Madhya Pradesh: મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં મતદાન અધિકારીઓ અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) લઈ જતી બસમાં આગ લાગી હતી, જેના કારણે કેટલાક ઈવીએમને નુકસાન થયું હતું. કલેક્ટરે જણાવ્યું કે બસમાં સ્પાર્કના કારણે આગ લાગી હતી.
ત્રીજા તબક્કાની ચૂંટણી મંગળવારે એટલે કે 7મી મેના રોજ હતી. મતદાન બાદ આ બસ બેતુલના છ મતદાન મથકોમાંથી કર્મચારીઓને લઈને જિલ્લા મુખ્યાલય પરત ફરી રહી હતી ત્યારે રસ્તામાં અચાનક આગ ફાટી નીકળી હતી અને બસ સળગવા લાગી હતી. બેતુલ કલેક્ટર નરેન્દ્ર સૂર્યવંશીએ સમાચાર એજન્સી પીટીઆઈને ફોન પર જણાવ્યું કે આ ઘટનામાં કોઈ મતદાન કર્મચારી અને બસ ડ્રાઈવરને ઈજા થઈ નથી તેમણે કહ્યું કે આ ઘટના મંગળવારે રાત્રે લગભગ 11 વાગ્યે જિલ્લાના ગોલા ગામ પાસે બની હતી.
અહેવાલો અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે આગ લાગતાની સાથે જ ડ્રાઇવર અને અન્ય લોકો બસમાંથી કૂદી પડ્યા પરંતુ તે ઇવીએમ અને અન્ય વસ્તુઓને બહાર કાઢી શક્યા નહીં, જેના કારણે ઘણા ઇવીએમ બળી ગયા હોવાના અહેવાલ છે. આ અંગેની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર બ્રિગેડને પણ બોલાવવામાં આવી હતી. આ પછી અંદર રાખવામાં આવેલ વોટિંગ સામગ્રીને બહાર કાઢવામાં આવી હતી અને આગને જલ્દી કાબુમાં લેવામાં આવી હતી.
કલેક્ટરે કહ્યું કે આગમાં ચાર મતદાન મથકોના ઈવીએમને નુકસાન થયું છે, જેમાં બૂથ નંબર 275, 276, 277, 278, 279 અને 280નો સમાવેશ થાય છે. ઘટના સમયે બસમાં છ પોલિંગ પાર્ટીઓ અને એટલી જ સંખ્યામાં ઈવીએમ હતા, જેમાંથી ચાર ઈવીએમને નુકસાન થયું હતું, જ્યારે અન્ય બે સુરક્ષિત હતા. તેમણે કહ્યું કે ચાર અસરગ્રસ્ત ઈવીએમમાંથી એક કંટ્રોલ યુનિટ અથવા એક બેલેટ યુનિટને આગમાં નુકસાન થયું છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ ઘટના ઈવીએમમાં નોંધાયેલા મતોની ગણતરીને અસર કરશે, ત્યારે કલેક્ટરે જણાવ્યું હતું કે તેઓ આ મુદ્દા પર તેમનો અહેવાલ ચૂંટણી પંચને મોકલશે અને ચૂંટણી પંચ અસરગ્રસ્ત બૂથ પર ફરીથી મતદાન કરવા અંગે નિર્ણય લેશે.
ઘટના અંગે પ્રિસાઇડિંગ ઓફિસર મુન્નાલાલે મીડિયાને જણાવ્યું કે બસમાં બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને VVPATને છ પોલિંગ ટીમો સાથે રાખવામાં આવ્યા હતા. VVPAT, બેલેટ પેપર, સીલ વગેરે પણ બળી ગયા છે. તેમણે કહ્યું કે મતદાન ટીમના કેટલાક મશીનો બળી ગયા છે અને કેટલીક બેગ વગેરે અન્ય વસ્તુઓ પણ ત્યાં રાખવામાં આવી હતી, જે બળી ગઈ છે.
ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન યોજાયું હતું
તમને જણાવી દઈએ કે 7 મેના રોજ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 93 લોકસભા સીટો પર લગભગ 65 ટકા મતદાન નોંધાયું હતું. ત્રીજા તબક્કામાં મધ્યપ્રદેશની મુરેના, ભીંડ (SC), ગ્વાલિયર, ગુના, સાગર, વિદિશા, ભોપાલ, રાજગઢ અને બેતુલ (ST) બેઠકો પર મતદાન થયું હતું.