
બેંગલુરુમાં IT રેડ દરમિયાન ગોળી મારી રૂ. ૯૦૦૦ કરોડના માલિકે જીવન ટૂંકાવતા ખળભળાટ! છેલ્લા ત્રણ દિવસથી તેમના નિવાસસ્થાન અને ઓફિસ પર આવકવેરા વિભાગ (IT) ની તપાસ ચાલી રહી હતી.
કોન્ફિડેન્ટ ગ્રુપના ચેરમેન સીજે રોયે શુક્રવારે સેન્ટ્રલ બેંગલુરુમાં રિચમંડ સર્કલ પાસે આવેલી કંપનીની ઓફિસમાં પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના બપોરે અંદાજે ૩:૧૫ વાગ્યે બની હતી. છેલ્લા ત્રણ દિવસથી તેમના નિવાસસ્થાન અને ઓફિસ પર આવકવેરા વિભાગ (IT) ની તપાસ ચાલી રહી હતી. રોયના નિધન બાદ આઈટી અધિકારીઓ દરોડાની પ્રક્રિયા અધવચ્ચે છોડીને રવાના થયા હતા.
સીજે રોય ૯,૦૦૦ કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવતા હતા. તેમની પાસે પોતાનું પ્રાઈવેટ જેટ અને ૨૦૦ થી વધુ લક્ઝરી કાર હતી, જેમાં ૧૨ રોલ્સ રોયસનો પણ સમાવેશ થાય છે. મૂળ કેરળના વતની રોયનો વ્યવસાય કર્ણાટક અને દુબઈમાં ફેલાયેલો હતો. કોન્ફિડેન્ટ ગ્રુપ કેરળ અને કર્ણાટકનું મોટું રિયલ એસ્ટેટ ડેવલપર છે.
પોલીસે જણાવ્યું કે, ઘટના સમયે સ્થળ પર કોઈ (IT) અધિકારી હાજર નહોતા. બેંગલુરુ પોલીસ હવે તપાસના ભાગરૂપે આઈટી વિભાગ પાસેથી જરૂરી વિગતો મેળવશે. શનિવારે રોયના પત્ની અને પુત્ર બેંગલુરુની બોવરિંગ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ સેન્ટર પહોંચ્યા હતા. કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમારે આ મામલે હાઈ-લેવલ તપાસના આદેશ આપ્યા છે.
સીજે રોયના મોટા ભાઈએ ગંભીર આક્ષેપ કર્યો છે કે કેન્દ્રીય એજન્સીના દબાણને કારણે તેમના ભાઈએ આત્મહત્યા કરી છે. તેમણે જણાવ્યું કે રોય પર કોઈ દેવું નહોતું. આઈટી ટીમ ૨૮ જાન્યુઆરીએ આવી હતી અને રોયને ખાસ દુબઈથી બોલાવવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી તેમની સતત પૂછપરછ કરવામાં આવી રહી હતી.
સીજે રોયના જીવનની એક પ્રેરણાદાયી છતાં સંઘર્ષમય વાત એ છે કે, જ્યારે તેઓ ૧૩ વર્ષના હતા, ત્યારે બેંગલુરુના એક શોરૂમમાં કાર જાેવા ગયા હતા. ત્યાં સેલ્સમેને તેમનું અપમાન કરીને કાઢી મૂક્યા હતા કે “તું શું કાર ખરીદવાનો, ચાલ નીકળ!” તે જ દિવસે તેમણે નક્કી કર્યું હતું કે, તેઓ દુનિયાની સૌથી મોંઘી કારો ખરીદશે.
પ્રથમ કારનો પ્રેમ: ૧૯૯૪માં તેમણે ૧.૧૦ લાખમાં મારુતિ ૮૦૦ ખરીદી હતી. ૨૦૨૫માં તેમણે આ કાર શોધનારને ૧૦ લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી અને તે કાર ફરીથી ખરીદી લીધી હતી.
કાર કલેક્શન: રોય પાસે બુગાટી વેરૉન, ફેરારી, કોએનિગસેગ અગેરા, મેકલેરન અને લેમ્બોર્ગિની જેવી સુપર કાર્સનું કલેક્શન હતું.




