
ગૃહ મંત્રાલયનો મોટો ર્નિણય.અગ્નિવીરો માટે BSF માં કોન્સ્ટેબલ લેવલની ભરતીમાં ૫૦% અનામત.અગ્નિવીરોને માત્ર અનામત જ નહીં પરંતુ શારીરિક કસોટી અને વય મર્યાદામાં પણ મોટી છૂટછાટ અપાઈ.કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજના હેઠળ સેવા આપી ચૂકેલા યુવાનોને કાયમી રોજગાર પૂરો પાડવા માટે BSF ના ભરતી નિયમોમાં મોટો સુધારો કર્યો છે. આ નવા નિયમો હેઠળ, અગ્નિવીરોને માત્ર અનામત જ નહીં પરંતુ શારીરિક કસોટી અને વય મર્યાદામાં પણ મોટી છૂટછાટ આપવામાં આવી છે.
અત્યાર સુધી BSF માં પૂર્વ અગ્નિવીરો માટે માત્ર ૧૦ ટકા અનામત રાખવાનો પ્રસ્તાવ હતો, પરંતુ હવે તેને વધારીને સીધો ૫૦ ટકા કરી દેવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે BSF માં કોન્સ્ટેબલ પદની દર બીજી બેઠક પૂર્વ અગ્નિવીર દ્વારા ભરવામાં આવશે. આ સિવાય ૧૦% બેઠકો પૂર્વ સૈનિકો (Ex-Servicemen) માટે અને ૩% બેઠકો BSF ના ટ્રેડ્સમેન માટે અનામત રહેશે.
અગ્નિવીરો માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે તેમને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST) અને ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ (PET) માંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. સરકારનું માનવું છે કે આ યુવાનો પહેલેથી જ સેનામાં કઠોર તાલીમમાંથી પસાર થઈ ચૂક્યા છે, તેથી તેમને ફરીથી શારીરિક પરીક્ષણ આપવાની જરૂર નથી. આનાથી ભરતી પ્રક્રિયા અગ્નિવીરો માટે અત્યંત સરળ બની જશે.
સામાન્ય ઉમેદવારો માટે વય મર્યાદા ૧૮ થી ૨૩ વર્ષની હોય છે, પરંતુ પૂર્વ અગ્નિવીરોને તેમાં વિશેષ છૂટ મળશે:
પ્રથમ બેચના અગ્નિવીરો માટે: મહત્તમ ૫ વર્ષની છૂટ.
ત્યારબાદની બેચના અગ્નિવીરો માટે: મહત્તમ ૩ વર્ષની છૂટ. BSF કોન્સ્ટેબલ બનવા માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ૧૦મું પાસ રાખવામાં આવી છે. ભરતી પ્રક્રિયા બે તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં ૫૦% બેઠકો પર માત્ર પૂર્વ અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે, જ્યારે બીજા તબક્કામાં બાકીની બેઠકો માટે સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા ભરતી કરવામાં આવશે. ગૃહ મંત્રાલયના આ પગલાથી અગ્નિપથ યોજનાને વધુ મજબૂતી મળશે અને યુવાનોમાં સેનામાં જાેડાવા માટે ઉત્સાહ વધશે. આ ર્નિણયથી સુરક્ષા દળોને પહેલેથી જ તાલીમ પામેલા અને શિસ્તબદ્ધ જવાનો મળશે, જે દેશની સુરક્ષા માટે ફાયદાકારક સાબિત થશે.




