
જાન્યુઆરીની સાથે શનિ-રવિની રજાને સેટ કરીને બરફ વર્ષાનો આનંદ લેવા ગયેલા ઉત્તર ભારતના હજ્જારો પ્રવાસીઓની સાથે અસંખ્ય ગુજરાતી પરિવારો પણ હાલમાં વીસ કિલોમીટર ટ્રાફિક જામ અને ખાધા-પીધા વિનાના ઠંડા હિમ રસ્તાઓનો સામનો કરી રહ્યા છે.
બે ફૂટના બરફના સ્તર અને બ્લેક આઈસમાં ફસાયેલી કતારબંધ ગાડીઓની બંધ હાલત અને તેમાંથી ઠંડીમાં બહાર આવીને કિલોમીટરો સુધી ચાલતા ચાલતાં જઈને ક્યાંક રહેવાની જેવી તેવી વ્યવસ્થાઓ શોધતાં પ્રવાસીઓના દ્રશ્યો હવે કુલ્લુ-મનાલીમાં સામાન્ય થઈ ગયા છે. જે લોકો ફસાઈ ગયા છે તે વારંવાર સોશિયલ મીડિયા પર અહીં ન આવવાની સલાહ આપી રહ્યા છે જેથી વધુ ધસારો ન થાય. છતાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, ચંડીગઢ, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતમાંથી સતત પ્રવાસીઓનો પ્રવાહ હિમાચલનો બરફ માણવા માટે સતત ધસી રહ્યો છે. અહીં કોઈપણ પ્રકારના આયોજન વિના આવનારા પ્રવાસીઓને કારણે અંદાજિત ૫ હજારથી વધુ ગાડીઓ બરફમાં ફસાયેલી પડી છે.
હાલમાં કુલ્લુ હાઈવે પર વીસ કિલમીટરનો ટ્રાફિક જામ છે. લોકો પાસે પાણી અને ખોરાકની પૂરતી વ્યવસ્થા નથી અને ચાલતા ચાલતાં જ્યાં રહેવાની વ્યવસ્થા મળે ત્યાં મોંઘા ભાવે રુમ લેવા માટે રખડવાનો વારો આવ્યો છે. કેટલાંક પરિવારો તો ૨૪ કલાકથી રઝળી રહ્યા છે છતાં કોઈ વ્યવસ્થા થઈ નથી.
આ અંગે વાત કરતાં પ્રવાસીઓના જણાવ્યાનુસાર, લાંબા વીકએન્ડ અને પ્રથમ બરફવર્ષાને કારણે હજારો પ્રવાસીઓની જેમ અમે પણ અહીં આવ્યા હતા. પણ અહીં જે રીતે લોકોનો ધસારો છે તેના કારણે હોટલો ૧૦૦% ભરાઈ ગઈ છે અને રસ્તાઓ પર વાહનો થીજી ગયા છે. કેટલાક પ્રવાસીઓ ૨૪ કલાકથી વધુ સમય સુધી કારમાં અટવાયા છે. અનેક લોકોને બરફમાં રાત વિતાવવી પડી છે અને ખોરાક-પાણી વિના ૧૦-૨૦ કિમી પગપાળા ચાલવું પડી રહ્યું છે. લપસી જવાય તેવા રસ્તાઓ અને બ્લેક આઈસને કારણે અસંખ્ય વાહનો ફસાઈ ગયા છે. તંત્રના જેસીબી પણ જઈ શકે તેમ નથી એટલો ટ્રાફિક જામ જાેવા મળી રહ્યો છે. શિમલામાં પણ ૩થી ૪ કિમીના જામ જાેવા મળી રહ્યો છે અને હોટલના ભાડા આસમાને છે.
હિમાચલ સરકાર અને પોલીસ દ્વારા એડવાઈઝરી જારી કરવામાં આવી છે કે બિનજરૂરી મુસાફરી ટાળો, ઓછામાં ઓછા અને જેમણે અગાઉથી બુકિંગ કરાવ્યું છે તેવા જ પ્રવાસીઓને પ્રાધાન્ય આપવામાં આવે. કોઈ મોટી જાનહાની કે અકસ્માત ના સર્જાય તે માટે ઈમરજન્સી ટીમોને અહીં તૈયાર રાખવામાં આવી છે. રાજ્યમાં કુલ ૬૫૫ રસ્તા બંધ છે. જેમાંથી મનાલી વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત છે. હવામાન વિભાગે ૩૧મી જાન્યુઆરીથી વધુ બરફવર્ષાની આગાહી કરી છે, જેથી સ્થિતિ હજુ વધુ ખરાબ થઈ શકે છે.




