
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ભારતના ઉત્તરપૂર્વનું અત્યંત સંવેદનશીલ બની ચૂકેલું રાજય મણિપુર આમ તો છેલ્લા ત્રણેક વરસથી સળગી રહ્યું છે. વચ્ચે થોડો સમય રાહતરૂપ રહ્યા બાદ હવે અશાંતિ અને અંધાધૂંધી આ રાજયમાં પાછી ફરી છે. અને સ્થિતિ સુધરવાને બદલે વણસતી હોવાનો અંદાજ આવી રહ્યો છે.
ત્રણેક વર્ષ પહેલા ભાજપની સરકારે કુકી અને મૈઈતેઈ વચ્ચે અનામત બાબતે થયેલા સંધર્ષને ઉકેલવામાં થાપ ખાધી અને પછી જે મણિપુરની હાલત થઈ એ સર્વવિદિત છે. વર્ષોથી હળીમળીને રહેતા કુકી અને મૈઈતેઈ સમુદાય વચ્ચે પછી એવા વેરના વાવેતર થયા કે તેનું ઝેર આજે પણ મણિપુરને ડંખી રહ્યું છે. વળી હિંસા વકર્યા બાદ તેને ડામવામાં પણ કેન્દ્ર અને રાજય બંને સરકારો ઊણી ઉતરી જેના માઠાં પરિણામ આજે મણિપુર તેમજ દેશ ભોગવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૭ એપ્રિલે મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં
એક ઘર પર થયેલા બોમ્બ હુમલામાં બે નિર્દોષ બાળકોના મોત થયા હતા. આ ઘટના સામે સ્થાનિક વિરોધ દરમ્યાન હિંસક અથડામણમાં ત્રણ લોકો માર્યા ગયા હતા.
આમ રાજયમાં હિંસાની વધતી જતી ઘટનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે પરિસ્થિતિ રાખ નીચે ઢંકાયેલી ચિનગારી જેવી છે. જે તક મળતા જ આગમાં ફેરવાઇ શકે છે. તેથી સરકાર અને સુરક્ષા દળોએ કાયદામાં લોકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે પ્રામાણિક, ખુલ્લા અને નિષ્પક્ષ જાહેર સંવાદને પ્રાથમિકતા આપવી જોઈએ. તેમજ હવે ભવિષ્યમાં પરિસ્થિતિ અગાઉ જેવી વણસે નહીં એની પૂરેપુરી તકેદારી રાખવી જોઈએ.



