
દ્વિશતાબ્દી મહોત્સવમાં મોહન ભાગવત રહ્યા ઉપસ્થિતિ જેતલપુરધામમાં ભક્તિ અને રાષ્ટ્રવાદનો સંગમ જેતલપુરધામના ૨૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પણ ૧૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે નિર્માણ કરેલા નવ મંદિરો પૈકીના મૂર્ધન્ય સમાન જેતલપુરધામમાં અત્યારે ઉત્સવનો માહોલ છે. રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાના ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘દ્વિશતાબ્દી પાટોત્સવ‘માં આધ્યાત્મિકતા અને રાષ્ટ્રભક્તિના અદભૂત દર્શન થયા હતા. આ મહોત્સવમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત પ્રવચન આપતા ભાવી આચાર્ય પ.પૂ. ૧૦૮ વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજે એક મહત્વપૂર્ણ સંયોગ ટાંકતા જણાવ્યું હતું કે, “આજે જ્યારે જેતલપુરધામના ૨૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પણ ૧૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ સૌભાગ્યની વાત છે. જેતલપુર મંદિર અને સંઘ બંને દાયકાઓથી હિન્દુત્વની જાગૃતિ અને સમરસતા માટે કાર્ય કરી રહ્યા છે. જ્યાં સુધી આપણે સનાતન ધર્મને મજબૂત નહીં કરીએ ત્યાં સુધી ભવિષ્ય સુરક્ષિત નથી.”
હળવી શૈલીમાં હરિભક્તોને સંબોધતા RSS સરસંઘચાલક મોહન ભાગવતજીએ કહ્યું હતું કે, “એક જુનિયરને સિનિયરને મળીને જે આનંદ થાય તેવો જ અનુભવ આજે મને થઈ રહ્યો છે. જે કાર્ય કરવામાં સંઘને ૧૦૦ વર્ષ થયા, તે જ કાર્ય સ્વામિનારાયણ સંપ્રદાય ૨૦૦ વર્ષથી કરી રહ્યો છે. ધર્મ હંમેશા જાેડવાનું કામ કરે છે, તોડવાનું નહીં.” તેમણે સામાજિક સમરસતા પર ભાર મૂકતા ઉમેર્યું કે, “ભગવાનના સર્જનમાં ઊંચ-નીચ કે ભેદભાવ ક્યાંથી આવ્યા? વ્યવસ્થામાં જ્યારે ભેદની ભાવના ઘૂસે છે ત્યારે સમાજનું નુકસાન થાય છે. આજે આખી દુનિયા ભારત પાસે ઉકેલની અપેક્ષા રાખી રહી છે, અને તે માટે આપણે તૈયાર થવું પડશે. ગુજરાતમાં જે વ્યસનમુક્તિ અને સેવાની સુવાસ છે તે સ્વામિનારાયણ સંપ્રદાયના ૨૦૦ વર્ષના પુરુષાર્થનું પરિણામ છે.”
આભારવિધિ કરતા આચાર્ય શ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે, “સ્વામિનારાયણ સંપ્રદાય અને સંઘ પરિવાર – બંનેના લક્ષ્ય એક જ છે. અખંડ ભારત એ માત્ર સપનું નથી પણ સત્ય છે. આજે વિદેશમાં ભારતીયોને જે સન્માન મળે છે તેની પાછળ સંઘ પરિવારની ત્રણ પેઢીઓનું બલિદાન, ત્યાગ અને જાગૃતિ છે. આપણી ઉન્નતિ અને વિશ્વશાંતિ માત્ર ધર્મના માધ્યમથી જ શક્ય છે.”
આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ, સરકારના મંત્રી, પૂર્વ મંત્રીઓ તેમજ સંઘના ક્ષેત્રીય પ્રચારકો સહિત અનેક સંતો-મહંતો અને હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, આ મહોત્સવ આગામી ૧૧ માર્ચ ૨૦૨૬ (ફાગણ વદ આઠમ) સુધી ધામધૂમથી ચાલશે.




