
દિવાળીએ દિલ્હી ગેસ ચેમ્બર બન્યું દિલ્હીનો AQI 400 પાર થતાં શ્વાસ લેવો પણ મુશ્કેલ પ્રદૂષણ વધતા જ દિલ્હીમાં સ્ટેજ-૨ હેઠળ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના તમામ નિયમો તાત્કાલીક અસરથી લાગુ દેશભરમાં દિવાળીની ઉજવણી પૂર્વે જ રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનો કેર શરૂ થઇ ગયો છે. રવિવારે દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એક્યૂઆઇ ૪૦૦ને પાર પહોંચી ગયું હતું. જે ખરાબ સ્થિતિની કેટેગરી માનવામાં આવે છે. દરરોજ એક્યૂઆઇ વધી રહ્યું છે. દર વર્ષની જેમ આ વખતે પણ દિવાળી બાદ દિલ્હીનું પ્રદૂષણ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે. જ્યારે પંજાબમાં પરાળી સળગાવવાની ૨૪૧ ઘટના સામે આવી છે.
પ્રદૂષણ વધતા જ દિલ્હીમાં સ્ટેજ-૨ હેઠળ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના તમામ નિયમો તાત્કાલીક અસરથી લાગુ કરી દેવામાં આવ્યા છે. બીજા સ્ટેજમાં રોડ પર વાહનોની સંખ્યા ઘટાડવી, નિર્માણ કાર્યો અટકાવવા, ધુળ અને ધુમાડાને ઘટાડવા પ્રયાસ કરવો વગેરે ઉપાયો સામેલ છે. આ સાથે જ વૃદ્ધો બાળકો અને શ્વાસની બીમારી હોય તેમને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે. નાગરિકોને માસ્ક પહેરવાની સલાહ પણ આપવામાં આવી છે. શૂન્યથી ૫૦ વચ્ચેનો એર ક્વોલિટી ઇન્ડેક્સ સારો માનવામાં આવે છે. ૧૦૦ સુધી પણ કોઇ મુશ્કેલી નથી જણાતી પરંતુ ૨૦૦નો આંક પાર કરવો ખતરનાક માનવામાં આવે છે.
એક તરફ દેશભરમાં ચોમાસુ વિદાય લઇ રહ્યું છે, કેટલાક રાજ્યોમાં તો શિયાળાની શરૂઆત થઇ ચુકી છે એવામાં કેરળમાં ભારે વરસાદ પડયો હતો. સ્થિતિ એટલી કથળી ગઇ હતી કે છ જિલ્લાઓમાં ઓરેન્જ અને આઠ જિલ્લામાં યલો એલર્ટ જારી કરવું પડયું હતું.
તમિલનાડુમાં પણ આગામી ચાર દિવસો સુધી વરસાદ પડવાની આગાહી કરાઇ છે. માછીમારોને સમુદ્રથી દૂર રહેવાની સલાહ અપાઇ છે. બંગાળની ખાડીમાં પ્રેશર વધતા તમિલનાડુમાં પણ આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. તમિલનાડુના મુલ્લાપેરિયાર બાંધના ૧૩ ગેટ ખોલી નાખવામાં આવ્યા છે.
દિલ્હીમાં પ્રદૂષણના વિસ્ફોટ વચ્ચે પંજાબમાં પરાળી સળગાવવાની ૨૪૧ ઘટનાઓ સામે આવી છે જેમાં ૧૩૨ ફરિયાદ દાખલ કરાઇ છે. આ તમામ આંકડા ૧૫ સપ્ટેમ્બરથી ૧૮ ઓક્ટોબર સુધીના છે. દિલ્હીમાં પ્રદૂષણ માટે હરિયાણા અને પંજાબમાં પરાળી સળગાવવાને પણ જવાબદાર માનવામાં આવે છે.
