર બનવાનું નાટક કરવામાં આવે છે. આવા દાનવીરોને સલામ! 100 કરોડનો ભ્રષ્ટાચાર કરીને દોઢ લાખનું દાન ? વેરી ગુડ!”




